અરુણાચલ પ્રદેશ: ઉગતાં સૂર્યનો પ્રદેશ(ભાગ -3)ભારતીય સેનાને સલામ
અરુણાચલ પ્રદેશ: ઉગતાં સૂર્યનો પ્રદેશ
(ભાગ -3)
સેલા ટોપ, જશવંત ગઢ, વોર મેમોરિયલ, ભારતીય સેનાને સલામ
દિરાંગથી નીકળી તવાંગ પહોંચતાં પહેલાં રસ્તામાં ન્યુકમાદોંગ વોર મેમોરિયલ, સેલા ટોપ, જશવંતગઢ વોર મેમોરિયલ અને જંગ વોટર ફોલ આવે છે.
ન્યુકમાદોંગ વોર મેમોરિયલ 1962નાં ભારત - ચીન યુદ્ધ સમયે વીરગતિ પામેલાં ભારત માતાનાં સપૂતોની યાદમાં બનાવેલ છે. અહીંના દરેક વોર મેમોરિયલ બૌદ્ધ સ્તૂપ સ્વરૂપે બનાવેલાં જોવાં મળે છે. સુંદર સ્તૂપ આસપાસ અમર શહીદો વિશેની માહિતી સાથે બનાવેલ આ સ્મારક જોઈએ ત્યારે હૃદય ગમગીન બની જાય છે. 1962ની લડાઈ વખતે ચીન દ્વારા આસામનાં તેજપુર સુધી (નકશામાં જુઓ)
ઘૂસણખોરી થઈ હતી. અનેક જગ્યાએથી ચીની સૈનિકોએ હુમલાઓ કર્યાં હોવાને કારણે અલગ અલગ બટલિયનના અનેક જવાન અને અધિકારીઓએ શહીદી વ્હોરી લીધી હતી.
જેમજેમ ઉપર જતાં હતાં તેમ તેમ હિમાચ્છાદિત હિમાલયની ગિરિમાળાઓ દ્રશ્યમાન થતી હતી. એક અલગ પ્રકારનો રોમાંચ વધતો જતો હતો. તવાંગ ગેટ પાસે પહોંચ્યાં ત્યારે વિસ્ફારિત નયને સેલાટોપને જોઈ રહ્યાં ચારે તરફ બરફ બરફ.
કાતિલ ઠંડો પવન. 15 મિનિટમાં તો હાંજા ગગડાવી નાખ્યાં. 13700ફૂટની ઊંચાઈ પર આવેલાં સેલા ટોપ પર સેલા લેક આવેલાં છે. એક ઉપર અને એક નીચે.
અમે ગયાં ત્યારે( માર્ચ 28 - 2023) ખૂબ બરફ વર્ષા થવાના કારણે ઉપરથી બન્ને લેક જોઈ શકાતાં હતાં. થોડી થોડી વારે ઠંડા પવનને કારણે પાછા ગાડીમાં બેસી જતાં હતાં પણ ત્યાંથી જવાનું મન થતું નહતું. અહીં આર્મી કેમ્પ સિવાય કોઈ વ્યક્તિ રહી શકે નહીં. બરફ વર્ષા થાય ત્યારે આપણે તો ગાડીમાં બેસી ચાલું હીટરમાં પણ ધ્રૂજતાં હોઈએ ત્યારે આ જવાનોને રસ્તા પર પડેલો બરફ હટાવતાં જોઈએ ત્યારે રીતસર હૃદય ભરાઈ જાય. નાની નાની બાબતોમાં ફરિયાદ કરતાં આપણે ક્યારેક સેનાને વગર દુશ્મને વિષમ ભૌગોલિક સ્થિતિ સામે લડતાં જોઈએ તો એમ થાય કે, આપણે તો સ્વર્ગમાં રહીએ છીએ છતાં કેટલી સમાન્ય તકલીફ પણ સહન કરી શકતાં નથી.
એકાદ કલાક જેટલું સેલા ટોપ રહ્યાં. અહીંનો રસ્તો અદ્ભુત શાંતિનો અનુભવ કરાવતો હતો. ગણ્યા ગાંઠ્યા પ્રાઇવેટ વાહનો બાકી તો મિલિટરીની બસ અને ટ્રક વધુ જોવાં મળે. બન્ને તરફ અડીખમ હિમાલય વચ્ચે બરફ આચ્છાદિત પાઈનના વૃક્ષો દરેક સ્થિતિના સાક્ષી બનીને ઊભા છે.
અહીં અમે ઘણો સમય ઊભા રહીને આ દ્રશ્યને જોયાં કર્યું હતું.
અહીંથી 20 કિમી આગળ જઇએ એટલે જશવંત ગઢ વોર મેમોરિયલ આવે. 1962નાં યુદ્ધ સમયે આ પોસ્ટ પર માત્ર ત્રણ દિવસના યુધ્ધમાં એક એવી ખૂબ મહત્વની બાબત બની જેને કારણે આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ. માત્ર એકવીસ વર્ષનાં મહાવીર ચક્રથી સન્માનિત (મરણોપરાંત) રાયફલ મેન જશવંત સિંગ રાવત અને તેના બે સાથી મિત્રોએ અભૂતભૂર્વ શૂરવીરતા બતાવી જેને કારણે ત્રણ સૈનિકો ચાઇનીઝ સૈન્ય પર ભારે પડી ગયાં.
