સુખનાં શોર્ટકટ્સ
@અમી દોશી
હજારો વર્ષથી માનવ સુખની શોધમાં ભટકતો આવ્યો છે અને વર્તમાનમાં પણ સુખની જ શોધમાં અવિરતપણે રત છે.
આ જગતમાં એવી કોઈ વ્યક્તિ જોવાં ન મળે જે સુખી થવા ન ઈચ્છતી હોય. કદાચ એમ કહેવું અયોગ્ય નહિ કહેવાય કે સંસારના ચક્રનું કેન્દ્રબિંદુ જ સુખ છે.
માણસની સુખ પાછળની ઘેલછા એટલી જબજસ્ત છે કે જગતમાં લડાયેલાં ભયાનક યુદ્ધો અને નરસંહાર પણ સુખ માટેની લાલસા જ હતી કારણ કે બીજાને હરાવીને અથવા નાશ કરીને પોતે નિશ્ચિંત બની સુખ ભોગવી શકે. વિશ્વમાં આજ સુધી જે વિનાશક શાસ્ત્રોની શોધ થઈ છે તે પણ પોતે સુખથી જીવી શકે એટલા માટે જ.
જે સુખને આખું વિશ્વ સદીઓથી શોધી રહ્યું છે એ વાસ્તવમાં શું છે ? સુખના માપદંડો શું ? સુખની વ્યાખ્યા શું ? કદાચ વિશ્વના અલગ અલગ સાહિત્યમાં નજર કરીએ તો આના હજારો અલગ અલગ માપદંડ અને વ્યાખ્યા મળી જશે પણ સર્વગ્રાહી અને સર્વવ્યાપી વ્યાખ્યા કે માપદંડ મળવો મુશ્કેલ છે.
ભૌતિક સાધનો, પદ,પૈસા, પ્રતિષ્ઠાથી જ સુખ મળી જતું હોત તો આ વિશ્વમાં કોઈ ગરીબ અને મજૂરી કરતી વ્યક્તિ સુખી જ ન હોત પરંતુ એવું નથી એટલે જ ક્યારેક અઢળક સંપતિમાં આળોટતા અમીરો કરતા બે ટંકનું પેટીયું રળતા ખેડૂત અને મજૂરો વધારે સુખી હોય છે. કારણ કે ભૌતિક સાધનો જ સુખનો પર્યાય નથી સુખ એ વ્યક્તિના મનની આંતરિક અવસ્થા છે. એટલે સુખના સિક્રેટ શોર્ટકર્ટસ ભૌતિક સાધનોમાંથી નથી મળતાં. વાસ્તવમાં સુખની સરવાણી માણસના મગજમાંથી નીકળે છે. જેને આપણે બહાર શોધીએ છીએ.
(૧) સરખામણી:
જગતના દુ:ખની જો જનની હોય તો એ છે સરખામણી. આપણાંમાંથી મોટાભાગની વ્યક્તિ પોતે જે ક્ષેત્રમાં છે એમાં ટોપ પર પહોંચવાની ઈચ્છા ધરાવતી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે વિશ્વના તમામ અલગ અલગ ક્ષેત્રમાં ટોપ પર એક જ વ્યક્તિ હોય છે બાકીના બીજા નંબરથી છેલ્લા નંબર પર હોય છે. તો શું આપણે જે સ્થાને છીએ એનાથી ઉપરવાળાની સાથે સરખામણી કરીને દુઃખી જ થવાનું ? સુખી થવું હોય તો સરખામણી હંમેશા આપણાંથી પાછળ હોય, આપણા કરતાં મુશ્કેલ પરિસ્થિતિમાં હોય, આપણાં કરતા શારીરિક રીતે વધુ તકલીફમાં હોય એની સાથે કરવી જોઈએ જેથી આપોઆપ અંદરથી એહસાસ થશે કે હું આ વ્યક્તિની સરખામણીએ સુખી છું.અથવા જો કોઈની પણ સાથે સરખામણી જ ન કરીએ અને જે પોતાની પાસે છે તેનાથી સંતોષ અનુભવે તે વ્યક્તિ ક્યારેય દુઃખી થતી નથી અથવા સંજોગો તેને ક્યારેય દુઃખી કરી શકતાં નથી.છી
