બાળકને ભણતરનો ભાર નહિ આધાર આપો
સ્વયં નાનપણથી જ એકદમ આશાસ્પદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. દરેક વર્ગમાં અવ્વલ આવતાં સ્વયં ઉપર માત્ર તેના માં - બાપ જ નહિ પણ શાળાનાતમામ શિક્ષકોની નજર હતી. સ્વયંનું સ્વપ્ન આઇ.ટી. ઇજનેર બનવાનું હતું. તેના માં બાપની ઈચ્છા હતી કે તે મેડિકલ જાય અને ન્યુરોસર્જન બને. આખરે માતા- પિતાની જીદ સામે સ્વયંને ઝૂકવું પડ્યું અને તેણે અગિયારમા ધોરણમાં બી ગ્રુપ લીધું. જો કે તેનું મન બી ગ્રુપમાં ન્હોતું લાગતું. તેને હવે ભણતર ભારરૂપ લાગવા માંડ્યું હતું. વાર્ષિક પરીક્ષા જેમ તેમ આપી અને નીટની (મેડિકલ પ્રવેશ પરીક્ષા)પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. પરીક્ષાનાં ત્રણ ચાર દિવસ અગાઉ જ અચાનક એક સવારે સ્વયં તેના નિયત સમયે જાગ્યો નહીં. માં ને એમ કે રાત્રે ખૂબ મોડે સુધી પરીક્ષાની તૈયારી કરતો હશે એટલે ઊંઘ નહિ ઉડી હોય પણ જ્યારે વધુ પડતો સમય પસાર થયો ત્યારે માં બાપને ચિંતા થઈ અને દરવાજો ખોલવાના તમામ પ્રયાસો કર્યાં પણ જ્યારે દરવાજો તોડ્યો ત્યારે દરવાજે જ ફસડાઈ પડ્યાં. એમનાં લડલાનો નિશ્ચેતન દેહ લટકતો હતો. માં બાપ તો પાગલ જેવાં થઈ ગયાં. આવતીકાલે જેને સફળ સર્જન તરીકે જોવાના સ્વપ્નાઓ સેવ્યાં હોય તેની આમ અચાનક અણધારી વિદાયે માં બાપને હતપ્રભ કરી દીધાં.
સ્વયં જતાં જતાં એક ચિઠ્ઠી લખીને ગયો હતો. "સોરી મમ્મી પપ્પા,મારે આઇ.ટી. એન્જિનિયર બનવું હતું પણ તમારા બંનેનું માન રાખવા મેં બી ગ્રુપ લીધું. એમાં મને ખૂબ કંટાળો આવતો પરંતુ હું તમને ક્યારેય કહી ના શક્યો કારણ કે હું તમારું સ્વપ્ન તોડવા નહોતો ઈચ્છતો. મને ખબર છે કે હું કે હું નીટ કલિયર નહિ કરી શકું એટલે તમને નિરાશ થતાં નહી જોઈ શકું એટલે આ પગલું ભરું છું. મને માફ કરજો." માં બાપ માથે આભ તૂટી પડ્યું. ખાલી નીટ પાસ નહિ કરી શકવાના ભયથી તેમનાં લાડલા એ આ પગલું ભર્યું??? જવાબ કોયડો બનીને રહી ગયો.
અહીઁ સ્વયં એક કાલ્પનિક કિસ્સો છે પરંતુ સ્વયં જેવા અનેક કિસ્સા વાસ્તવમાં આપણી આસપાસ રોજબરોજ બનતાં જ હોય છે. આવા પ્રકારના વાસ્તવિક કિસ્સા બનવા પાછળ ક્યારેય વિદ્યાર્થીઓના માતાપિતા, શિક્ષકોએ, શાળાઓએ ખરેખર ગંભીરતા પૂર્વક વિચાર્યું છે કે શા માટે આવું બને છે ?
