દુઃખનું કારણ: અસીમિત જરૂરિયાતો
દુઃખનું કારણ: અસીમિત જરૂરિયાતો
જન્મી ને મરી જવું બસ એટલી જ વાત છે,
એમાં તો માનવીને કેટલી પંચાત છે.
મનુષ્ય આ પૃથ્વી પર આદિમાનવ સ્વરૂપે અવતરીત થયો ત્યારથી આજ સુધી સતત પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને નવી નવી શોધ કરતો રહ્યો છે. જેને કારણે જીવન સરળ બનતું ગયું છે. આવી જ અગત્યની શોધ એટલે અગ્નિ અને ચક્ર.જેની શોધને કારણે મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ જ રીતે વીસમી સદીની મહત્વની શોધ એટલે કમ્પ્યુટર જેના દ્વારા મનુષ્યે એક નવી જ ઊંચાઈ સર કરી અને ઇન્ટરનેટે તો એ ઊંચાઈને એવરેસ્ટ જેટલું કદ આપી દીધું.
નવી શોધો એટલે નવી વસ્તુઓ, નવો વપરાશ પ્રાપ્ત કરવાની ઝંખના. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એટલા માટે જ જરૂરિયાતો ધીરે ધીરે સંગ્રહખોરીમાં પરિવર્તિત થવા લાગી. જેને મહત્વની જરૂરિયાત, રોકાણ જેવા સુંદર નામ આપી અને માણસ જીવવા લાગ્યો. આ જરૂરિયાતો ધીરે ધીરે આદત, નશા અને વળગણમાં પરિવર્તિત થવા લાગી. વળગણ અને નશો એવી બાબત છે કે જે હંમેશા અનિવાર્ય જ લાગે પરંતુ અંતે તો છ ફૂટની જગ્યા સિવાય કંઈ જ સાથે નથી આવવાનું એ બધું સમજવા છતાં આ પ્રક્રિયા જીવનભર સમગ્ર વિશ્વનાં લોકો કરી રહ્યા છે.
જરૂરિયાત એટલે શું? જેના વિના જીવન ન ચાલે તે, જે જીવનને વધુ સહેલું બનાવે તે, કે પછી જે માનવીના મનની લાલચને સંતોષે તે.
વીસમી સદીના વિશ્વવિખ્યાત સાયકોલોજીસ્ટ અબ્રાહમ માશલો માનવીના મન- જીવનને સમજી ગયા અને આ બધી માયાજાળને એક થીયરી સ્વરૂપે રજૂ કરી જેને 'માસ્લોસ થીયરી ઓફ નીડ્સ' કહેવામાં આવે છે.
આ સાયકોલોજિસ્ટના મત અનુસાર મનુષ્યના જીવનમાં પાંચ પ્રકારની જરૂરિયાત મુખ્ય છે આ જરૂરિયાતો એક પછી એક સંતોષાય તેના માટે માનવ જીવનપર્યંત પ્રયત્નશીલ રહે છે.
જેમાં સૌથી પાયાની જરૂરિયાત છે,
1) શુધ્ધ હવા,પાણી,ખોરાક મતલબ રોટી,કપડાં, મકાન. જેના વિના માનવનું અસ્તિત્વ ટકી શકતું નથી.
2)સલામતી:
ભૂખ્યો ભજન ના કરી શકે તેમ,
રોટી, કપડાં, મળ્યાં પછી મનુષ્ય એક પગથિયું આગળ વધે છે. તે પોતાના માટે મકાન બનાવે છે. લગ્ન કરે છે, કુટુંબ બનાવે છે, બચત કરે છે, રોજગાર મેળવે છે, સારું સ્વાસ્થ્ય મળે તે માટેનાં પ્રયત્નો મનુષ્ય સતત કરતો રહે છે. ભવિષ્યની સલામતી માટે રોકાણ કરે છે. બેંક બેલેન્સ વધારવાની કોશિશ કરે છે.