(૨) વધુ પડતી અપેક્ષા :
આશ હૈ તો સાંસ હૈ. આશા જ જીવન છે પરંતુ આશાનું સ્થાન જ્યારે અપેક્ષા લઈ લે ત્યારે દુઃખની શરૂઆત થાય છે. કારણકે વધુ પડતી અપેક્ષાઓના કારણે ઘણી વખત જીવનમાં આપણે જેટલું જરૂરી હોય તેટલું મળવા છતાં આપણે દુઃખી રહીએ છીએ. બારમાં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું લક્ષ્ય મેડિકલમાં જવાનું છે, જેના માટે તેમણે સારા માર્કસ સાથે પાસ થવું પૂરતું છે. પરંતુ જો એ વિદ્યાર્થી પહેલેથી એવી અપેક્ષા રાખે કે તે બોર્ડની પરીક્ષામાં ટોપ ટેનમાં જરૂર આવશે. હવે બોર્ડના પરિણામમાં એ અગિયારમાં ક્રમે આવશે તો તેને ખૂબ જ દુઃખ થશે કારણ કે એમણે જે અપેક્ષા રાખેલી તે અપેક્ષા મુજબ પરિણામ ન આવ્યું. વાસ્તવમાં એ ટોપ આવ્યો હોત કે તો પણ એને મેડિકલ પ્રવેશ મળ્યો હોત અને અગિયારમાં ક્રમે આવ્યો તો પણ પ્રવેશ તો મળવાનો જ છે. પરંતુ અહી દુઃખનું કારણ બન્યું વધુ પડતી અપેક્ષા. એટલે આશા જરૂર રાખવી જોઈએ. આશાથી બળ મળે છે અપેક્ષાથી તણાવ,ચિંતા અને નિરાશા જ મળે છે.
(૩) કલ્પનાઓ પર નિયંત્રણ
અમીર હોય કે ગરીબ ,ભણેલી હોય કે અભણ પરંતુ કોઈ વ્યક્તિ પોતાના જીવન વિશેની કલ્પનાઓ કરવામાંથી બાકાત નહી હોય. કલ્પના કરવી એ ખોટું નથી કારણકે સુખદ કલ્પના કરવાથી મગજમાંથી હેપી કેમિકલનો સ્ત્રાવ થાય છે જે આપણને આનંદ આપે છે. પરંતુ કલ્પના એ બેધારી તલવાર છે. જ્યારે કલ્પના હકીકત કરતાં વધુ બળવાન અને મહત્વની બની જાય અને એમાં પણ જો નકારાત્મક કલ્પના હોય તો તે જીવનને દુઃખથી ભરી દે છે. આપણાં જીવનમાં 80% દુઃખ કાલ્પનિક ભયના કારણે ઉત્પન્ન થતાં હોય છે. ભવિષ્યમાં જે થશે કે નહીં તેવી અનિશ્ચિત બાબતો પ્રત્યે વિચારવાનું છોડી દેવું જોઈએ.કલ્પનાનાં ઘોડાને બે લગામ છોડી ન દઈએ તો જીવનની અડધીથી વધુ મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જતી હોય છે.