આપણે ત્યાં બાળકને નાનપણથી જ માં બાપ કંઈક બનાવવા માંગતા હોય છે. જેમાં તેઓ પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂરી કરવાની કોશિશ કરતાં હોય છે. બાળકની ઈચ્છાને જાણ્યા સમજ્યા વગર કંઈક બનાવવાના સપના જોતાં મા બાપના આ સપના ક્યારે અજ્ઞાત જીદમાં પરિણામી જતા હોય છે તેની તેમને પોતાને પણ ખબર હોતી નથી. જેની અસર બાળકના કુમળાં માનસ પર દિન પ્રતિદિન થતી જતી હોય છે.બાળકમાં સમજણ આવે છે ત્યારે પણ પોતાને શું ગમે છે કે શું બનવું છે તે કહી શકતું નથી કારણ માબાપની આકાંક્ષાઓના ધસમસતાં પૂરમાં તેનાં સ્વપ્નાઓ ક્યાંય તણાઈ ગયાં હોય છે.
દસમું શરૂ થાય તે પહેલાં નવમાં ધોરણથી જ માં બાપ જાણે યુધ્ધ લડવાનું હોય તે રીતે બાળકને સુચનાઓ આપે છે અને વર્તન કરે છે.જેથી એ બે વર્ષના બિન જરૂરી સ્ટ્રેસની અસર જ્યારે તે ખરેખર અગત્યના એવાં બારમાં ધોરણમાં આવે છે ત્યારે વર્તાય છે. આ વર્ષ દરમિયાન માત્ર માં બાપ જ નહીં શિક્ષકો અને આસપાસના લોકો બાળકના મનમાં એવું ઠસાવી દે છે કે જાણે ધોરણ બારનું રિઝલ્ટ એ જ જીવન છે જેથી બાળક પણ એવું માનવા લાગે છે
કે, "બારમામાં નિષ્ફળ તો જીવન નિષ્ફળ." આ સ્ટ્રેસ એટલો ભયંકર હોય છે જેની મા-બાપ ઘણીવાર કલ્પના પણ નથી કરી શકતા હોતાં.
તેનાથી વિપરીત વાસ્તવિકતા એ છે કે માં બાપ પોતાના સપનાનો ભાર બાળકો પર પરાણે લાદી તો દે છે પણ તેને અનુરૂપ વાતાવરણ કે તૈયારી માટેની વ્યવસ્થા કરી શકતાં નથી. કારકિર્દી માટેના અગત્યના એવાં ધોરણ બારના પરિણામ માટે બાળક ઉપર અમુક સમયે સાયકોલોજીકલ પ્રેશર ખૂબ જ વધી જાય છે જેને કારણે હતાશ થયેલ બાળક આત્મહત્યાનો રસ્તો અપનાવા સુધી પણ પહોંચી જાય છે. આજે આપણે છાપું ખોલીએ છીએ અને બાળકોની આત્મહત્યાના સમાચાર અવારનવાર વાંચવા મળે છે. આવા કુમળાં માનસ પર થતાં અત્યાચારો વિશે વિચારીને હૃદય દ્રવિત થઈ જાય છે. એમ થાય છે કે, મોતને વહાલું કરવું તો કોઈને ગમતું નથી હોતું . બહુમાળી ઈમારત ઉપરથી કૂદતી વખતે, ગળે ફાંસો ખાતી વખતે , પાણીમાં ઝંપલાવતી વખતે કે ઝેરી દવા પીતી વખતે એ નિર્દોષ મન પર શું વીતતું હશે ?
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં નીટ તરીકે ઓળખાતી નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ કે જે અઘરી પરીક્ષાઓ પૈકીની એક ગણાય છે તેનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધીગયું છે. ભારત દેશમાં આ પ્રમાણ સૌથી વધુ મુંબઈમાં છે.
આ પરિસ્થિતિ ધીમે ધીમે વધી રહી છે તેનાં કારણોમાં ઘણાં પરિબળો કામ કરે છે. જેનાં બાહ્ય પરિબળોમાં માં બાપની મહત્વાકાંક્ષા અને માનસિક દબાણ. કુટુંબના અન્ય સભ્યો અને શિક્ષકો, શાળાનું કોઈ ચોક્કસ ધ્યેય કે પરિણામ માટેનું દબાણ જે પરીક્ષાના સ્ટ્રેસમાં ખૂબ વધારો કરે છે.
