મૌન: મનની સાધના
મૌન : મનની સાધના
कोलाहल में मौन है ,सन्नाटों में शोर ।
निर्भर है इस बात पर ,लगन लगी किस और ।।
આપણી સંસ્કૃતિમાં મૌનનું અનેરું મહત્વ છે. ઋષિ – મુનિઓ થી લઈને વર્તમાન યુગના દરેક મહાપુરુષે મૌનના મહત્વને સ્વીકાર્યું છે. જે મૌન ધારણ કરે તે મુનિ એના પરથી જ સમજી શકાય કે મૌનની તાકાત કેટલી છે.
ચૂપ રહેવું કે મોઢું બંધ રાખવું એ વાસ્તવમાં મૌન નથી. મૌન એટલે મન સાથે સંવાદ કરવાની એક સાધના. મૌન વિશે કબીર કહે છે કે
कबीरा यह गत अटपटी, चटपट लखि न जाए।
जब मन की खटपट मिटे, अधर भया ठहराय।
અર્થાત્ મૌન એ ખૂબ અઘરી બાબત છે જેની સહેલાઈથી લખી શકાય તેટલી સરળ નથી.
જ્યારે મનના ઉદ્વેગ શાંત થાય ત્યારે હોઠ આપોઆપ બંધ થઈ જાય છે અને એ છે સાચું મૌન.
મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, "ક્રોધને જીતવા માટે મૌન સૌથી વધુ અસરકારક છે." મૌનની તાકાત એટલી અદ્ભુત છે કે, તે લોકોની વચ્ચે પણ એકાંતનો આનંદ આપે છે, તેનાથી પોતાની અંદર ઉતરી શકાય છે. એકવાર એકાંત અને મૌનની લત લાગી ગયાં પછી વ્યક્તિને અન્યની હાજરી પણ ખૂંચે છે કારણ મૌન શકિતનો ભંડાર છે તે વ્યક્તિને એક વિશિષ્ટ પ્રકારની ઊર્જાથી તરબતર કરી દે છે. શર્ત એટલી કે એ સાચું મૌન હોવું જોઈએ. આપણી આસપાસ એવાં અનેક લોકોને જોઈએ છીએ કે તે મૌન તો રાખે છે પણ માત્ર શાબ્દિક. આંખોથી, નોટમાં લખીને, હાવભાવથી સમજાવીને મૌન રાખતાં હોય છે. માત્ર શબ્દોને અટકાવવાથી મૌન નથી થઈ શકતું. એટલે તો મૌનને વ્રત અને સાધનાની કક્ષામાં મૂકવામાં આવ્યું છે.
દરેક ધર્મમાં કોઈને કોઈ રીતે મૌનનો મહિમા સમજાવવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં મૌની અમાવસ્યાનું ખૂબ મહત્વ છે.
સંસ્કૃતમાં અમા એટલે એકસાથે અને વસ્યા એટલે વસવાટ. બધાં લોકોએ એકસાથે હોય અને મૌન ધારણ કરેલું હોય તે મૌની અમાવસ્યા. કેટલો સુંદર વિરોધાભાસ!
જૈન ધર્મ હોય, બુધ્ધિઝમ કે અન્ય કોઈપણ ધર્મ હોય મૌનનું મહાત્મ્ય અનેરું છે. તેને તપ તરીકે પણ જોવામાં આવે છે. વિપશ્યના એટલે કે પોતાની જાતને વિશિષ્ટ રીતે જોવી પણ પાયાની શર્ત મૌન સાથે. વિપશ્યાના શિબિર કરવા માટે ત્રણ દિવસ હોય કે સાઠ દિવસ મૌન ફરજિયાત છે. મતલબ પોતાની જાતને સૂક્ષ્મ રીતે જોવાં અને અંતરમાં ડોકિયું કરવાં મૌનની સાધના અનિવાર્ય છે. મૌનના માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક તમામ પ્રકારે ફાયદા જ ફાયદા છે. મૌનમાં વિતાવેલી થોડી ક્ષણો શરીર અને મનને અકલ્પનીય ફાયદો પહોંચાડે છે.