(૪) વાસ્તવિકતાનો સ્વીકાર
વાસ્તવિકતાની બાબતમાં એક કડવી વાસ્તવિકતા એ છે કે આ જગતમાં ખૂબ ઓછા લોકો હશે જે પોતાની વાસ્તવિક સ્થિતિ,પરિસ્થિતિથી સંતુષ્ઠ હોય. ગરીબને અમીર થવું છે તો જે અમીર છે તેને વધુ અમીર બનવું છે. જે નિષ્ફળ છે તેને સફળ થવું છે અને જે સફળ છે તેને વધુ સફળ થવું છે. દરેકને પોતાના શારીરિક દેખાવ,ઊંચાઈ, રંગ,શરીરનો બાંધો,વજન વગેરેથી નાનો મોટો અસંતોષ હોય છે. જેનો ક્યારેય સ્વીકાર કરી શકતા નથી પરિણામે દુઃખી હોય છે. ક્યારેક આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરવાને બદલે તેને છુપાવવા કોશિશ કરીએ છીએ તેના માટે ખોટું બોલીએ કે ખોટું કરીયે છીએ જે આપણાં સુખ અને શાંતિ છીનવી લે છે, માટે સુખી થવું હોય તો એક વાત કાયમ માટે ગાંઠે બાંધી લેવી જોઈએ કે જીવનમાં બધું જ ગમતું મળે એ લગભગ અશક્ય છે. બીજી તરફ નજર કરીએ તો આપણે જે બાબત કે ઉણપના કારણે દુઃખી થઈએ છીએ તે ઉણપ ખરેખર તો સામાન્ય જીવન જીવવામાં સહેજ પણ અવરોધરૂપ નથી હોતી. ક્યારેક તો વાસ્તવિક રીતે તે ઉણપ હોતી જ નથી માત્ર આપણે કલ્પના કરીને જ એને ઉણપનું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ. ક્રિકેટનાં ભગવાન તરીકે ઓળખાતાં સચિન તેંડુલકરની ઊંચાઈ સામાન્ય કરતાં પણ ઓછી હતી તેમ છતાં તેમણે પોતાની આ ઉણપને સ્વીકારી પોતાની રમતને એટલી જબરજસ્ત બનાવી કે જગતના ભલભલાં ક્રિકેટરોને પાછળ છોડી ઇતિહાસ રચી દીધો. એટલે જે વાસ્તવિકતા બદલી શકાય તેમ ન હોય એનો સ્વીકાર કરી જીવન જીવીએ તો જીવનની રોજ બ રોજની અર્ધી સમસ્યા અને દુઃખ દૂર થઈ જાય છે.
(૫) સુખને સાચવીએ અને દુઃખને વહેંચીએ
સુખ અને દુઃખ જીવનના સિક્કાની બે બાજુ છે. એવી એક પણ વ્યક્તિ શોધવા જઈએ તો નહી મળે જે સંપૂર્ણ સુખી હોય અને એવી વ્યક્તિ પણ નહી હોય કે જેના જીવનમાં કોઈ બાબતનું દુઃખ ન હોય. નક્કી આપણે કરવાનુ છે કે આપણા જીવનના શોરૂમના ડિસ્પ્લેમાં આપણે સુખને દેખાડવું છે કે દુઃખ ને ? સુખી થવાની એક સાવ સસ્તી જડીબુટ્ટી છે કે, સુખને સમેટો અને દુઃખને વહેંચો. આપણાં જીવનમાં સવારથી સાંજ સુધીમાં એવી કેટલીય બાબતો બનતી હોય છે જેમાંથી આપણને નાની નાની ખુશી મળતી હોય છે જરૂર છે પરંતુ આપણે આ નાની નાની ખુશીને જીવી લેવા , માણી લેવાના બદલે દુઃખને શોધી શોધીને જીવનના ગોડાઉનમાં ભરતા રહીએ છીએ. અંતે બને એવું છે કે જીવનના ગોડાઉનમાં ખુશી જ ન હોય તો ડિસ્પ્લે પર ફરજિયાત દુઃખને જ દર્શાવવું પડે છે.
મિત્રો સુખી થવા માટે જરૂર છે જીવનની નાની નાની ખુશીની ક્ષણો જીવીને, માણીને, સમેટીને હૃદયમાં સાચવી રાખવાની. જ્યારે જીવનમાં આવતાં દુઃખોને હદયના ગોડાઉનમાં ભરવાને બદલે મિત્રો, સ્નેહી,પ્રિયજન પાસે વહેંચી દેવામાં જ શાણપણ છે. અર્થાત્ દુઃખને મનમાં સંગ્રહ કરવાને બદલે ખુલ્લાં મને મિત્રો,સ્નેહી,પ્રિયજન પાસે હૃદયને ખોલી નાખવામાં આવે તો જીવનના ડિસ્પ્લેમાં ખુશીઓ આપોઆપ ગોઠવાઈ જશે.
