સ્લો લિવિંગ:કુલ લિવિંગ

અમી દોશી

રાજકોટ

તા.19 ફેબ્રઆરી 2023


"હવે પહેલાં જેટલી  દોડાદોડી નથી થતી"...

"જીવનમાં ખૂબ દોડ્યા હવે શાંતિથી બેસવું છે"...

મોટાભાગે દરેક વ્યક્તિનો  જીવન પ્રત્યે અભિગમ એક ઉંમર થાય ત્યારે આવે છે.

પણ એ દોડધામથી મુક્ત થવાથી માનસિક શાંતિ મળી જાય અને સમજણપૂર્વ જીવનના અંત સુધી તરબતર જીવનમાં પ્રસન્નતામય રહી શકાય તેમાં જમીન આસમાનનું અંતર છે.

જો કે  આપણાં દેશમાં છેલ્લા બે દશકાને બાદ કરતાં સદીઓથી આ જ પ્રકારનું જીવન જીવાતું આવ્યું છે.પણ બદલાતાં જતાં વિશ્વએ બધાને આ દોડાદોડીના  બોક્સમાં મૂકી દીધાં છે.

સ્લોનો અદ્દલ અર્થ  ધીમું... પણ અહીં જે વાત કરીએ છીએ તેને અને આ સામાન્ય અર્થઘટન વચ્ચે તફાવત છે. સ્લો એટલે સામાન્યરીતે દરેક વસ્તુ ધીમેથી કરવી. ધીમે વિચારવું,ધીમું ચાલવું, દરેક વસ્તુમાં ધીમે ધીમે અમલ કરવો,પ્રવૃતિઓ ઓછી કરી નાખવી અથવા ધીમે ધીમે પ્રવૃતિમાંથી નિવૃત્ત થઈ જવું વગરે. વાસ્તવમાં આ  સ્લૉ લિવિંગ નથી.


 સ્લો લિવિંગ એટલે આધુનિકતાની દેખાદેખીમાં સમજ્યા-વિચાર્યા વગર આંધળી દોટ મૂકવાને બદલે પોતાની  સંસ્કૃતિ સાથેનું જોડાણ કાયમી રાખી પરંપરાગત રીતે જીવન જીવવું,અન્ય લોકો શું કરે છે તેની માનસિક હરીફાઈમાં પડ્યા વિના પોતાને જે શોખ છે,પોતાને કેવું જીવન જીવવું ગમે છે અથવા જેવાં જીવનની કલ્પના કરી છે તેવું જીવન સભાનતાપૂર્વક ,આનંદની પ્રાપ્તિ સતત ચાલું રહે તે રીતે જીવવું.જેમાં તન સાથે(કદાચ વધુ) મનની દુરસ્તી પણ  જોડાયેલી છે.

સ્લોનો એક્ચ્યુઅલ મતલબ ધીમું પણ અહીં અર્થ એ નથી કે દરેક કામ ગોકળગાયની ગતિથી કરવું.મિનિટો અને કલાકોને ગણવાને બદલે એક એક ક્ષણને માણવી એટલે સ્લો લિવિંગ ,જેટલું બને તેટલું જલ્દી કરવાને બદલે જેટલું શક્ય બને તેટલું જ કરવું એટલે સ્લો લિવિંગ...


ગ્લોબલાઇઝેશન થવાને કારણે માહિતીનો વિસ્ફોટ થયો અને સ્માર્ટફોન આવ્યાં બાદ એ વિસ્ફોટ એક એક વ્યક્તિના ફાળે આવ્યો.શરૂઆતમાં એક ઉત્સુકતા,આખી દુનિયા આંગળીના ટેરવે એવો અવર્ણનીય આનંદ...,ઈન્ટરનેટ પેઈડ હતું ત્યાં સુધી થોડી લગામ હતી પણ ફ્રી થતાં ખૂબ ફાયદા પણ થયાં અને વગર વિચાર્યા ગુલામ બનનાર પેઢીને નુકશાન પણ...

અહીં ફ્રી ઈન્ટરનેટનું ક્રિટીસીઝમ નથી પણ એ વમળોમાં અટવાઈ જનાર માટે લાલબત્તી સમાન છે.