આપણામાં કહેવત છે કે, "ન બોલ્યામાં નવ ગુણ" આ નવ ફાયદાઓ કે ગુણ જોઈએ તો, મૌન શરીરને તણાવ મુક્ત કરે છે. મગજને કાર્યાન્વિત કરે છે. મગજમાં નવાં કોષો ઉત્પન્ન કરે છે. મૌનને કારણે ખૂબ સારી ઉંઘ આવે છે. યાદ શક્તિમાં વધારો થાય છે. બ્લડ પ્રેશર ઘટે છે.રચનાત્મકતા વધે છે. વિચારોને શાંત કરી અને એકાગ્રતા વધારી શકાય છે. માનસિક ચિંતા મુક્તિ થાય છે.
આ બધી જ બાબતો વૈજ્ઞાનિક સંશોધનોથી પણ સાબિત થઈ ચૂકી છે.
ફ્રાન્સનાં મહાન વિચારક પાસ્કલે કહ્યું છે કે,
"All of humanity's problems stem from man's inability to sit quietly in a room alone,"
"મનુષ્યનાં તમામ પ્રશ્નોનો ઉદ્ભવ તેની મૌન રહેવાની અણઆવડતને કારણે થાય છે."
યોગ્ય સમયે ધારણ કરેલાં મૌનને કારણે અનેક પ્રકારનાં કૌટુંબિક અને સામાજિક પ્રશ્નોનું આપોઆપ નિરાકરણ થઈ જાય છે જેનો અનુભવ દરેક વ્યકિતએ ક્યારેક ને ક્યારેક તો કરેલો જ હોય છે. દુનિયાની નેવું ટકા મુસીબત ઘટી જાય જો લોકો યોગ્ય સમયે મૌન ધારણ કરતાં શીખી જાય. ઘણીવાર બોલ્યા પછી એવું લાગતું હોય છે કે , આ ન બોલ્યા હોત તો કોઈ ફેર પડતો નહતો. બસ આટલું જ શીખી લેવાની અથવા જીવનમાં ઉતારી લેવાની જરૂર છે.
મૌનથી જોવું, સાંભળવું, સ્વાદ, સુગંધ, સ્પર્શ જેવી પાંચ ઈન્દ્રિયોને પણ સાધનાના સ્તર સુધી લઈ જઈ શકાય છે. મૌન અને શ્વાસની અનુભૂતિ એ સાધનાના સ્તર સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે. આ પ્રક્રિયા એ સંયમ છે જે સાધના સુધી લઈ જાય છે.
મૌન શરીર, મન અને આત્માનું ઐક્ય સાધે છે અને પરમ તત્વની પરિસીમા સુધી લઈ જાય છે. ખૂબ ગમતું ,સુમધુર, સંગીત સાંભળવાથી જે હળવાશ અને શાંતિનો અનુભવ થાય છે તેનાથી પણ વધુ શાંતિનો અનુભવ થોડીવારના મૌનથી થાય છે. જીવનને શાંતિથી તરબતર કરવામાં મૌન અવ્વલ નંબરની ભૂમિકા ભજવે છે.
આપણાં ઋષિ મુનિઓ હોય, રામકૃષ્ણ પરમહંસ કે અન્ય કોઈપણ આધ્યાત્મિક આત્મા તેમણે જે સિધ્ધિઓ પ્રાપ્ત કરી તેનાં મૂળમાં મૌન સાથેની તપશ્ચર્યા જ હતી.મહાન વૈજ્ઞાનિકો એ વર્ષોની તપશ્ચર્યા પછી કરેલી શોધ પણ મૌન અને એકાંતનું જ પરિણામ છે.
આપણે સહુ મૌન વિશે જાણીએ છીએ પરંતુ તેનો અમલ કરી શકતાં નથી કારણ મૌન રહેવાથી અંતર મન સાથે વાર્તાલાપ ચાલું થાય છે જે ગુંગળાવનારો હોય છે. સ્વયં સાથેના વાર્તાલાપમાં વ્યક્તિને પોતાના અસલી વ્યક્તિત્વનો પરિચય થાય છે. અન્ય સાથે વાતો કરવામાં દંભ, અસત્ય, ક્રોધ, લાલચ, ભય જેવાં ભાવો સાથે વાર્તાલાપ થતો હોય છે તેમાં સંપૂર્ણ સત્ય અને નિર્વિકાર ભાવ જવલ્લેજ જોવા મળે છે. જ્યારે પોતાની સાથેની વાતચીતમાં પોતાના વ્યક્તિત્વની નગ્નતા પ્રગટ થાય છે જેનાથી મનુષ્યને પોતાની જાત સાથે રહેવું ખૂબ અઘરું લાગે છે. દલા તરવાડી બની અને પોતાની જાત સાથે કરેલાં અનેક દંભી ખેલ આંખ સામે આવવાં લાગે છે જેને કારણે મૌન પચાવવું ખૂબ અઘરું લાગે છે, પણ એકવાર એ આયામમાં જાતને જોતાં શીખી જઈએ તો મૌન જેવી પરમ શાંતિ બીજે ક્યાંય નથી.
