સંવેદના સ્પર્શની...! જાદુ કી જપ્પી
સંવેદના સ્પર્શની...! જાદુ કી જપ્પી
બાળકનો જન્મ થાય ત્યારે માતા બાળકને હાથમાં લઈ તેને થપથપાવે ત્યારે બાળક જીવનના પ્રથમ સ્પર્શની અનુભૂતિ સ્વરૂપે રડીને પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. અસ્તિત્વના અહેસાસની મથામણ જન્મથી લઈને મૃત્યુ બાદ જમણાં પગના અંગુઠામાં મુખાગ્નિ આપવામાં આવે છે ત્યાં સુધી રહે છે. ક્યારેક પ્રેમ સ્વરૂપે, ક્યારેક મૌન લાગણી સ્વરૂપે, ક્યારેક ગુસ્સા સ્વરૂપે પણ, સ્પર્શ વિના સૃષ્ટિ પરના જીવનું જીવન શક્ય નથી.
કોરોનાએ સમગ્ર વિશ્વને સ્પર્શની દુનિયાથી બે વર્ષ માટે અળગા કરી દીધા હતાં પણ, જીવન જીવવા માટે સ્પર્શની ભાષા અનિવાર્ય છે. સ્પર્શ એ જીવની જીવાદોરી છે. જીવવા માટે હવા પાણી અને ખોરાક જેટલો જ જરૂરી સ્પર્શ છે. સ્પર્શને કોઈપણ શબ્દોથી કે પરિભાષાથી વર્ણવી ન શકાય તેવી અદભૂત સંવેદના છે. સ્પર્શથી હતાશા અને તાણ જ દૂર થાય તેવું નથી. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, દીર્ઘાયુ બક્ષે છે. સ્પર્શને કારણે મગજની બાયો કેમેસ્ટ્રી બદલાઈ જાય છે માનસિક શાંતિનો અનુભવ થાય છે મન અને શરીર શક્તિથી ભરપૂર હોય તેવો અહેસાસ થાય છે.
પ્રથમ સ્પર્શ જીવનની ખૂબ જ અગત્યની બાબતો પૈકીનો એક છે. જન્મેલું બાળક 30 સેમીથી વધુ દૂરનું જોઈ શકતું નથી અને જન્મના એક માસ સુધી તેની બધી ઇન્દ્રિયો એકદમ સતેજ હોતી નથી ત્યારે તે એક જ પરિભાષા સમજી શકે છે સ્પર્શની.
વિશ્વનો પ્રથમ અનુભવ સ્પર્શ દ્વારા જ થઈ શકે છે બાળક જ્યારે રડે છે ત્યારે તેને મા બાપના સ્પર્શની ખાસ જરૂર હોય છે હૂંફાળા સ્પર્શ અને હુંફથી બાળકને સલામતીનો અનુભવ થાય છે. બાળક માતાના સ્તનને સ્પર્શે ત્યારે જ માતાને દૂધ આવે છે એટલું જ નહી પણ માતા અને બાળક બંનેના મગજ માંથી ઓક્સીટોસિન નામના રસાયણનો સ્ત્રાવ થાય છે. જેનાથી માતા અને બાળકનું આજીવન બોન્ડિંગ થાય છે. સ્પર્શને કારણે બાળક અને માં બાપ વચ્ચેના લાગણીના સંબંધો વધુ દ્રઢ થાય છે. પ્રેમાળ સ્પર્શને કારણે તેના શ્વાસોશ્વાસ નિયમિત થાય છે, શરીરનું તાપમાન અને શુગરનું પ્રમાણ પણ નોર્મલ થાય છે.
મનુષ્ય સામાજિક પ્રાણી છે સંબંધ વગર તે જીવી શકતો નથી એક જૂથ રહેવાને કારણે બહારના તત્વોથી તેને સલામતી જણાય છે. કોઈપણ સબંધ હોય એક હૂંફાળો સ્પર્શ, લાગણી, પ્રેમ, સલામતી, વહાલ, ખુશી, આનંદ કંઈ કેટલું વગર બોલ્યે એક સાથે આપી જાય છે.
મનુષ્ય પાસે વિવિધ પ્રકારના સ્પર્શને અનુભવવાની કુદરતી શક્તિ ઈશ્વરે આપી છે. કારણ, સ્પર્શમાં બળજબરી હોઈ શકે, વિકૃતિ પણ હોઈ શકે, સ્પર્શ ડરામણો પણ હોઈ શકે. એટલે તો બાળકને સારા નરસાં સ્પર્શની ઓળખ આપવી પડે છે. આપણી ચામડી એટલી સંવેદનશીલ છે કે ક્ષણભરમાં પણ સ્પર્શ પાછળનો ઇરાદો પરખાઈ જાય છે.