ઈન્ટરનેટે ન કલ્પી હોય તેવી દુનિયા આપી જેના અસંખ્ય ફાયદા હોવાં છતાં તેના નેગેટિવ ઉપયોગથી લાગણી,પ્રેમ,સાચો આનંદ ,ફેમિલીલાઈફથી આપણે દૂર થતાં ગયાં અને એક વર્ચ્યુઅલ લાઈફમાં રાચતાં ક્યારે સાચો પ્રેમ આનંદ ભૂલી જઈએ છીએ એ પણ ખબર પડી નથી અને પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

ફોનની માહિતીનું ડિકલટરિંગ ,ચોક્કસ સમય માટે જ સોશિયલ મીડિયાનો સેલ્ફ ડીસીપ્લીન્ડ  ઉપયોગ એ પણ સ્લો લિવિંગની જ એક પદ્ધતિ છે.મારી આસપાસ મેં અમુક મિત્રોને (આંગળીને વેઢે ગણાય તેવાં) જોયાં છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ એકદમ નહિવત કરે છે).એકદમ શાંતિથી ગમતું સંગીત સાંભળે,ગમતું પુસ્તક વાંચે, મિત્રો સ્નેહીઓને ફોન કરે....

એક સાથે ઘણાં બધાં પુસ્તકો ખરીદવા અને એકપણ ન વાંચવું એના કરતાં એક પુસ્તક ખરીદી આખેઆખું શાંતિથી વાંચવુ  એ સાચા અર્થમાં સ્લો લીવીંગ છે.

મેકડોનાલ્ડસ  સમગ્ર વિશ્વમાં ઝપાટાભેર ફેલાઈ રહ્યું હતું ત્યારે1986માં ઇટલીમાં જ્યારે તેણે પગપેસારો શરૂ કર્યો ત્યારે કાર્લો પેટ્રીની નામના એક ઇટાલિયન પત્રકારે ફાસ્ટ ફૂડના વિરોધ સાથે સ્લો ફૂડ હેબીટની ચળવળ પોતાના જેવાં જ વિચાર ધરાવતાં મિત્રો સાથે મળી અને શરૂ કરી.ફાસ્ટ ફૂડને બદલે સ્થાનિક વિસ્તારમાં ઊગતાં અનાજમાંથી બનતો પરંપરાગત ખોરાક ખાવો એટલે સ્લો ફૂડ હેબીટ.  સ્થાનિક ખેત પેદાશ અને તેમાંથી બનતાં પરંપરાગત ખોરાકનો આદર કરવાની પદ્ધતિ ,લોકલ બિઝનેસને મહત્વ આપવું,તેમાં જ રોકાણ કરવું.(આપણી સાદી ભાષમાં કહીએ તો ગામનો પૈસો ગામમાં) એવી ચળવળ ચાલુ કરી જે એકદમ સફળ ગઈ  અને વિશ્વના અનેક દેશોએ તેનું અનુકરણ પણ કર્યું.

ખોરાક હોય કે જીવન, કોન્ટિટી બદલે ક્વોલિટીને મહત્વ આપવું એટલે સ્લો લિવિંગ..

મલ્ટીનેશનલ કંપનીને કમાવીને કોને ફાયદો થશે તેનાથી સહુ કોઈ સુપેરે પરિચિત જ છે પણ માનસિક દેખાદેખી અને ખોટી હરીફાઈમાં આપણે વધુ ને વધુ ઓનલાઈન શોપિંગ કરી અને કમ્પલસીવ બાઇંગ ડિસઓર્ડર અને ફાસ્ટફૂડના ગુલામ બની હેલ્થનું સત્યનાશ વળવા તરફ એકદમ તેજ ગતિથી આગળ વધી રહ્યાં છીએ.

 આ ફાસ્ટ લાઈફ આપણને માનસિક તણાવ અને તેને કારણે થતાં શારીરિક રોગનો ભોગ  બનાવી રહી છે તે જાણતાં હોવાં છતાં કેમ છોડી શકતાં નથી.

જરૂર વગરની વસ્તુઓ ખરીદીને કે માત્ર સ્વાદની પાછળ બે લગામ બની બેફામ ફાસ્ટફૂડ ખાઈને આપણું શરીર રોગોનું ઘર બનતું જાય છે તે જાણતાં હોવાં છતાં આપણી આંખો કેમ ખુલતી નથી.પેકેજીંગ ફૂડના નામે કેમિકલ શરીરમાં જવાને કારણે ન સાંભળ્યા હોય તેવાં રોગોના શિકાર બનીએ છીએ અને પછી હોસ્પિટલને કમાવી આપીએ છીએ.

આવી જ રીતે સ્લો ટ્રાવેલિંગ મતલબ જે સ્થળે ફરવા જવું છે ત્યાં જવાનું કારણ,(માત્ર ટુર ઓપરેટર સજેસ્ટ કરે એટલે દોડી નહિ જવાનું)

એ જગ્યા ખરેખર આપણી પસન્દગીની છે કે કેમ એના વિશે વિચારીને પ્રવાસ કરવો.

