અરુણાચલ પ્રદેશ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ- 2)
અરુણાચલ: ઉગતાં સૂર્યનો પ્રદેશ (ભાગ -2)
દિરાંગ, મંડલા ટોપ, સાંગતી વેલી, લુબ્રાંગ
સવારે નાસ્તો કરી હોમસ્ટેથી વિદાય લઈ બોમડીલા મોનેસ્ટરી જોવાં ગયાં. આ સમગ્ર વિસ્તારમાં બૌદ્ધધર્મનું પ્રભુત્વ હોવાથી ગામેગામ ખૂબ સુંદર મોનેસ્ટરી જોવાં મળે. ઘણાં બાળકો ત્યાં હોસ્ટેલમાં રહી અને ભણતાં હોય છે. તિબેટ અને ચીનની સરહદને કારણે અહીં બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર થયેલો છે. જેની અસર સ્વરૂપે લોકોનાં વર્તનમાં એક ચોક્કસ પ્રકારનું શિસ્ત અને શાંતિ જોવાં મળે છે.
બોમડીલામાં મોનેસ્ટરી અને માર્કેટ સિવાય અન્ય કોઈ ખાસ જોવા લાયક સ્થળ નથી ત્યાંથી દિરાંગ જવાં રવાના થયાં. બોમડીલા લગભગ આઠ હજાર ફૂટ ઊંચાઈ પર હોવાને કારણે આખું વાતાવરણ બદલાઈ જાય. રસ્તા પર જાણે વાદળોનો વહીવટ જ ચાલે. એ હોય ત્યાં સુધી ખસી ન શકાય. અદ્ભુત દશ્યો આંખોમાં કેદ કરવા માટે દર થોડી મિનિટે ગાડી થોભાવવા મજબૂર કરી દે તેવું આહ્લાદક વાતાવરણ.
બોમડિલા થી દિરાંગ ટાઉન પહોંચતા પહેલાં દિરાંગ ગામથી 30 કિમી અને લગભગ 11000 ફૂટની ઊંચાઈ પર આવેલાં મંડલા ટોપની મુલાકાત લીધી. 108 સ્તુપોનો સમૂહ એટલે મંડલા ટોપ. ગોળાકાર સ્વરૂપે વર્ષ 2018માં રચાયેલાં 108 બૌદ્ધ સ્તૂપના દરેક સ્તૂપ પર "ઓમ મણી પદમે ઓમ" જાપનું આલેખન કરવામાં આવ્યું છે. સ્થળની પસંદગી ઉત્કૃષ્ઠ કક્ષાની છે.
અમે મંડલા ટોપ પર બે થી ત્રણ કલાક રહ્યાં. સૂસવાટા મારતાં પવન વચ્ચે પણ ત્યાં આમતેમ ફરવાનો મોહ રોકી શકાતો નહોતો. ધાર્મિક સ્થળ સાથે પિકનિક પોઇન્ટ જેવું હોવાથી એક બે કેફે પણ છે. મંડલા કેફેમાં કોફી પી અને પરત આવવાં નીકળ્યાં.
સર્પાકાર રસ્તો એટલો સુંદર કે, કેમેરા હાથમાંથી મૂકવાનું મન ન થાય. અહીઁથી પહેલીવાર હિમાલયની ગિરિમાળાઓ દૂરથી જોઈ અને જલદી ત્યાં સુધી પહોંચવાનો રોમાંચ થવાં લાગ્યો. વિદેશી સીમા નજીક હોવાથી અહીં ઠેર ઠેર આર્મીના કેમ્પ અને અદ્યતન શસ્ત્રો સાથે તોપ પણ જોવા મળી.
મંડલા ટોપથી નીચે ઉતરતાં દિરાંગ ઝોંગ (dirang Dzong) ગામ આવે છે જ્યાં ઇતિહાસના પાનાં ખૂલે છે.
આ કિલ્લાનું નિર્માણ સત્તરમી સદીમાં પડોશી રાજ્યોના આક્રમણથી બચવા માટે થયું હતું. અહીં મોટાભાગની વસ્તી મોનપા પ્રજાતિની છે. આમ તો આખા રાજ્યમાં જુદી જુદી ટ્રાઈબના લોકો જોવાં મળે છે.
ત્યાંથી દિરાંગ મોનેસ્ટરી ગયાં.
એકદમ ઊંચાઈ પર હોવાને કારણે અદ્ભુત લાગતી આ મોનેસ્ટરી પરથી દિરાંગ ટાઉનનો વેલી વ્યુ ખૂબ જ નયન રમ્ય લાગે છે. કામેંગ નદીના કિનારે વસેલું દિરાંગ સુંદર મજાનું ટાઉન છે. આસામથી તવાંગ જતાં મોટાભાગના લોકો અહીં રાત્રિ રોકાણ કરે છે. બોમડીલા કરતાં ઘણું નીચે હોવાને કારણે એકદમ ખુશનુમા વાતાવરણ અનુભવાતું હતું.
દિરાંગથી 15 કિમી દૂર આવેલી સાંગતી વેલીના લાંજોમ હોમસ્ટેમાં અમારું રોકાણ હોવાથી બપોર સુધી ત્યાં પહોંચી ગયાં.
