કરુણા ફાઉન્ડેશનની કરુણામય કામગીરી
✍️ અમી દોશી
રાજકોટ
તા.10ફેબ્રુઆરી 2023
કોઈ માણસનો રોડ ઉપર કે કોઈપણ જગ્યાએ અકસ્માત થાય અને આપણે 108 પર ફોન કરીએ એટલે તરત જ એમ્બ્યુલન્સ આવી જાય અને ઘાયલને સારવાર પણ મળી જાય.આવી કલ્પના કોઈ પશુ,પક્ષી માટે આપણે કરી શકીએ?? જવાબ છે હા કરી શકીએ.અમે સ્વાનુભવ કર્યો જે આજે એક સુખદ અનુભવમાં પરિણમ્યો.
એક જીવને પીડામાંથી મુક્તિ અપાવવામાં નિમિત્ત બન્યાનો અનેરો આનંદ પણ થયો.
એનિમલ હેલ્પલાઇન વિશે આપણે સહુ જાણીએ છીએ. વારે તહેવારે અને ખાસ કરીને ઉતરાયણ ઉપર યાદ આવે.આવી જ એક એનિમલ હેલ્પ લાઇન રાજકોટમાં કાર્યરત છે કરુણા ફાઉન્ડેશન.
કોઈપણ સંસ્થા વિશે સાંભળવું અને તેનો જાત અનુભવ કરવો એ સાવ અલગ વાત છે.
હું અને મારી મિત્ર નેહા શાહ આજે સવારે ચાલવા માટે નીકળ્યા ત્યારે તેનું ધ્યાન સાધુ વાસવાણી રોડની વચ્ચે આકાશમાં લગભગ પાંચ માળ જેટલી ઊંચાઈ પર આવેલાં વીજળીના તારમાં ફસાયેલાં પતંગના દોરામાં અટવાઈ અને તરફડતા પંખી તરફ ગયું.વિચાર આવ્યો કે શું કરવું. થોડાં દિવસ પહેલાં જ કરુણા ફાઉન્ડેશનના ટ્રસ્ટી એવાં એડવોકેટ શ્રી કમલેશભાઈ શાહ અને પ્રતિકભાઈ સંઘાણી સાથે શ્રી મનોજભાઇ ડેલીવાળાએ કરાવેલી મુલાકાત યાદ આવી.
તાત્કાલિક કરુણા ફાઉન્ડેશનની હેલ્પ લાઈન પર જાણ કરતાં તેમની ટીમ સાથે થોડી જ મિનિટોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ આવી ગઈ.ઘણી મહેનત બાદ કોઈપણ રીતે પક્ષીને મુક્ત કરાવ્યું.આ કબૂતરનો પગ પતંગની દોરીમાં અટવાઈ જવાને કારણે ઘાયલ થયેલો જેની કરુણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા સ્થળ પર જ સારવાર કરવામાં આવી અને જેવી સારવાર પૂર્ણ થઈ અને કબૂતર ઊડી ગયું.તેની પાંખોનો ફફડાટ અને મુક્તિના અહેસાસમાં નિમિત્ત બન્યાનો સંતોષ અમે બન્ને મિત્રોએ લીધો. કરુણા ફાઉન્ડેશનને આટલાં સુંદર કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ફોન કર્યો ત્યારે શ્રી પ્રતીક ભાઈ સંઘાણી પાસેથી જાણવા મળ્યું કે આ સંસ્થા છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે.રાજકોટ અને આસપાસના 25 થી 30 કિમીના વિસ્તારમાંથી રોજના લગભગ બસ્સો પશુ પક્ષીઓને માનવ સર્જિત અથવા અકસ્માતે થયેલ મુશ્કેલીમાંથી જીવતદાન આપે છે.
સંપૂર્ણ નિ:શુલ્ક કાર્ય કરતી આ સંસ્થા પર દાનની સરવાણી વહેતી રહે છે.તેમની પાસે લગભગ દસ જેટલાં વાહનો છે.
કરુણા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ,કાર્યકર્તાઓ,તેમને દાન આપતાં શ્રેષ્ઠીઓ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવાં કર્યો કરતાં રહે તેવી અનુમોદના.🙏🙏
Comments
Post a Comment