3)પ્રેમની જરૂરિયાત:
વ્યક્તિ તેના જીવનસાથી,કુટુંબ,મિત્રો, આપ્તજનો પાસેથી સતત પ્રેમ, આદર અને હૂંફ મળતાં રહે તેવાં પ્રયત્નો કરતો રહે છે અને જ્યારે તે નથી મળતાં ત્યારે તેના જીવન પર ખૂબ ઉંડી નકારાત્મક અસર પણ પડતી હોય છે. પ્રેમ, હૂંફ, આદર, કાળજીની ગેરહાજરી ઘણીવાર બધું હોવાં છતાં માણસની જીજીવિષાને ખતમ કરી નાખે છે.
ઘણાં વડીલો માત્ર બાળકોનો આદર, પ્રેમ અને હૂંફ ન મળવાને કારણે અકાળે મૃત્યુ પામતાં હોય છે.
4)સામાજિક જરૂરિયાત:
મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેને એકલું રહેવું ગમતું નથી એટલે પાડોશી,મિત્રો,ક્લબ,સોસાયટી,કલ્ચરલ પ્રોગ્રામ, ભોજન, સમૂહમાં થતાં તમામ કાર્યક્રમો વગેરેમાં ધીમે ધીમે સામેલ થઈ અને લોક સંપર્ક વધારવાની કોશિશ કરે છે. જેમાં કોઈ ડોકટર તરીકે, સરકારી અધિકારી તરીકે કે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ તરીકે કે પછી અન્ય કોઈ સ્વરૂપે નામનાં મેળવે છે. રોટી, કપડાં, બંગલો, બેંક બેલેન્સ, ગાડી, કુટુંબ, દોસ્તી બાદ માણસને મોહ જાગે છે સામાજિક ઓળખનો.
કોઈને કોઈ રીતે એક સામાજિક સ્ટેટ્સ મેળવવાની અને તેની સાથે જીવવાની સતત કોશિશ કરે છે. મોટી રકમનું દાન આપી, સમૂહ લગ્નો કરાવી, સામાજિક કાર્યો કરી, સમયાંતરે જરૂરિયાતમંદોને મદદ કરી, પાંજરાપોળ વગેરે જેવી અનેક સામાજિક કામગીરી કરી અને માણસ સમાજમાં નામનાં મેળવવાનો પ્રયત્ન કરે છે. ખરેખર જે તે વ્યક્તિ એવું માને છે કે, તે અન્ય માટે કંઈક કરી રહ્યો છે. હકીકત એ છે કે, તે પોતાની સામાજિક ઓળખ મેળવવાની જરૂરિયાત/ભૂખને પોષવાની કોશિશ કરતો હોય છે જેની તેને પોતાને પણ ખબર હોતી નથી. લોકોની સમાજ પાસેથી માન સન્માન મેળવવાની અપેક્ષા, પોતાની જાતને અન્ય લોકોથી ઊંચેરા બતાવવાની કોશિશ એટલે અહમને પોષવાની જરૂરિયાત.
મોંઘા ફોન, લકઝુરિયસ કાર, દાગીના વગેરે દ્વારા પણ વ્યક્તિ પોતાની છુપી જરૂરિયાતને અજાણપણે પોષતો હોય છે.
એવોર્ડ મેળવવો એ પણ આ પ્રવૃત્તિનો જ પ્રકાર છે.
મનુષ્યની આ બધી જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારબાદ તેને આ બધી બાબતો પણ સંતોષકારક નથી લાગતી. તેને હજુ પણ કંઇક જોઈએ છે.
5) સ્વયંસિદ્ધિ માટેની જરૂરિયાત:
બધું મળી ગયાં બાદ વ્યક્તિને સ્વયંસિદ્ધિની ઝંખના જાગે છે. વ્યક્તિ પોતે જે ક્ષેત્રમાં હોય અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ટોચ પર જવાનો પ્રયત્ન કરે છે અને વિશિષ્ટ સિધ્ધિ મેળવી કંઇક સાબિત કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે.