ફરી એકવાર નવાં વિશ્વમાં આવી ગયાનો અહેસાસ થયો. લાંજોમનું માત્ર નામ હોમસ્ટે છે. એકરોમાં ફેલાયેલી વિશાળ જગ્યામાં વિવિધ પ્રકારના ફળોના વૃક્ષોનાં પ્લાંટેશન, ખેતી, હોમ સ્ટે, ટ્રી હાઉસ અને નદી કિનારે આવેલ કોટેજ.
ફરતી પહાડીઑની વચ્ચે ખળ ખળ વહેતી નદીને કિનારે ચૂપચાપ બેસીને કલાકો સુધી કુદરતનાં અફાટ સૌંદર્યને ધરાઈ ધરાઈને માણીયે તો પણ કશુંક ચૂકી ગયાનો અહેસાસ થયાં કરે. નદી કિનારે ડેક પર બનાવેલાં સ્પેશિયલ કોટેજનાં રૂમમાં બેઠાં બેઠાં કાંચની ફર્શ નીચેથી વહેતી નદીને માણવાનો અનુભવ અવર્ણનીય રહ્યો.
વન્ય પક્ષીઓમાં અહીં ખાસ કરીને બ્લેક નેક ક્રેન શિયાળા પછીના સમયમાં વહેલી સવારે જોવા મળે છે. ટ્રેકિંગનાં શોખીન લોકો માટે સાંગતી વેલી આદર્શ સ્થળ છે..
નદી વચ્ચે નાસ્તાની મોજ
નદીની વચ્ચે મૂકેલાં લાકડાંના ટેબલ ખુરશી પર બેસી અને નદીના વહેતાં પાણીમાં પગ ઝબોળવાની મજા વખતે બાળપણમાં વેકેશનમાં કોઈ નદી કિનારે આવેલાં મંદિરના દર્શન કરી અને પછી પાણીમાં પગ ઝબોળવાનો જે રોમાંચ થતો હતો તે યાદ આવી ગયો.
તવાંગ જતાં પહેલાં કે વળતાં દિરાંગમાં બે રાત્રિનું રોકાણ અચૂક કરવું જોઈએ તેવું મને અંગત રીતે લાગ્યું છે.
ડબલ બ્લેંકેટ ઓઢવા પડે તેવી ઠંડીમાં રાત તો રોજની જેમ લગભગ આઠ વાગ્યે જ પડી ગઈ. પંખીઓના મીઠાં કલરવે સવારે જગાડી દીધાં અને જોયું તો વાગ્યાં હતાં સાડા ચાર. આ અરુણાચલ પ્રદેશ છે અહીં સૂર્યોદય આખાં ભારતમાં સૌથી પહેલો અનુભવાય. વહેલી પરોઢનું વાતાવરણ એકદમ અલૌકિક હતું. અહીંથી નીકળી આજે વધુ એક સુંદર ગામની મુલાકાત લેવાની હતી તે લુબ્રાંગ.
દિરાંગથી ત્રીસ કિમી અને સાત હજાર ફૂટની ઊંચાઈ પર વસેલું એકદમ નાનું ગામ એટલે લુબ્રાંગ.
આપણે ચાલતાં હોઈએ ત્યારે જાણે વાદળો આપણી સાથે વાતો કરે. ક્ષિતિજમાં હિમાલયની ગિરિમાળાઓ દેખાય.
ગામમાં ગણીને વીસ પચીસ મકાનો હશે. અમે ગયાં તે દિવસે ભગવાન પદ્મ સંભવનો જન્મ દિવસ હોવાથી ગામલોકો પૂજા કરતાં હતાં. અમારું ઉષ્માભેર સ્વાગત કરી અને અમને પણ પૂજામાં સામેલ કર્યા.
ગામલોકો સાથે ગોષ્ઠિ કરવાની બહુ મજા આવી. વીસેક વર્ષ પાછળ હોય તેવી એકદમ સરળ જીવનશૈલી. સીધાં સાદા પ્રેમાળ લોકો સાથે સમય પસાર કરવાની બહુ મજા આવી. ત્યાંનાં લોકો ઠંડા પ્રદેશને કારણે એક ચોક્કસ પધ્ધતિથી બનાવેલી બટર ટી પીવે. અમને એ બનાવવાનું ખૂબ જૂની પદ્ધતિ નું લાકડાનું પાત્ર પણ બતાવ્યું અને બટર ટી પણ પીવડાવી.
બે ટાઇમ જમવા અને ઠંડી સામે ઝીંક ઝીલવા બુખારી માટે જંગલમાંથી લાકડાં કાપીને ઘરમાં ભરી રાખવાના બસ આટલી અમસ્તી તેમની જરૂરિયાત.
આ લોકોને જોઈને એમ થાય કે, 'ઈશ્વરની કેટલી કૃપા છે , કેટલો સંતોષ આપ્યો છે.' લુબ્રાંગ ગામનાં કુદરતી સૌંદર્ય વિશે ગમે તેટલું વર્ણન કરું ઓછું જ પડે જે ફોટો જોઈને સમજી શકાય પણ અનુભવ તો તેની મુલાકાત લીધા સિવાય થાય તેમ નથી.
બસ અહીંથી તવાંગ જવા નીકળી પડ્યાં.
વધુ ફોટો જોવા માટે amidalaldoahi.blogspot.com ની મુલાકાત લઈ શકાશે.
Ami doshi 9825971393
Heaven on earth 👌 thanks for sharing 👍
ReplyDelete