અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ

અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ...

ભારતનો એક એવો પ્રદેશ જેની હિમગિરિ કંદરાઓ પર  અરુણ દેવ સૌથી પહેલાં કૃપાયમાન થઈ અને પોતાનાં કિરણોને પ્રસારે છે. લગભગ છ વર્ષથી ઉત્તર પૂર્વના સેવન સિસ્ટર્સ રાજ્યો (આસામ,અરુણાચલ,મેઘાલય,મણિપુર,મિઝોરમ,નાગાલેન્ડ,
ત્રિપુરા) પૈકીના રાજ્યોનો પ્રવાસ કરવાનું નક્કી હતું. પરંતુ જ્યારે નિશ્ચિત થાય ત્યારે જ અમુક કર્યો થઈ શકે તેમ લીધેલી ટિકિટ પણ રદ કરાવવી પડી હતી. કોરોના વગેરે બાદ છેક આ વર્ષે
(માર્ચ 2023) આ પ્રવાસનો મોકો મળ્યો પણ, "દેર આયે દુરસ્ત આયે" ની જેમ જીવનભર યાદગાર રહી જાય તેવો વધુ એક સુંદર પ્રવાસ મારી પ્રવાસ ડાયરીમાં આલેખિત થઈ ગયો.

અરુણાચલ પ્રદેશ એ ઉતર પૂર્વના સાત રાજ્યો પૈકીનું સૌથી મોટું રાજ્ય જે ભૂતાન, તિબેટ, ચીન અને મ્યાનમાર જેવાં દેશોની આંતર રાષ્ટ્રીય સરહદોથી જોડાયેલ છે.  હિમાલયની ગિરીકંદરાઓ જેનું રક્ષણ કરતી હોય એવાં આ અલગારી પ્રદેશનો પ્રવાસ મનને કંઇક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરાવી ગયો.


અમે અરુણાચલ પ્રદેશના વેસ્ટ કામેંગ અને તવાંગ જિલ્લાઓનાં વિવિધ સ્થળોનો પ્રવાસ કરવાનું નક્કી કરેલું હોવાથી આયોજન કરી અને નીકળી પડ્યાં. સામાન્યરીતે કોઈપણ ટૂર ઓપરેટરને પૂછીએ એટલે દસ દિવસમાં બે રાજ્યોનો પ્રવાસ ગોઠવી આપે અને પ્રવાસીને પણ એમ થાય કે, વાહ બે રાજ્યોની મુલાકાત થઈ ગઈ પણ અમારે અરુણાચલ પ્રદેશનો જ પ્રવાસ પણ એકદમ શાંતિથી અને ત્યાંના લોકજીવન અને સંસ્કૃતિના પરિચય સાથે કરવો હતો. બે પાંચ જાણીતી જગ્યાઓને અડીને નીકળી જવાને બદલે તેના સૌંદર્યને ભરપૂર માણીને જીવનભરની યાદોને સમેટીને આવવું હતું. આમ પણ અમારો મોટાભાગનો પ્રવાસ જાતે જ આયોજિત કરતાં  હોઈએ છીએ જેથી અજાણ્યા પણ જોવાં ,જાણવા અને માણવાલયક સ્થળો ચુકાઈ ન જાય. કુલ અગિયાર દિવસીય આ પ્રવાસમાળા કદાચ લાંબી થાય પણ દરેક સ્થળની માહિતી, મહત્વ, સુંદરતા, કુદરતી સૌંદર્ય ને જો વિગતવાર વર્ણન નહીં કરું તો એ વણ સ્પર્શી ભૂમિનું અપમાન થશે અને એનાં સાચાં સૌંદર્યપાનથી વંચિત રહ્યાની લાગણી થયાં કરશે.


રાજકોટથી સાંજે નીકળી અને રાત્રે બાર કલાકે આસામના પાટનગર ગૌહતી પહોંચી અને હોટેલમાં આરામ કર્યો.
બીજા દિવસથી અમારાં અરુણાચલ પ્રદેશના પ્રવાસનો પ્રારંભ થયો.
રોવટા હાટ

મર્યાદિત વસતી, મર્યાદિત જીવન અને અન્ય કારણોસર અહીં સરકારી ટ્રાન્સપોર્ટ, કે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા નહિવત્ હોવાથી, પ્રવાસીઓએ પોતાના અંગત વાહન (ભાડે અથવા પોતાનું)થી જ પ્રવાસ કરવો હિતાવહ રહે છે. અમે ગૌહાટી એરપોર્ટથી અગિયાર દિવસ માટે ટેક્સી નક્કી કરી લીધી હતી.
અરુણાચલ પ્રદેશમાં ગૌહાટી તરફથી પ્રવેશ માટે મુખ્યત્વે બે રસ્તા છે. એક તેજપુર, નામેરી, ભાલુકપોંગ, બોમડીલા તરફથી અને બીજો મંગલદોઈ, રોવટા ઓરાંગ, ભૈરવકુંડ તરફથી. અમારે ભૂતાન બોર્ડરની મુલાકાત લેવી હતી અને ભૈરવકુંડ ખૂબ સુંદર જગ્યા હોવાને કારણે તે રસ્તો પસંદ કર્યો હતો.


