આનંદમય કોશ
આનંદમય કોશ
મનુષ્યનાં સંપૂર્ણ વિકાસ માટે જરૂરી એવાં પંચ કોશ પૈકી અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ બાદ અંતિમ કોશ એટલે કે, આનંદમય કોશ.
જીવનમાં ગમે તે અને ગમે તેટલું કરીએ અંતે તો જરૂર હોય છે આનંદની, પછી તે સ્થૂળ હોય કે સૂક્ષ્મ. આજે અંતિમકોશ એટલે કે આનંદમય કોશ સમજીએ.
શિવાજીને નીંદરું ના વે , માતા જીજાબાઇ ઝુલાવે...
આ કાવ્ય આપણે ક્યારેકને ક્યારેક તો સાંભળેલું જ છે. જેમાં જીજાબાઇ પુત્ર શિવાજીને બાળપણમાં કેવાં હાલરડાં ગાઈને સુવડાવતાં તેનું ખૂબ સુંદર વર્ણન કરેલું છે.
આનંદમય કોશને સમજવાં માટે કેટલીક પાયાની બાબતોને સમજવી જરૂરી છે.
ભારત દેશ હોય કે વિશ્વનો કોઈપણ દેશ હાલરડાં, (લોરી), ધૂન, ભજન, સુંદર મજાના ગીતો, કર્ણપ્રિય સંગીત વગેરે દરેક બાળકને બાળપણમાં માતા, પિતા, દાદા, દાદી કે અન્ય કુટુંબીજનો પાસેથી પોતાની ભાષામાં સાંભળવા મળ્યાં જ હોય. આ એક એવી વિશિષ્ટ બાબત છે જેને બાળ ઉછેર માટે દેશ વિદેશનાં કોઈ સિમાડા નડતાં નથી. બાળક પણ ગીત/સંગીત (કોઈપણ સ્વરૂપે ) સાંભળીને તરત સૂઈ પણ જતું હોય છે. ઘણાં બાળકોને તો હાલરડાં ન ગાવામાં આવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી.
અહીં હાલરડાં કે ગીત કેવાં અને ક્યાં પ્રકારનાં છે, તેનો આધાર માતા/ કુટુંબીજનો તેની કેળવણી કેવાં પ્રકારની કરવાં માંગે છે તેના પર છે પણ સૌથી અગત્યની બાબત એ છે કે તે સંગીત સાંભળે છે અને સૂઈ જાય છે.
બહુ સામાન્ય ગણાતી આ પ્રક્રિયા અત્યંત મહત્વની અને જીવનમાં આનંદના ઊંડા મૂળ રોપનારી છે. આ સદીઓથી ચાલી આવતી પરંપરા છે જેને વર્તમાનયુગનાં વિજ્ઞાને પણ સ્વીકારી અને મહોર મારી છે.
આનંદમય કોશનાં મૂળ સાત્વિક આનંદ આપનારી અનેક પ્રવૃત્તિઓ સિવાય સંગીત સાથે પણ જોડાયેલાં છે. સામાન્યરીતે વ્યક્તિમાં આનંદમય કોશનો સંપૂર્ણ વિકાસ વિજ્ઞાનમય કોશના વિકાસ બાદ 20 થી 25 વર્ષની ઉંમર દરમિયાન થતો હોય છે પરંતુ આ પ્રક્રિયા જન્મ બાદ તરત જ શરૂ થઈ જાય છે. કારણ છે આનંદ માટે જરૂરી અંત:સ્ત્રાવ.
બાળકોમાં જે મુખ્યત્વે જોવાં મળે છે તે છે જીદ, ગુસ્સો, સ્ટ્રેસ વગેરેનું વધતું જતું પ્રમાણનું કારણ છે આનંદમય કોશનો અપૂરતો વિકાસ..
સ્થૂળ અને સાત્વિક આનંદ શેમાંથી મળે તેનું લીસ્ટ જોઈએ તો, ગીત, સંગીત, ગાયન વાદન નૃત્ય, વિવિધ રમતો રમવી, વરસાદમાં નહાવું/ પલળવું ખરેખર આ બધી બાબતો માત્ર મનને આનંદ નથી આપતી પણ આત્મા સુધી એ આનંદની અનુભૂતિ કરાવે છે.
સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો અહંકાર જાય પછી જ આનંદ મળે છે. એમ કહેવાય છે કે, ભક્ત અને ભગવાન વચ્ચેનાં સંબંધમાં ભક્તનો અહંકાર ભાવ દૂર થાય પછી જ સમર્પણભાવ આવે છે અને ત્યારબાદ જ આનંદની પ્રાપ્તિ થાય છે. ગુરુ શિષ્ય વચ્ચે પણ સેવા સમર્પણ ભાવ આવે પછી જ જ્ઞાન પ્રાપ્તિનાં આનંદની અનુભૂતિ થાય છે.
ખૂબ દુઃખ સાથે એ સત્યને સ્વીકારવું પડે કે, આજના હરીફાઈ યુક્ત જીવનમાં માં બાપ એટલા બધા વ્યસ્ત હોય છે કે બાળક માત્ર 3 વર્ષનું થાય ત્યાં જ એમને જુનિયર કે.જી. માં દાખલ કરી દેવામાં આવે છે. ખરેખર તો બાળકના જીવનનો આ ખૂબ મહત્વનો સમયગાળો છે જેમાં બાળક માં બાપ અને કુટુંબી સાથે આજીવન જોડાય રહે તેવી પ્રક્રિયા તેના અર્ધ જાગૃત મનમાં થતી હોય છે. પરંતુ આ જ સમયે આપણે એને દૂર કરી ને એનું બાળપણ છીનવી લઈએ છીએ. અને આટલી કુમળી વયે જ બાળક આજની કહેવાતી ઉત્તમ શિક્ષણ પદ્ધતિની હરીફાઈયુક્ત શિક્ષણનાં ભાર તળે કચડાય જાય છે. વિદ્યાર્થીના જીવનમાંથી આનંદનું ઉત્સર્જન થઈ જાય છે અને વધે છે હરીફાઈ, ઈર્ષ્યા, સ્ટ્રેસ, ગુસ્સો, હતાશા, નિરાશા. જેમાંથી ભવિષ્યમાં અનેક પ્રકારનાં પ્રશ્નો ઊભા થાય છે જે તેનાં જીવનની દિશા નક્કી કરે છે..
વાસ્તવમાં આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરા મુજબ સાત વર્ષે બાળકનો અભ્યાસ શરૂ થતો કારણ કે બાળકનું બાળપણ સાત વર્ષ સુધીનું હોય છે એ વાત આપણા ઋષિમનિઓ સારી રીતે સમજી શકતા હતા. પરંતુ આજે આપણે બાળકનું બાળપણ છીનવી લીધું છે જેની અસર એના બાકીના સમગ્ર જીવન પર જોવા મળે છે.
થોડીક પળો માટેની પણ આનંદદાયક પ્રવૃત્તિને કારણે મગજમાંથી સેરેટોનીન નામનાં હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ પ્રવૃત્તિ ગીત સંગીત હોઈ શકે, કુદરત સાથેનું મિલન હોઈ શકે, ગાર્ડનિંગ હોઈ શકે, માટીકામ, ભરતકામ, ચિત્રકામ, સર્જન, વૃક્ષારોપણ હોઈ શકે. તો જ્યારે લાંબા સમય માટે આવી પ્રવૃત્તિ થાય છે ત્યારે મનુષ્યનું મગજ એવી તાલીમમાંથી પસાર થાય છે કે, ભવિષ્યમાં જ્યારે સ્ટ્રેસફૂલ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તે તેમાંથી પણ નીકળી અને પોતાનો આનંદ શોધી શકે છે. કોઈપણ સાત્વિક પ્રવૃત્તિમાંથી નીપજતો આનંદ સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે.
મોટાં ભાગનાં લોકો સ્થૂળ આનંદની શોધમાં પોતાનું સંપૂર્ણ જીવન ખોઈ બેસતાં હોય છે જેનું કારણ તેમનું ડિસ્ટર્બ બાળપણ પણ હોઈ શકે. બાળકનું બાલ્યાવસ્થામાં દુન્યવી ઝંઝટથી પર હોય છે ત્યારે તેને તે સમયે થયેલાં સારાં માઠાં અનુભવો જીવનભર તેની સ્મૃતિ સાથે જોડાયેલાં વણાયેલા રહે છે જેને આધારે તેનું ભવિષ્ય નક્કી થતું હોય છે.
આનંદ તો જ મળે જો મનુષ્યને ખીલવાની તક મળે. બાળકરૂપી દરેક પુષ્પને ખીલવા દઈએ, ખુલવા દઈએ. ખુદ ખીલીએ અને અન્યને પણ ખીલવા દઈએ જેથી પરમ આનંદની અનુભૂતિ થઈ શકે ..
અસ્તુ
અમી દોશી
9825971363
Comments
Post a Comment