સ્પર્શને ઓળખવો અને સમજવો તે જન્મ પછીની પાઠશાળાનું પ્રથમ લેશન છે.
તાજેતરમાં સ્વીડનમાં થયેલ એક પ્રાયોગિક સંશોધન મુજબ બે વ્યક્તિને એકબીજાથી અવગત કરાવ્યા વિના જ્યારે સ્પર્શ કરાવવામાં આવ્યાં ત્યારે તે સ્પર્શમાં પ્રેમ હતો કે ગુસ્સો હતો તેની જાણ બીજાને થઈ જતી હતી. માત્ર એક સ્પર્શથી આઇ લવ યુ કહેવાઈ જાય છે. "હું તારી સાથે છું ચિંતા ન કર બધું જ થઈ રહેશે " કહેવા માટે કંઈ જ બોલવાની જરૂર પડતી નથી બસ હાથ પર મુકેલો હાથ જ પૂરતો છે.
હાથ પકડવા, હાથ પસારવો, ભેટવું, આલિંગન આપવું, પંપાળવું વગેરે સ્પર્શની પરિભાષા છે જે મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતો છે. 1950- 60નાં દાયકામાં વિશ્વભરમાં સ્પર્શને થોડું અસ્પૃશ્ય ગણવામાં આવતો હતો પણ ઘણાં સંશોધન બાદ દુનિયાને એવું સમજાયું કે, જીવન જીવવા માટે તે અનિવાર્ય છે.
જ્યારે, આપણાં દેશની સંસ્કૃતિમાં તો સ્પર્શનાં હજારો વર્ષ જૂના અનેક ઉદાહરણો રીતી રિવાજ સાથે જોડાયેલા છે.
લગ્ન સમયે એક જૂની પરંપરા હતી જે આજે લુપ્ત થઈ ગઈ છે. જે પાણિગ્રહણ (હસ્ત મેળાપ) સાથે જોડાયેલી હતી. પહેલાંના સમયમાં લગ્ન પંદર વાના (દિવસ) કે તેનાથી વધુ દિવસનાં રહેતાં. લગ્ન અને મંડપ રોપણ વચ્ચે ઓછામાં ઓછો સાત દિવસનો ગાળો રાખવામાં આવતો. મંડપ રોપણ થાય એટલે વર અને કન્યાના હાથમાં મીંઢળ બાંધવામાં આવતું, મીંઢળ બાંધ્યા પછી વર અને કન્યા અન્ય કોઈ વ્યક્તિ સાથે પોતાનો હાથ ન મિલાવતા. મીંઢળ બાંધ્યા બાદ પાણિગ્રહણ વખતે પતિ પત્ની જ હાથ પકડતાં. સાત દિવસ સુધી કોઈ સાથે હાથ ન મેળવાય એટલે હથેળી લગભગ વર્જિન થઈ જાય. આજના વિજ્ઞાન મુજબ વીસ સેકંડ સ્ત્રી અને પુરુષ હાથ પકડે એટલે ઓક્સીટોસિનનો સ્ત્રાવ થાય. જેનાથી સબંધ મજબૂત થાય વિશ્વાસ વધે અને સ્ટ્રેસનું કારક હોર્મોન કોર્ટિસોલ ઘટે છે, પછી તે હસ્તમેળાપ હોય કે, પ્રેમ મેળાપ.
લગ્ન થાય ત્યારે વરરાજાના જમણા પગનો અંગૂઠો ધોઈ અને ચરણામૃત લેવાની એક વિધિ પણ હતી જે સ્પર્શની એક રીત હતી. પહેલાંના સમયમાં ઘરે મહેમાન આવે એટલે સ્ત્રી સ્ત્રીઓને અને પુરુષ પુરુષોને ભેટતાં. બાળકો દ્વારા વડીલો, ગુરૂનાં જમણાં પગના અંગૂઠાનો સ્પર્શ કરી અને આશીર્વાદ લેવામાં આવતાં. જમણા પગનો અંગૂઠો વ્યક્તિમાં રહેલી ઊર્જાનો સ્ત્રોત છે.જે સ્પર્શ દ્વારા મેળવવાનો પ્રયત્ન
કરવામાં આવે છે. તીર્થ યાત્રા કરીને આવતાં યાત્રિકોના જમણાં પગનો અંગૂઠો ધોઈને ચરણામૃત લેનાર પોતાને ભાગ્યશાળી સમજે છે.
સાંભળેલી(કાન), જોયેલી(આંખ), સ્વાદ(જીભ), સુંધેલી(નાક) આ ચાર ઇન્દ્રિયો સાથે જોડાયેલી લાગણી ભૂલી શકાય છે પણ સ્પર્શની લાગણી તન અને મન બંને સાથે જોડાયેલી હોય છે એટલે ભૂલી શકાતી નથી.