આસામ ભૈરવકુંડ રોડ નયનરમ્ય ઘર


ગૌહાટી, ભૈરવકુંડ, બાલેમુ, કલ્કતાંગ, રોવતા, શેરગાવ, રૂપા થઈ અને પ્રથમ સાંજે  સાત વાગ્યા આસપાસ વેસ્ટ કામેંગ જિલ્લાના મુખ્ય મથક બોમડીલા પહોંચ્યા.

આસામ અરુણાચલ રોડ સોપારીના વૃક્ષો


ગૌહાટીથી અરુણાચલ પ્રદેશ તરફ જતાં સમુદ્ર જેવી વિશાળ અને આ વિસ્તારની જીવાદોરી સમાન બ્રહ્મપુત્રા નદીને પસાર કરવાની હોય છે. અહીં આવેલાં સરાઈઘાટ પુલ પરથી બ્રહ્મપુત્રાનું મનમોહક રૂપ ખૂબ સુંદર રીતે જોવા મળે છે. આ પુલ પરથી પસાર થતાં મને ભરૂચ પાસેનો નર્મદા નદી પરનો પુલ યાદ આવી ગયો. આસામથી અરુણાચલ તરફનો રસ્તો એટલે બંને તરફ સોપારીના ઊંચા ઊંચા વૃક્ષોના જાણે સોપારીનાં વૃક્ષોનું વન, સાથે સાથે, વાંસ, રબર અને કેળનાં વૃક્ષોની હારમાળા, ખેતરો પણ ખરાં અને લોકોનાં ઘરની આસપાસ નાનાં નાનાં બગીચાં પણ.


ગ્રામ્ય જીવન

 ઘરની પાસે આવેલાં નાનાં એવાં બગીચાની ફરતે જે વાડ હોય તેમાં ફરતે આ વૃક્ષોનાં સુકાયેલાં પાનની લાઈન કરી હોય જાણે જીવંત દીવાલ. જે ગ્રામ્ય જીવનની સુંદરતામાં ઉમેરો કરતી હોય તેમ લાગે. લગભગ દરેક ઘરની બહાર નાનકડાં તળાવ હોય (ફિશ પોન્ડ) જેમાં લોકો મીઠાં પાણીની માછલીનો ઉછેર કરે, જે તેમનો મુખ્ય ખોરાક.
 
NH 52 ઢાબા જમવા રોકાવા જેવું સ્થળ


રસ્તામાં NH 52 ધાબામાં નાસ્તો કરવાં રોકાયાં. દેશના મોટાં ભાગનાં તમામ વિસ્તારોનો મુખ્ય ખોરાક અહીં મળી જાય. વિવિધતામાં એકતા જેવી આ ઢાબા સ્ટાઈલ રેસ્ટોરન્ટની મુખ્ય વિશેષતા મોટાભાગનો સ્ટાફ સ્ત્રીઓનો. સૌમ્ય સ્મિત સાથે ઓર્ડર લઈ અને ખૂબ ઝડપથી ખાણું પહોંચાડતી આ રેસ્ટોરાંની બીજી ઉડીને આંખે વળગે તેવી બાબત એટલે ચોખ્ખાઈ. અહીં નાસ્તો કરી અમે રસ્તામાં ગ્રામ્ય જીવન, ગામડાની હાટ, અહીં વેચાતી વસ્તુઓ, મકાનો જોતાં જોતાં ભૈરવકુંડ તરફ આગળ વધ્યાં.


ભૈરવકુંડ ડેમ


આસામના ઉદયગીરી જિલ્લાનું ભૈરવકુંડ એટલે ખૂબ જ સુંદર સ્થળ. ભૂતાનમાંથી આવતી જામપાની નદીને  અહીંની ધનશ્રીરી નદી જે ભૈરવીને મળે છે અને અહીં ભળી જાય છે જે આ વિસ્તારની જીવાદોરી સમાન છે. આ નદી કિનારે એક સુંદર  રિસોર્ટ આવેલો છે અને આ વિસ્તારને પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. અમે પ્રવાસને અંતે વળતાં લગભગ બે કલાક એકદમ શાંતિથી અહીં પસાર કર્યા હતાં.  સિંચાઇ માટે વિશાળ ડેમનું નિર્માણ થયું છે જેનાં પરથી અમે ભારત - ભૂતાન સીમામાં પ્રવેશ કર્યો હતો.