આંતરિક પરિબળોમાં વિદ્યાર્થી પોતે જાતેજ દબાણ અનુભવતો હોય. પોતે અતિ હોંશિયાર હોય તો સર્વોચ્ય સ્થાન પ્રાપ્ત કરવા માટેનું દબાણ અને નબળો હોય તો સતત પરિણામના ભયથી પીડાતો હોય છે. તૈયારીના અભાવને કારણે પરીક્ષાની છેલ્લી મિનિટ સુધી દબાણ, ભય અને તાણ હેઠળ હોય છે. આ સમયે એવું બને કે કોઈ ખોટું પગલું પણ ભરી લે.
અહીં વિચાર એ આવે છે કે પહેલાંના સમયમાં પણ પરીક્ષાઓ હતી બાળકો મેડિકલ , એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેની પ્રવેશ પરીક્ષા કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતાં અને પસંદગી પણ પામતાં ત્યારે આવાં જ ભય , તાણનું પ્રમાણ કેટલું રહેતું. યાદ કરીએ તો ખ્યાલ આવશે કે ઘણું ઓછું. મહેનત જરૂર કરવામાં આવતી પણ આખા ઘરનો માહોલ અત્યારે જે યુધ્ધ પહેલાંની પરિસ્થિતિ જેવો સર્જાય છે એવું ખાસ જોવા મળતું નહીં. ત્રણ ચાર ભાઈ બહેનોમાં બધાં ભણી લેતાં પણ માં બાપનો કે અન્ય કોઈમાં આટલો સ્ટ્રેસ જોવા મળતો નહિ. અત્યારની સ્થિતિમાં દરેક કુટુંબમાં મોટેભાગે એક અથવા વધીને બે બાળકો હોય છે. વિભક્ત કુટુંબ હોવાને કારણે માબાપનું કેન્દ્રબિંદુ બાળક જ હોય છે. હાલનું જીવનધોરણ એટલું બધું ઊંચું થઈ ગયું છે કે દરેકને એવો ભય સતાવે છે કે જો ભણીને કંઈક ખાસ નહિ બનીએ તો જીવન સાવ નક્કામું થઈ જશે. બસ, જરૂરિયાત કરતાં પણ કલ્પના બહારનું બધું જ પ્રાપ્ત કરવાની ઝંખનામાંથી આ તણાવનો જન્મ થાય છે. મેડિકલ, આઇ. આઇ.ટી.માં એડમિશન ન મળે અથવા કોઈ બીજો વિષય બાળક પસંદ કરે તો તે જાણે કંઈ ગુન્હો કરતું હોય તેવાં પ્રતિભાવ ઘણાં માં બાપના હોય છે. આ સિવાય વિશ્વમાં બીજા કોઈ વિષયો જ ન હોય તેવું તેમનું રીએકશન હોય છે. હકીકતમાં દરેક બાળક કોઈ ચોક્કસ ખાસિયત અને કળા સાથે જન્મેલું હોય છે. તે વિષય તેના માટે અનુકૂળ હોય છે અને બની શકે કે તે વિષય પ્રત્યેના લગાવને કારણે આપણે વિચાર્યું પણ ન હોય તેવાં ક્ષેત્રમાં તે કલ્પના બહારનું પરિણામ અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. કલ્પના કરી જુઓ કે વિરાટ કોહલીના માતા પિતાએ એને ડોકટર બનાવ્યો હોત તો ? અબ્દુલ કલામ સાહેબને એમના માતા પિતા એ ક્રિકેટર બનાવ્યા હોત તો ? તો આજે આ બે અલગ અલગ ક્ષેત્રની દિગ્ગજ વ્યક્તિઓ આપણને ન મળી હોત.