જેમકે કોઈને દરિયો ગમે ,કોઈને જંગલ,કોઈને પર્વતો. કોઈને રણ તો કોઈને ફાઈવ સ્ટાર હોટેલમાં પડ્યું રહેવું અને તેને જ માણવી. કોઈને એવું પણ ગમે કે બસ મોજથી જયાં જઈએ ત્યાં જે હોય તેમાં મજા કરીએ ન કોઈ ટ્રાવેલિંગ પ્લાન ન કોઈ બસ કે હોટેલના બુકીંગ.જ્યાં અને જેમાં જગ્યા મળે તેમ રહેવું અને ફરવું(ફ્રી ફ્લોટ ટ્રાવેલિંગ)


ઘણાં લોકો એવું પણ માનતા હોય કે બીઝી લાઈફમાંથી ટાઈમ મળે ત્યારે ક્યાંક નીકળી પડવાનું..એ ક્યાંક ક્યાં છે તેની તેમને લગભગ ખબર નથી હોતી.સોશિયલ મીડિયામાં વાંચીને ,કોઈના ફોટોઝ જોઈને કે કોઈના કહેવાથી કે કશું જ જાણ્યા વગર પહોંચી જવાથી ફરી શકાય છે પણ તેને અંતરંગરીતે માણી શકાતું નથી.એક્સપેન્સિવ ટુર કરવાથી જ ફરવાનું સાર્થક ગણાય એવું માનનારો વર્ગ ધીમે ધીમે વધતો જાય છે .

પણ જયાં જઈએ છીએ ત્યાંના લોકો,તેમની રહેણીકરણી ,તેમનો ખોરાક,પહેરવેશ,રીતભાત, બોલી  તે સ્થળની ખાસિયતો,ત્યાંના બેસ્ટ ટુરિસ્ટ એટ્રેક્શન,વિશે આછું પાતળું પણ ન જાણીએ તો એ ટ્રાવેલિંગ હૃદય સાથે જોડાતું નથી .બસ લિસ્ટમાં કે પછી પાસપોર્ટમાં એક નામ વધુ ઉમેરાય છે અને ગર્વથી કહેવામાં આવે છે કે મારા પાસપોર્ટમાં આટલાં કન્ટ્રીઝનાં સિક્કા લાગી ગયા છે.

સ્લો ટ્રાવેલર્સ પોતાના ડેસ્ટિનેશન વિશે મોટાભાગની માહિતી મેળવી અને પ્રવાસ કરે છે.ગમતી જગ્યાઓ માટે પૂરતો સમય ફાળવે છે.સ્થાનિક લોકો સાથે સંપર્કમાં આવી અને જે તે પ્રદેશને સંપૂર્ણતાથી માણવાની કોશિશ કરે છે.બહુ ગમી જાય તો વારંવાર ત્યાં જાય છે.

મને જંગલ , પર્વતો અને ઐતિહાસિક સ્થળો ખૂબગમે છે તો હું મારા પ્રવાસ માટે આવાં સ્થળોની યાદી બનાવી રાખું છું અને મોકો મળતાં જ નીકળી પડું છું.

ઝીંદગી ના મિલગી દોબારાનો પેલો સીન યાદ હશે , જેમાં ઋત્વિક રોશનનું મન ફરવા કરતાં  બિઝનેસમાં વધુ હોય છે ત્યારે એક  મિત્ર મજાકમાં  તેનો ફોન ફેંકી દે છે.

બસ ,ફોનને થોડો સમય સાઈડમાં મૂકી દેવાથી જ પ્રવાસનો દિવ્ય આંનદ માણી શકાય છે.

વાત એટલી જ છે કે જે કરીએ તે સમપૂર્ણતાથી ,સભાનતાપૂર્વક પૂરાં 

આનંદમય બનીને કરીએ.

  જેમ અમુક વર્ષો પછી ફેશન ટ્રેન્ડ જે 20 -25 વર્ષ જૂનો હોય તે નવું કલેવર ધારણ કરીને આવે છે અને લોકો તેને હોંશે હોંશે અપનાવતાં હોય છે તેમ ફાસ્ટ લાઈફથી કંટાળેલા લોકોમાં અથવા જે સભાન છે તેવાં લોકોમાં સ્લો લિવિંગ ધીમે ધીમે પ્રચલિત થતું જાય છે.


