અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -4) જંગ વોટર ફોલ, તવાંગ, બુમલા પાસ, સાંગેત્સર લેક,


અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -4)

જંગ વોટર ફોલ, તવાંગ, બુમલા પાસ, 
સંગેટસર લેક
રોમાંચિતસફર

 જશવંતગઢ વોર મેમોરિયલ જોઈ અને જંગ વોટર ફોલ (નુરાનાંગ ફોલ) પહોંચ્યા.
જંગ ફોલ

નુરાનાંગ નદી સેલા પાસમાંથી નીકળી અને તવાંગ નદીને મળે છે. નુરાનાંગ નામ માટે એવી વાયકા પણ છે કે , 1962માં થયેલ ભારત ચીન યુધ્ધ દરમિયાન જશવંત સિંગ અને તેના સાથીદારોને નુરા નામની એક અતિ બહાદુર યુવતીએ ખૂબ મદદ કરેલી જેના નામ પરથી આ નદી અને વોટર ફોલનું નામ પડેલ છે જો કે તેમાં મત મતાંતર પણ છે. નુરાએ યુધ્ધમાં મદદ કરેલ તે વાતનું સમર્થન લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મળે છે.
આ વોટર ફોલ જંગ નામનાં ગામની નજીક આવેલો હોવાથી તેને જંગ વોટર ફોલ પણ કહે છે. લગભગ સો મીટરની ઊંચાઈ પરથી પાણી પડે છે પણ તેની સુંદરતામાં આસપાસની કુદરત અનેક ગણો ઉમેરો કરે છે. અહીં કોયલા ફિલ્મનાં એક ગીતનું નિર્માણ થયાં બાદ આ ધોધ વધુ વિખ્યાત થયો છે. 
નુરાનાંગ નદી

અમે પહોંચ્યા ત્યારે વાતાવરણ એકદમ ખુશનુમાં હતું.
 ધોધમાંથી દૂર સુધી ઊડતાં પાણીની છાલક શરીર અને મનને રોમાંચિત કરતી હતી. ઉપરથી પડતો ધોધ, તેમાંથી વહેતી નદી, ચારેબાજુની હરિયાળી, પહાડો અને વાદળો, બેસ્ટ કોમ્બિનેશન હતું રોકાઈ જવાં માટેનું પણ સમયસર તવાંગ પહોંચવાનું હતું અને અહીંનો સમય પણ પૂરો થતો હતો એટલે બે કલાક રોકાયા બાદ એકદમ આનંદ સાથે જંગ ધોધની વિદાય લીધી.

તવાંગ 

 તવાંગ પહોચ્યાં ત્યાં સાંજ પડી ગઈ હતી. રાત્રિ રોકાણ બુધ્ધા લોજમાં હતું. 
બુધ્ધ લોજ

રાજસ્થાની દંપતી આ લોજ ચલાવે છે. સરસ રાજસ્થાની સ્વાદનું ગુજરાતી ભોજન ઘણાં દિવસે જમવાં મળ્યું એટલે પેટભરી જમ્યાં. ઠંડી ખૂબ હતી, થાકી પણ ગયાં હતાં પણ રૂમ હીટરને કારણે શાંતિથી ઊંઘ આવી ગઈ. બીજા દિવસે બુમલા જવાનું હતું.

બુમલા

તવાંગથી સવારે લગભગ સાત આસપાસ નીકળ્યાં જેથી દરેક જગ્યાને શાંતિથી માણી શકાય.

દલાઈ લામા આ રસ્તેથી ભારતમાં પ્રવેશ્યા હતાં. ચીનના કબજામાં રહેલ તિબેટનાં ત્સોના કાઉન્ટીના ત્સોના ડીઝોંગથી 43કિમી અને ભારતના અરુણાચલના
તવાંગથી 37 કિમી 15200ફૂટની ઊંચાઈ પર ભારત તિબેટ (ચીન) બોર્ડર બુમલા પર આવેલી છે.

1962ના ભારત ચીન યુધ્ધ સમયે અનેક સ્થળો પૈકી આ સ્થળેથી પણ ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરેલી. બુમલા પહોંચવા માટે તવાંગથી ડેપ્યુટી કમિશનરની પરવાનગી અને તેના પર ભારતીય સેનાની મહોર હોવી ફરજિયાત છે. માત્ર અરુણાચલ પ્રદેશના વાહનોને જ આ સરહદ સુધીના પ્રવાસ માટે મંજૂરી મળે છે જેથી આપણે અન્ય કોઈ વાહનો ભાડે લઈને આવ્યા હોઈએ તો પણ લોકલ એસ.યુ.વી. ભાડે કરવી પડે છે જેનું ભાડું 5500 રૂ.હોય છે. ભારતીય સિવાય અન્ય કોઈપણ દેશના નાગરિકો માટે બુમલા સીમા પર પ્રવેશ વર્જ્ય હોવાથી મંજૂરી મળતી નથી.


તવાંગથી  37કીમીનાં એકદમ સીધાં ઢાળવાળા રસ્તાં પરથી તિબેટિયન પ્લાટુ દેખાય છે. વિશ્વનાં બે મહાન શિખરો એવરેસ્ટ અને K2 અહીં આવેલાં છે તે તિબેટીયન પ્લાટુ /હિમાલયન પ્લાટુ ' ધ રૂફ ટોપ ઓફ ધ વર્લ્ડ ' તરીકે ઓળખાય છે.
 