અહીં બનાવેલાં બંકર્સ માત્ર પ્રતીકરૂપ છે પરંતુ એ બંકર્સમાં માત્ર થોડીવાર રહીએ તો ખ્યાલ આવે કે દિવસો અને મહિનાઓ આપણાં જવાનો કઈ રીતે રહેતાં હશે.
તવાંગ ગામથી નજીકમાં જ તવાંગ ચુ વેલી પાસે તવાંગ વોર મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તવાંગ વોર મેમોરિયલ
લગભગ ચાલીસ ફૂટની ઊંચાઈનું બૌધ્ધ સ્તૂપ સ્વરૂપે 1962ના ભારત ચીન યુધ્ધ દરમિયાન શહીદ થયેલાં ભારતીય સૈન્યના શૂરવીર યોધ્ધાઓની યાદમાં અત્યંત સુંદર સ્મારકનું નિર્માણ થયું છે. અપ્રતિમ સૌંદર્ય ધરાવતી તવાંગ ચુ વેલીને કિનારે બનાવેલું આ સુંદર સ્મારક આપણાં મનમાં કાયમી છાપ છોડી જાય છે.
સ્તૂપની સામે બગીચામાં બહાદુર શૂરવીરોની પ્રતિમા અને તેમના દ્વારા છેલ્લા શ્વાસ સુધી જીવ સટોસટની બાજી જે વીરતાપૂર્વક ખેલવામાં આવી તેનું અને તેમને આપવામાં આવેલાં શૌર્ય પુરસ્કારોનું વર્ણન વાંચતા આ વીર શહીદોને નત મસ્તક થઈ જવાય છે.
લાઈટ એન્ડ સાઉન્ડ શો
આવાં વીર સપૂતો ભારત માતાના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં તેની કથની સેના દ્વારા આયોજિત લાઈટ એન્ડ સાઉન્ડ શો જોતી વખતે સાંભળવા મળે છે. એકપણ પ્રેક્ષક એવો નહીં હોય જેની આંખો ભીંજાઈ ન હોય. રૂવાંડા ઊભા કરી દે તેવી આ જાન ફેસાનીની વાત સાંભળીએ ત્યારે એવો વિચાર આવે કે, કેટલાં સલામત છીએ આપણે. આ જવાનો સરહદ પર દુશ્મનોની ગોળીઓ સામી છાતીએ ઝીલવા માટે દિવસ રાત કેવી કપરી પરસ્થિતિમાં સરહદની રક્ષા કરતાં હોય છે અને આપણે કેટલી ક્ષુલ્લક બાબતો માટે પણ શું કરતાં હોઈએ છીએ.!!
એક અલગ માનસિકતા છતી થાય છે આપણી.
જવાનો જ્યાં પણ અને જ્યારે પણ મળે ત્યારે આપણે જયહિન્દ કહીને અભિવાદન કરીએ એટલે ખુબજ ઉમળકાભેર જવાબ આપે. માત્ર અગિયાર દિવસની મુસાફરીમાં પણ આપણે ખાવા પીવા રહેવા ,ફરવા વગેરે સુખાકારી મળવાં છતાં વિષમ વાતાવરણ કે ખોરાકને કારણે થાકી જતાં હોઈએ છીએ ત્યારે મુંબઈ, ગુજરાત, ઉત્તર પ્રદેશ , બિહાર જેવાં જુદાં જુદાં રાજ્યો અને વિસ્તારમાંથી આવતાં આપણાં આ જવાનો કઈ રીતે ત્યાં દિવસ રાત પોતાની ફરજ બજાવતાં હશે.
જશવંત ગઢ વોર મેમોરિયલ
માણસ આખરે માણસ છે. ગમે તેટલી અઘરી તાલીમ લીધી હોય તો તેનાથી શરીર અને મગજ કદાચ ટેવાય પણ માનવ મનનું શું? એમને પોતાના પ્રિયજનો, પોતાનું ઘર, પોતાનું વતન યાદ નહિ આવતું હોય??
ખરેખર આપણી સેનાને સો સો સલામ.
વોર અને 2420 વીર સપૂતોની શહાદત વિશે લખવાં બેસું તો હજુ બે ત્રણ હપ્તાં તો તેના પર જ લખી શકું પણ સમય, જગ્યાની મર્યાદા અને વાચકની ધીરજની બહુ વધુ કસોટી ન કરી શકાય. વધુ આવતાં અંકે
અમી દોશી 9825971363
અદ્ભુત વર્ણન..ત્યાં હોઈએ તેવો જ અહેસાસ..જવાનોની મર્દાનગી તેમજ અનેક યાતનાઓ વચ્ચે તેઓ આપણી સૌની કેવી રક્ષા કરે છે તેની પ્રતિતી કરાવી..
ReplyDelete