(૬) સંબંધોને ઓળખાતા શીખીએ
મનુષ્ય સામજિક પ્રાણી છે. એટલે લોહીના,મિત્રતાના,હૃદયનાં વગેરે અનેક પ્રકારના સંબંધથી જીવનભર બંધાયેલાં છીએ. પરંતુ મજાની વાત એ છે કે, માણસના દુઃખના કારણો પૈકી સંબંધને કારણે થતું દુઃખ એ ખૂબ મોટું કારણ છે. સંબંધ લોહીના હોય કે અન્ય કોઈપણ પએ સુખની સાથે દુઃખ પણ આપતાં જ હોય છે. આનો અર્થ એવો નથી કે જીવનમાંથી તમામ સંબંધની બાદબાકી કરી નાખવી જોઈએ. પરંતુ તે માટે ફિલ્ટર લગાવી દઈએ તો પણ દુઃખના ઘણાંખરાં દ્વાર આપોઆપ બંધ થઈ જશે. જીવનમાં આપણા સગા- સ્નેહી, મિત્રો, પરિચિતોની બાબતમાં સહુને અનુભવ હશે જ કે તેમાંથી કેટલાક સ્વાર્થી,તકસાધુ,ગરજાઉ વગેરે પ્રકારના હોય છે, તેમ છતાં આપણે “એમને ખરાબ લાગશે” “આપણું સમાજમાં ખરાબ દેખાશે” વગેરે જેવા કારણે આવા લોકો સાથે સંબંધ ચાલુ રાખીએ છીએ અને આવા સંબંધનો કડવો અનુભવ થાય ત્યારે ખૂબ દુઃખી થઈ જતાં હોઈએ છીએ. આવાં ફાલતુ સંબંધની પાછળ આપણે આપણાં સાચાં સ્નેહીજનો, મિત્રો ,પ્રિયજનને પૂરતો સમય નથી આપી શકતાં જેનો પસ્તાવો રહી જાય છે.
એટલે સુખી થવાની એક નાની શીખ એ પણ છે કે જીવનમાં સંબંધોને ઓળખી નકામા સંબંધોને ત્યજી સારાં અને સાચાં સંબંધના છોડને ખાતર -પાણી આપીએ તો આવા સંબંધોમાંથી જ સુખના ફળ મળે છે. જે ખરા સમયે ઉપયોગી થતાં હોય છે.
(૭) જીવન અનંત નથી એ સ્વીકારીને જીવીએ:
અંતે એક સૌથી અગત્યની વાત કે, જગતમાં દુઃખોનું સૌથી મોટું કારણ આપણે જાણીએ છીએ કે જીવન અનંત નથી. એક દિવસ મોત ચોક્કસ આવશે. છતાં મળેલી આજની ક્ષણને જીવવાં કે માણવાને બદલે જીવનને અનંત માની અને વેડફી નાખીએ છીએ.
જો એક બાબત સ્વીકારી લઈએ કે, જીવન મર્યાદિત છે એટલે એને આડા અવળાં રસ્તે વેડફવાને બદલે ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી લઈએ, બીજાની ઈર્ષ્યા, દેખાદેખી, હરીફાઈ,વેરવૃત્તિ વગેરેના કારણે દુઃખી થવાના બદલે દરેક સવારે એટલું વિચારીયે કે એક દિવસ આ બધું છોડીને જવાનું છે તો આજનો દિવસ સોનેરી લાગશે. મોટા મોટા સપનાઓ સાકાર કરવા પાછળ દુઃખી થવાના બદલે પળેપળનો આનંદ લઇ શકાશે. નાની નાની ખુશીઓ અને બાબતો પણ જીવી લેવાની ઈચ્છા થશે.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।
adoshi480@gmail.com
આજના યુગમાં જો વ્યક્તિ આ રીતે જીવતાં શીખી જાય તો ખરેખર સુખી થઈ શકાય. ખૂબ જ પ્રેરણાદાયક આર્ટિકલ
ReplyDeleteખૂબ ખૂબ આભાર
Delete