જેમકે, એક વ્યક્તિ ભણીગણી અને ખૂબ સફળ ડોકટર બની પ્રસિધ્ધિ અને પૈસો બેસુમાર કમાય છે છતાં તેને હજુ કંઇક કરવું છે એટલે તે રાજકારણમાં પ્રવેશ કરે છે. તે એવાં ભ્રમમાં છે કે અહીંથી તે હજુ કંઇક વિશેષ પ્રાપ્ત કરશે.
ઘણાં લોકો આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે. કેટલાંક
જૂના વણસંતોષાયેલ શોખને જાગૃત કરી ફરી પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. જેમાં સંગીત,નૃત્ય, ચિત્રકળા જેવાં શોખનો સમાવેશ થાય છે. કોઈ પુસ્તક લખે છે. કોઈ સમાજ સેવા કરે છે. પોતાની જાતને જાણવાં માટે વિપશ્યના સાધના કરવા જાય, કોઈ સારું પુસ્તક લખે, વૃધ્ધાશ્રમ ચલાવે, સદાવ્રત ચલાવે વગેરે.
પોતાની જાતને ઉચ્ચમાં ઉચ્ચ સ્થતિમાં લઈ જવાની કોશિશ કરે છે.
ખૂબ હવાતિયાં માર્યા પછી આ સ્થિતિમાં પહોંચનાર ઘણી વ્યક્તિઓને ધીરે ધીરે એવો અનુભવ પણ થતો હોય છે કે બધું વ્યર્થ છે અને અહેસાસ થાય છે કે, આ બધું ભેગું કરવાનો, મેળવવાનો, પ્રસિદ્ધિનો કોઈ અર્થ નથી ત્યારે જ સાચી સ્વયં સિધ્ધિની દશા પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી જરુરિયતનું એક સ્તર પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી માણસ આગળ વધી શકતો નથી.
બધું મળી ગયા પછી પણ માણસ દુઃખી શા માટે હોય છે?કારણ જીવન જીવવા માટેની પાયાની જરૂરી વસ્તુઓ તો મળી જાય છે પણ જે સ્વયં સિધ્ધિ માટેની ઝંખના છે તે પૂરી થતી નથી.
હકીકત તો એ છે કે, આ તૃષ્ણાનો કોઈ અંત નથી. માશલોએ માનવજીવનની જરૂરિયાતોને ખૂબ સમજી અને તેનું પૃથક્કરણ કર્યું પણ માનવમન અકળ છે. માત્ર ભૌતિક જરૂરિયાતો તેને ખૂબ જરૂરી લાગે છે પણ તે અંતહીન છે તે સમજવા છતાં પણ મન સમજતું નથી.
કરોડોની કાર જે સંતોષ આપે તેનાં કરતાં અનેકગણો આનંદ પ્રિયજન સાથે વિતાવેલી અમુક ક્ષણો આપી શકે છે, મિત્રને ગળે વળગીને ઠાલવેલું દુઃખ છાતી પરનો ભાર હળવો કરી દે છે તેવો સંતોષ કરોડોની કમાણી બાદ પણ ક્યારેક નથી મળતો. જીવતરની સાંજે એકમેકના સહારે ચાલતાં ભીંજાયેલા હૈયાને છેલ્લે તો પ્રેમ સિવાયની બાકીની દુનિયા વામણી જ લાગે છે.
કોઈએ સાચું જ કહ્યું છે કે,
'દોડતાં તા ત્યારે લાગતું તું એવું કે, આપણાં જેવો કોઈ સમર્થ નથી,
નવરા પડ્યાને જોયું ત્યારે,ખ્યાલ આવ્યો કે જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી...'
સોક્રેટીસે કહ્યું છે કે,
Contentment is natural wealth
Luxury is artificial poverty
જો કે આ બધું જાણવા સમજવા છતાં બહુ જૂજ લોકો હશે જે પ્રાપ્ત કરેલાં ને , વધારાનું સમજી અને ઓછામાં ઓછી જરૂરિયાતમાં જીવી નીજાનંદને પામતાં હોય.
Comments
Post a Comment