રસ્તામાં નાનાં નાનાં ગામડાંઓ જેમાં ચાર પાંચ છૂટાછવાયાં મકાનો હોય અને ચારે બાજુ વાદળાં, પર્વતો કુદરતનું અવર્ણનીય સુંદર સ્વરૂપ અને બરફ. શું જોવું અને શું ન જોવું. આંખનો પલકારો માર્યાં વગર બસ જોયાં જ કરીએ. દેશમાં જે ચાર જગ્યાએ બોર્ડર પર્સનલ મિટિંગ (ભારતીય સૈન્ય અને પીપલ્સ લીબરેશન આર્મી ઓફ ચાઇના વચ્ચે ) થાય છે તેમાંનું એક બુમલા છે. સલામતી વ્યવસ્થાનાં ભાગરૂપે અહીં ફોટોગ્રાફીની મનાઈ હોવાથી માત્ર આંખોથી જોવાનું અને મન મગજમાં આ યાદોને સંગ્રહી રાખવાની હતી.
તિબેટીયન ભાષામાં લા મતલબ રસ્તો , (અંગ્રેજીમાં પાસ કહેવાય છે) જેથી સેલા, બુમલા, નાથુલા એ રીતે બોલાય છે.

બુમલા જવાં માટે આગલા દિવસે પરમીટ લઈ લેવી હિતાવહ છે જેથી બીજે દિવસે વહેલી સવારે નીકળી શકાય કારણ, બપોર થતાં સુધી વાતાવરણ એકદમ બદલાઈ જાય છે. લગભગ આખું વર્ષ આ વિસ્તાર બરફ આચ્છાદિત રહે છે. અહીં પહોચ્યાં ત્યારે સિક્કિમના નાથુલાની યાદ આવી ગઈ એ પણ ભારત ચીન સીમા પર આવેલું છે. જેની ઉંચાઈ સમુદ્રતળથી 14000 ફૂટ છે જ્યારે બુમલા સમુદ્ર તળથી 15200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.

 આવી જગ્યાઓ જોઈએ ત્યારે હિમાલય ને દંડવત કરવાની ઈચ્છા થાય. જો હિમાલય ન હોત તો આપણાં દેશની સરહદો કુદરતી રીતે આટલી સુરક્ષિત હોત તેવો પ્રશ્ન થાય!! હિમાલયને કારણે વરસાદ મળે, મહાન નદીઓ મળી. હિમાલય ન હોત તો ભારતનું અસ્તિત્વ એકદમ જોખમમાં હોત એવું ચોક્કસ માની શકાય. આટલી વિષમ સ્થિતિમાં પણ ચીન સતત ભૂખ્યા વરુની જેમ તૂટી પડવા તૈયાર રહેતું હોય તો જો હિમાલય જેવી અતિ કપરી, વિષમ અને અડીખમ દીવાલ ન હોત તો ચીન શું ન કરતું હોત.

સંગેત્સર લેક
બુમલાથી નીચે ઊતરતી વખતે સંગેત્સર ત્સોની મુલાકાત લીધી. સંગેત્સર ત્સો (તિબેટીયન ભાષામાં ત્સો મતલબ તળાવ - લેક)નું 1952માં આવેલાં ભૂકંપ દરમિયાન કુદરતી રીતે નિર્માણ થયું છે. પહાડોની વચ્ચે ખાઈ જેવું સર્જન થવાથી અને બરફ પીગળવાથી તળાવ બની ગયું...વચ્ચે ઊભેલાં ઝાડ નહીં પણ માત્ર ઠૂંઠા હોવાં છતાં અનેરું આકર્ષણ પેદા કરે છે. થીજીને પણ જીવંત લાગે તેવાં જાણે અટલ અચલ મૂક પ્રેક્ષક, સહાયકની જેમ અડીખમ ઊભા છે જેને કારણે તળાવની સુંદરતા કંઇક અલગ પ્રકારની જ લાગે છે.
 અમે ગયાં ત્યારે બર્ફ વર્ષા (સ્નો ફોલ) થવાને કારણે પાણી થીજી ગયું હતું. 

બપોરે ત્રણ વાગ્યે હોટલ પર પહોચ્યાં. જમી થોડો આરામ કરી હોટેલ આસપાસની નાનકડી બજારમાં આંટો માર્યો. લાકડાંનાં અમુક ચોક્કસ પ્રકારના કોતરકામ વાળા આર્ટિકલ્સ ને બાદ કરતાં અહીં મળતી તમામ વસ્તુઓ ભારતનાં બીજા રાજ્યોમાંથી આવે છે. સાંજે છ વાગ્યે બજાર બંધ થઈ જાય એટલે થોડી ખરીદી કરી અને હોટેલ પર આરામ કર્યો..બીજા દિવસે તવાંગ સિટી ટૂર કરવાની હતી..

(વધુ આવતાં અંકે)

Comments

Popular posts from this blog

પરિક્રમા નર્મદા મૈયાની : કુદરતની સાખે સ્વ સાથેની અભૂતપૂર્વ અનુભૂતિ

કોંકણ કોલિંગ - એક સ્વપ્નીલ પ્રવાસ (ચેપ્ટર 1)

કોંકણ કોલિંગ ચેપ્ટર 3: ચિપલૂણ (મહારાષ્ટ્રનું ચેરાપુંજી , રત્નાગિરિ (કિલ્લાઓ,લડાઈ, ઇતિહાસ, સંસ્કૃતિ, આલ્ફેન્ઝો મેંગો અને બીજું ઘણું...)