બે પ્રકારના મૌન છે. કોલાહલ વચ્ચેનું મૌન અને એકાંતમાં રાખેલું મૌન.
કોલાહલ વચ્ચે કંટાળો શરૂ થાય ત્યારે આંખો બંધ કરીને બેસવાથી, પોતાની જાતમાં ઉતરી જવાથી નવાં અનુભવ સાથે પરમ આનંદની અનુભૂતિ થાય છે. પ્રયત્ન ન કર્યો હોય તો પ્રામાણિક પ્રયત્ન કરી જોજો.
એકાંત સાથેનું મૌન થોડું અઘરું લાગતું હોય છે પરંતુ તેના માટે પણ સતત પ્રયત્ન કરવાથી આ સાધના પણ સાધ્ય બની જાય છે. વાણી, હાવભાવ અને આંખથી મૌન રાખવાથી સાચા અર્થમાં મૌનનું પાલન થાય છે.
દરેક વ્યક્તિ ચોવીસ કલાકમાંથી એક કલાક સંપૂર્ણ મૌન જાળવી શકે તો પોતાનાં,પોતાની આસપાસના અને વિશ્વભરનાં અનેક પ્રશ્નો આપોઆપ હલ થઈ જાય.
મૌનની આદત ધીરે ધીરે વર્તમાનમાં રહેતાં શીખવે છે જેને કારણે બિનજરૂરી વિચારોમાંથી મુક્તિ મેળવી શકાય છે. મૌન ધીરજ રાખતાં શીખવે છે જેનાથી કોઈપણ બાબત પરત્વે પ્રતિભાવો આપવાની આદતમાંથી છુટકારો મળી જાય છે. ચંચળતામાંથી મુક્તિ મળી શકે છે. મૌનને કારણે શરીર અને મન પ્રત્યેની જાગૃતિમાં ખૂબ વધારો થાય છે. બાળકોને નાનપણથી મૌન રાખવાની આદત શીખવવામાં (શાળા અને ઘરમાં) આવે તો આપોઆપ તેનામાં એકાગ્રતા, ધીરજ, સર્જનાત્મકતા, વિચારવાની , નિરીક્ષણ કરવાની , કોઈપણ બાબતને શાંતિથી સમજવાની આદતો વિકસિત થઈ શકે છે. વૈચારિક પરિપક્વતા આવવવાની સાથે ચંચળતા દૂર થઈ જાય છે.
જે શાળામાં એકસાથે તમામ વિદ્યાર્થીઓ એક કલાક માટે સંપૂર્ણ મૌનને અનુસરતા હોય તો તે શાળાના પરિણામમાં અભૂતપૂર્વ ચમત્કારિક પરિણામ જોવા મળી શકે છે.
વૈજ્ઞાનિક સંશોધનોથી સાબિત થયું છે કે , બે કલાકનું સંપૂર્ણ મૌન મગજમાં નવાં કોષોનું નિર્માણ કરે છે. સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને ઘટાડી તણાવમાંથી મુક્તિ આપે છે.
ચોવીસ કલાક કામ કરતાં મગજને બિનજરૂરી માહિતી દૂર કરવાનો સમય મૌનને કારણે મળે છે જે અંતે તાજગીનો અહેસાસ કરાવે છે.
ખાસ કરીને આજના ઝડપી અને ઘોંઘાટિયા યુગમાં અવાજ નામનું પ્રદૂષણ આપણા મન મગજને ખૂબ તાણ આપે છે ત્યારે આ તાણ ને દૂર કરવાનો એકમાત્ર ઈલાજ છે મૌન.
મૌનના મહાસાગરમાં ડૂબકી લગાવવાથી જે આનંદ અને બળની પ્રાપ્તિ થાય છે તેનો સહુ અનુભવ કરી શકે તેવી અભ્યર્થના.
અદભુત લેખન અને સામગ્રી ...
ReplyDeleteઆભાર
Delete