ખોટી દેખાદેખી અને હરિફાઈના યુગમાં મોટાભાગના લોકોને એકસાથે ઘણી વસ્તુઓ કરવી હોય છે પરિણામે તે એક પણમાં  સફળ થતાં નથી.સમાજ કે લોકોની દ્રષ્ટિએ જે સફળતા કે આનંદ છે તેને બદલે પોતાની જાતને ઓળખવી, પોતાની સારી નરસી બાબતોથી પરિચિત થવું,મારે શું જોઈએ છે તે ખરાં અર્થમાં જાણવું અને તે મુજબ સભાનતા સાથે જીવવું અને તેમાંથી જીવનનો આંનદ લેવો એટલે સ્લો લીવીંગ.એકદમ નિરાંતનો સમય કાઢી પોતાની જાતને પૂછવામાં આવે કે મને ખરેખર શું શું ગમે છે.શાંતિથી બેસીને સંગીત સાંભળવું,કોઈ વાદ્ય વગાડવું,વર્ષોથી નક્કી કરેલાં પુસ્તકો શાંતિથી વાંચવા ,લેખન કાર્ય, એક્ટિંગ,રંગભૂમિ,દરરોજ ચૂક્યા વગર યોગ,ચાલવું,દોડવું સાયકલિંગ વગેરે જેવી કસરત કરવી,સામાજિક કાર્યો, મિત્રોને મળવું, કુટુંબ સાથે સમય પસાર કરવો,પ્રવાસ,ભરત ગૂંથણ, રસોઈ.. કંઈ કેટલાંય ઓપ્શન્સ પણ બધું તો એક જીવનમાં થઈ શકતું નથી એટલે સૌથી વધુ ગમતું હોય તેવાં કેટલાંક વિષય નક્કી કરવાં  પડે  અને પછી તેને માટે ક્વોલિટી ટાઈમ આપવો પડે સાથે આ સિવાયની ઓછી અગત્યની વસ્તુઓને તિલાંજલિ પણ આપવી પડે.

જો કે આપણાં દેશમાં તો સદીઓથી આ જ પ્રકારનું જીવન જીવાતું આવ્યું છે એટલે તેને પશ્ચિમના અનુકરણની જગ્યાએ પોતાના મૂળ તરફ પાછા ફરવાનો પ્રયાસ પણ કહી શકાય.

ધીમે ધીમે એમ થાય છે કે લોકોને આ શબ્દની સમજ આપવા માટે જે શબ્દ વાપર્યો છે એ જ તો મારા ભારત દેશનું મૂળભૂત જીવન છે .

તો અંતમાં તો એમ જ કહીશ કે વિશ્વની દેખાદેખીમાં પડવાને બદલે આપણાં દેશની પરંપરાગત જીવનશૈલીને અપનાવીએ એ જ સાચા અર્થમાં આપણું કુલ લિવિંગ છે..

વૈદિક યુગમાં  આપણા ઋષિ મુનિઓ  અને સામાન્ય પ્રજા જે રીતે જીવન જીવતાં હતા તે હાલનું આખા વિશ્વનું સ્લો લિવિંગ જ હતું ને! કમનસીબે છેલ્લી એક સદીથી આપણે પશ્ચિમી દેશોના રવાડે ચડીને આપણું મૂળતત્વ ગુમાવી બેઠાં છીએ. આજે નથી આપણે પૂરેપૂરા પશ્ચિમી કે નથી પૂર્વીય.

આપણે દરેકના મનમાં  ક્યારેકને ક્યારેક એ પ્રશ્ન થયો જ હશે કે ઋષિ મુનિઓ સાદું જીવન જીવતા હોવા છતાં લાંબુ અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવતા ? મજાની વાત એ છે કે  આનો જવાબ જ આ પ્રશ્નમાં રહેલો છે . એમના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય હતું  "સાદું જીવન" "શાંત જીવન".

મને જંગલ પ્રત્યે ગાંડપણ કહી શકાય તેવો લગાવ છે.કુદરતને પણ એ જ મંજૂર હશે કે જોત જોતામાં ઘર આંગણે નાનું એવું સુંદર મજાનું જંગલ ઉભું થઈ ગયું.ટ્રાફિકના શોરબકોર વચ્ચે પક્ષીઓનો કલબલાટ જાણે જીવન જીવવાનું રોજ રોજ નવું કારણ આપે.

માટી સાથેનો રોજનો સ્પર્શ,પુસ્તકો,સંગીત,એકાંત કલ્પી ન શકાય તેવો અવર્ણનીય આંનદ આપ્યા જ કરે છે.

સહુને સ્લો લિવિંગનો છંદ લાગી જાય તો જીવન એકદમ સરળ,સ્વસ્થ અને તંદુરસ્ત બની જાય...

અસ્તુ


Comments

  1. લા જવાબ આર્ટિકલ. અભિનંદન

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1