પ્રાણીઓમાં માદા પશુ એના બચ્ચાંને જન્મ આપીને પહેલું કામ તેને આખા શરીરે જીભથી ચાટવાંનું કરે છે. દુધાળા પશુ જ્યાં સુધી બચ્ચાંને ચાંટે નહી ત્યાં સુધી એને દૂધ નથી આવતું. માદા પોતાના બચ્ચાને ચાટે નહીં તો સ્પર્શ, હૂંફ, સંભાળ અને પ્રેમના અભાવને કારણ તેવા બચ્ચામાં મૃત્યુનો દર ખૂબ ઊંચો હોય છે અને કદાચ તે જીવી જાય તો તેનામાં ઘણી માનસિક અને શારીરિક ક્ષતિઓ રહી જાય છે જેમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જવી, નાનાં નાનાં કાર્યો કરવાની આવડત ઘટવી તેમજ શારીરિક અને માનસિક વિકાસ રુંધાઈ જવાના બનાવો એકદમ સામાન્ય છે.
બાળકને થયેલો બાળપણના સ્પર્શનો અનુભવ તેને લગભગ જીવનભર યાદ રહે છે. જેથી આ સમયના સ્પર્શનું ખૂબ મહત્વ હોય છે. સ્પર્શનો સીધો સંબંધ મગજ સાથે છે. જ્યારે બાળકને માતા સાથે સ્પર્શ થાય છે ત્યારે તેના શરીરના લાખો કોષ એકદમ એક્ટિવ થઈ જાય છે અને જે કરંટ ઉત્પન્ન થાય છે તે તેના મગજ સુધી પહોંચાડે છે જેનાથી યાદશક્તિના દરવાજા ખુલે છે અને શારીરિક તેમજ માનસિક વિકાસને ઝડપી બનાવે છે.
સ્પર્શની ઉત્તમ પદ્ધતિ મસાજ પણ છે. મસાજ એટલે કે માલિશને કારણે મગજની કાર્યક્ષમતામાં ખૂબ જ મોટો ફેરફાર થાય છે. શરીરના જુદા જુદા અવયવો પર આવેલા સેન્સર પોઈન્ટ્સ પર માલીશ થવાને કારણે રિલેક્સેશનનો અનુભવ થાય છે જે તાણને ઘટાડે છે અને હેપી હોર્મોન્સ રીલીઝ થાય છે જે શરીરના જુદા જુદા ભાગો ઉપર ખૂબ ઊંડી તેમજ સારી અસર કરે છે. સ્પર્શની અસર જેવી ચામડી ઉપર થાય છે તેના મીલી સેકન્ડમાં મગજને ખ્યાલ આવી જાય છે કે તે સ્પર્શ કયા પ્રકારનો છે કરોડો કોષો પર તેની તાત્કાલિક અસર થાય છે જેનાથી વાઇબ્રેશન, ગરમી, પ્રેશર વગેરે ઉત્પન્ન થાય છે. અમુક પ્રકારના દિવ્યાંગ લોકો માટે સ્પર્શની ભાષાથી વાતચીત કરવાનો વ્યવહાર અકલ્પનીય સાબિત થાય છે.
કિશોરાવસ્થા અને તેમાં પણ 15 થી 16 વર્ષની ઉંમરે સ્પર્શના સેન્સરની તીવ્રતા સૌથી વધુ હોય છે. જેથી કિશોર અને કિશોરીઓની સંભાળ સૌથી વધુ રાખવી પડે છે.સ્પર્શની સંવેદના સ્ત્રીઓમાં પુરુષ કરતાં ખૂબ વધુ હોય છે. જેથી એમ કહેવું અતિશયોક્તિ નહી ગણાય કે ખૂબ ઓછી સ્ત્રીઓ હોય જેને સ્પર્શ ન સ્પર્શી શકતો હોય અને ખૂબ ઓછા પુરુષ હોય જેને સ્પર્શ સ્પર્શી જતો હોય.
સ્પર્શનું વિજ્ઞાન અદભૂત છે. કહેવાય છે કે, લાગણી અને પ્રેમ ભરેલો સ્પર્શ મરતાં માણસને પણ બચાવી લે છે. "કેમ છે દોસ્ત," બોલીને ખભા પર મુકેલો હાથ દોસ્તની તકલીફોને હળવી કરવા માટે પૂરતો સાબિત થઈ જાય છે. મૂંઝાયેલા બાળકની પીઠ પસવારીને આપેલો સધિયારો તેને આત્મહત્યા કરતો અટકાવી શકે છે. વર્ષોના રિસાયેલા પ્રેમીઓનો ગુસ્સો માત્ર એક આલિંગનથી ઓગળી જતો હોય છે તે સ્પર્શની તાકાત છે. પ્રિયજનને ભેટી પડવાથી સ્પર્શની નિ:શબ્દતા ઘણું કહી જાય છે.
Comments
Post a Comment