ભૂટાન સીમા ચોકી



ભારત - ભૂટાન સીમા 

 થોડો સમય અહીં રોકાઈ અને બાલેમુ તરફ આગળ વધ્યાં. બાલેમુ ચેકપોસ્ટ પરથી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરવા માટે ઇનર લાઈન પરમીટ લેવાની હોય છે જે અમે અગાઉ ઓનલાઇન લઈ લીધી હતી. અહીં પરમીટની ચકાસણી કરી અને પ્રવેશ આપવામાં આવે છે જે વળતી વખતે પણ ચકાસવાની હોય છે જેથી આ પ્રદેશમાં પ્રવેશ કરતાં લોકોની તમામ વિગતો તંત્રની પાસે રહે છે. 



બાલેમુ ચેક પોસ્ટ

ચાર દેશોની સીમાથી જોડાયેલ આ પ્રદેશ પડોશી દેશની(ચીન) ઘૂસણખોરીને કારણે સીમા સુરક્ષા બાબતે ખૂબ જ સંવેદનશીલ છે. જો કે પ્રવાસીઓ માટે સહેજપણ ચિંતા કે ભયનું વાતાવરણ કે કારણ અહીં લેશમાત્ર જોવા મળતું નથી. બહારથી આપણે ગમે તેટલી ચિંતાજનક વાતો સાંભળીએ પણ અહીં આવ્યા બાદ એમ જણાય કે, આપણાં સુરક્ષાવીર જવાનો ખડેપગે અને બાજ નજરે દેશની રક્ષા માટે દિવસ રાત તહેનાત  છે. આગળ જતાં તેની વાત  વિગતવાર જણાવીશ.

 

બાલેમુથી કલ્કતાંગના જતાં બંને તરફ ભરપૂર વનરાજીની વચ્ચેથી નીકળતો સર્પાકાર રસ્તો. એક તરફ વિશાળકાય પહાડો અને બીજી તરફ ઊંડી ખીણ જે લીલોતરીથી ભરેલી. આંખો ન ધરાય તેવું કુદરતી સૌંદર્ય જોઈ મન તૃપ્ત થતું હતું.  અહીં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (આર્મી) પાસે રસ્તાનો તમામ વહીવટ છે. રસ્તો એકદમ નવો જ બનેલો હોવાથી અમારી સમગ્ર મુસાફરી ખૂબ જ આરામદાયક રહી.


કલ્કતાંગથી શેરગાંવ જતાં સાથે ચાલતો યુ પીન રોડ જાણે ઉપરથી નીચે અને આગળથી પાછળ જોવાં મજબૂર કરતો હતો. 

શેરગાવમાં ભોજન માટે વિરામ કર્યો સાથે સાથે આસપાસમાં લટાર મારી. વળતાં અહીં બે રાત્રિનું રોકાણ હોવાથી ત્યારે નિરાંતે ફરવાનું નક્કી કર્યું.

શેરગાવથી રૂપા અને ત્યાંથી બોમડીલા પહોંચતા લગભગ સાંજ પડી ગઈ. લગભગ આઠ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલાં બોમડીલામાં પહોચતાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. ઠંડો સૂસવાટા મારતો પવન વીંધી નાખતો હતો. સ્વાભાવિક છે કારણ તાપમાન હતું 6 ડિગ્રી અને રાત્રે થઈ ગયું માયનસ 11. 


અમારાં હોમસ્ટે માલિક દ્વારા ખૂબજ ઉષ્માભેર પરંપરાગતરીતે સ્વાગત કરવામાં આવ્યું.

 
તેમના લિવિંગ રૂમમાં રાખેલ બુખારીને કારણે ખૂબ હુંફાળા વાતાવરણમાં બેઠાં, અહીંના લોકો, રીતરિવાજ, પહેરવેશ, ખોરાક વગેરે જેવી અલકમલકની વાતો કરી. વર્ષો જૂના સંબંધો હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું. કેમ ન હોય?

 
એટલાં માટે તો હોમસ્ટેમાં રહેવાનું નક્કી કરેલું.  ગરમ ગરમ ભોજન કરી અને રૂમ હિટરના સથવારે માયનસ 11 ડિગ્રી વચ્ચે પણ આખા દિવસના થાકેલાં હતાં એટલે ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. 
બોમડીલા હોમસ્ટે હોસ્ટ

(વધુ આવતાં અંકે)
અમી દોશી
9825971363 









 

Comments

Post a Comment

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1