જ્યારે આજનાં કટ્ટર હરીફાઈના યુગમાં બાળકોને શાળા દ્વારા અથવા બહારથી કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે તો ત્યારે ઘણાં બાળકોને હતાશામાંથી ઉગારી શકાય છે, પણ આ બાળક ઘરે જ્યારે પાછું ફરે અને ઘરે ફરી એજ તંગ વાતાવરણ હોય તો કાઉન્સેલિંગનો કોઈ મતલબ રહેતો નથી. જેથી ખરેખર તો બહારના કાઉન્સેલિંગ કરતાં માં બાપ દ્વારા થતું કાઉન્સેલિંગ શ્રેષ્ઠ અને પરિણામલક્ષી સાબિત થાય છે. માં બાપની જાગૃતિ ખૂબ જરૂરી છે છેલ્લી ઘડીએ જાગવાને બદલે બાળક પર માત્ર શાંતિથી ધ્યાન આપવામાં આવે, તેના વર્તન વ્યવહાર પરથી તેની અંદરની વ્યથાને પારખી શકાય છે પણ તેના માટે જરૂરી છે ધીરજ અને સતત અવલોકન. બાળકની તંદુરસ્તી જળવાય તેવો સાત્વિક ખોરાક આપવાની કાળજી રાખવી જોઈએ. પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે જેને કારણે તેનું તન-મન સ્વસ્થ રહે છે. બાળકનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભલે પંદર મિનિટ પણ ધ્યાન યોગ પ્રાણાયમ કરાવવામાં આવે તો તેની અસર બહુ ઊંડી અને દૂરોગામી પડે છે જે સમયનો વ્યય નહિ પણ લાંબા ગાળાનું રોકાણ સાબિત થાય છે, જે તેની તનદુરસ્તી સાથે મનદુરસ્તી પણ જાળવી રાખે છે. બાળક પોતાની માનસિક વ્યથા વિશે ખુલીને વાત કરી શકે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે.
આપણું જાગૃત મન સૂતાં પહેલાં ધીમે ધીમે નિષ્ક્રિય થાય છે અને અર્ધ જાગૃત મન વધુ સક્રિય થાય છે તેની વચ્ચેનાં સમયગાળામાં ચોક્કસ પ્રકારની પદ્ધતિથી સૂચનો આપવામાં આવે તો તેની ઊંડી અસર થાય છે. જેથી બાળકને રાત્રે સૂતાં પહેલાં અર્ધજાગૃત મનને સંદેશ આપવાની તાલીમ આપવામાં આવે તો ખૂબ સારાં પરિણામો મેળવી શકાય છે.
જેમાં, ' હું જે અભ્યાસ કરું છું તેમાં મને ખૂબ આનંદ આવે છે.'
' બધાં વિષયો મને ખૂબ સહેલાં લાગે છે અને હું તેને ખૂબ સારી રીતે સમજી શકું છું.' આ સિવાય પણ જરૂરી હોય તેવાં આદેશ જાતે તૈયાર કરી અને અર્ધ જાગૃત મનને આપી શકાય.
જીવનમાં કુદરત પાસેથી જે શીખવા મળે છે એ અન્ય કોઈ જગ્યાએથી નથી મળતું. આપણે એક નાના વૃક્ષના રોપાનું ઉદાહરણ લઈએ તો એ રોપાને એક વખત રોપ્યાં પછી આપણે એના મૂળ કઇ તરફ જશે એ વૃક્ષ નક્કી નથી કરતું કારણ કે, એના મૂળ તો જે તરફ થોડી પોચી અને ભીની જમીન હશે એ તરફ જ જશે અને મોટું વૃક્ષ બનશે. એટલે બાળકને પણ એક વખત રોપીને એને અનુકૂળ હોય તે તરફ તેના મૂળને વિક્સવા દઈશું તો એ ચોક્કસ એક દિવસ ઘટાટોપ વૃક્ષ બનશે.
બાળક આપણું કહેવાતું કંઇક બને તે કરતાં અનેકગણું મહત્વનું છે તે મુકતમને જીવી શકે , પોતાની વ્યથા કોઈની પાસે ઠાલવી શકે, પોતાની પસંદગી કોઈ ડર વગર રજૂ કરી શકે. કંઇક તો એ પછી બનશે પહેલાં તેને એક માણસ તરીકે જીવવાનો જોશ, હિંમત અને આનંદ પૂરો પાડીએ તો તેને આ દુનિયામાં લાવ્યાનું સાર્થક થશે.
બાકી આપણી ઈચ્છાઓના ટોપલાં કુમળા માનસ પર થોપવાથી ક્યાંક એવું ન બને કે.....
जिंदगी मौत ना बन जाएं,संभालो यारो।
Comments
Post a Comment