ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ (ભાગ:3) અંતિમ
અમી દોશી
તા.18 જાન્યુ.2023
રાજકોટ
ધોળાવીરા જવાનો વિચાર આવે એટલે તરત જ એમ થાય કે જેમને આર્કિયોલોજીકલ સાઈટ જોવામાં રસ હોય તે લોકો જાય. બાકી છેક છેવાડાનાં પ્રદેશમાં આટલા બધાં કિલોમીટરની મુસાફરી કરી અને માત્ર પથ્થર જોવાં શું જવાનું?
તો મિત્રો, હું જણાવીશ કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ આપણું ધોળાવીરા એ માત્ર નિર્જીવ પથ્થરો નહીં, પરંતુ, હજારો વર્ષ અગાઉની જીવતાંજાગતાં, અતિ હોંશિયાર, બુદ્ધિશાળી લોકોની સંસ્કૃતિ હતી.
જો તમે આર્કિયોલોજીકલ સાઈટના ચાહક નથી, પરંતુ તમને કુદરતી સૌંદર્યને માણવાનો શોખ છે, તો પણ તમારે ધોળાવીરા જરુર જવું જોઈએ. તમને કલાકો સુધી એકદમ સુમસામ રોડ અને રોડની બંને તરફ ફેલાયેલી કુદરતી સંપદા(વિશાળ રણ)ને અનિમેષ નજરોથી નિહાળવાનો શોખ છે, તો તમે આ પ્રવાસને એક સુંદર ડ્રાઈવ તરીકે પણ માણી શકો.
પૂનમની રાતે ચાંદનીની સાખે રણના અફાટ સૌંદર્યને કોઈના સથવારે હૃદયમાં ઉતારી લેવાની ઈચ્છા છે, તો પણ તમે ધોળાવીરા જઈ શકો. જેમાં ચાંદની રાત, મિત્રોનો સાથ, સંગીતની જમાવટ ઘણું બધું હોઈ શકે. અહીં સમયની કોઈ પાબંદી નથી.
સૂર્યોદયના શોખીન વહેલી સવારનો આનંદ માણી - નિહાળી શકે,અને સૂર્યાસ્ત માટે ઢળતી સાંજે ભંજીયા ડુંગરને ઘેરી વળેલા રણનાં વિશાળ દરિયાની સાક્ષીએ, સુરખાબોની મસ્તી સાથે સંધ્યાની લાલિમાને માણી શકાય.
અહીં શું નથી?? અહીં બધું જ છે.જરૂર છે માત્ર એ નજરની.
અહીં પહાડ છે, દરિયો છે, મીઠાનું અફાટ રણ છે. અહીં ડેઝર્ટ ફોરેસ્ટ પણ છે અને ફ્લેમિંગોનું ઘર પણ છે. અહીં 18 કરોડ વર્ષ જૂના અશ્મિઓ ફોસિલ પાર્કમાં સચવાયેલાં છે.
ભારતીય ટીમ અને એક ફ્રેન્ચ સંશોધક અનુસાર રાપરના પ્લાસ્વા ગામમાં મળેલા પ્રાણીઓના દાંત, હાડકાં, પાંસળીઓ અને અશ્મિઓના આધારે હાલના કચ્છના ગરમ રણપ્રદેશમાં કરોડો વર્ષ પહેલાં ભેજવાળા ઉષ્ણકટિબંધના જંગલો હશે. જેમાં અનેક પ્રજાતિના પક્ષીઓ, મીઠાં પાણીની માછલીઓ, જિરાફ અને રાઈનો, હાથી અને મોટાં મગરો જેવાં પ્રાણીઓ વસવાટ કરતાં હશે.
હવે વાત કરીએ ધોળાવીરા પહોંચવાની. જેમને અમદાવાદ, રાજકોટ તરફથી જવાનું થાય તેઓ કચ્છના સામખીયાળીથી રાપર થઈને જઈ શકે. રાજકોટથી ધોળાવીરાનું અંતર 260 કિમી છે પણ લગભગ 5 થી 6 કલાક અને અમદાવાદ તરફથી આવતાં 7 કલાક જેટલો સમય લાગે છે. બ્રેક જર્ની કરવી હોય તો સામખીયાળી, રાપર, રવેચી, રતનપરમાં પણ થઈ શકે.
ધોળાવીરામાં ત્રણ રિસોર્ટ છે.(નેટ પર માહિતી છે જ)
1) ધોળાવીરા ટુરિઝમ રિસોર્ટ (અલગ અલગ કેટેગરીના 65 રૂમ છે) 2000, 3600, (4000 ટેન્ટ) 4800, 5000 અને 6500.
રિસોર્ટ સંપર્કસૂત્ર 9726654443
2) રણ રિસોર્ટ (Rann Resort) (5000- અને 5500-)
3) રામ રિસોર્ટ
4) હોમ સ્ટે
મોટાભાગના ટુરિસ્ટ અહીં એક દિવસ માટે અથવા થોડા કલાકો માટે આવતાં હોય છે. કેટલાંક ફરજિયાત નાઈટ સ્ટે કરે છે, તો કેટલાંક વ્યવસ્થિત આયોજન કરીને રોકાય છે.
ધોળાવીરાથી આશરે 30 કિમી પહેલાં ખડિરનું રણ શરૂ થાય છે, તે પછી રતનપર ગામ આવે છે. અહીં એક શાળાકીય ટ્રસ્ટનો ફ્લેમિંગો રિસોર્ટ છે, જેનું રૂમનું ભાડું 2500 છે. ઉપરના તમામ ટેરિફમાં બે વ્યક્તિનો સ્ટે, બે ટાઇમનું ભોજન અને સવારના નાસ્તાનો સમાવેશ થાય છે. (જીએસટી અલગ હોય છે.) રાપરથી 10 કિમી ધોળાવીરા તરફ આવતાં રવેચી ગામ આવે છે ત્યાં જૈન સેનેટરિયમ ખૂબ સરસ છે. ત્યાં પણ રોકાઈ શકાય.
હવે વાત આવે છે ફરવાની. રાપરથી ધોળાવીરા તરફ જતાં 60 કિમી આસપાસ ખંડીરનું રણ શરૂ થાય છે. જે અત્યારે એકદમ સુકાઈ ગયું છે. જેથી આરામથી સફેદ રણનો આનંદ લઇ શકાય. આ રસ્તે જો દિવસ દરમિયાન જઈએ તો જ રસ્તાની સાચી મજા મળે. બે-ત્રણ જગ્યાએ રોડ સાઈડમાં ગાડી પાર્ક કરી રણમાં ઊતરી શકાય તેવું છે. બાકી ગમે ત્યાંથી રણમાં કૂદકો મારીને તો ઉતરી જ શકો છો. આ રણ એકદમ સફેદ અને ગંદકી વગરનું હોવાથી અદ્ભુત લાગે છે. તેમાં મજા આવે ત્યાં સુધી અંદર જઈ શકાય છે. એટલે, ધોળાવીરા પહોંચતાં પહેલાં અને છોડ્યા પછી પણ વધારાના આનંદ તરીકે આ રણને માણી શકાય છે. બસ તમારી પાસે સમય હોવો જોઈએ...
ધોળાવીરા ગામની 5 કિમી પહેલાં જમણી તરફ ગામનું પ્રવેશદ્વાર આવે છે. સીધાં જઈએ તો 'રોડ ટુ હેવન' અને જમણી બાજુ વળી જઈએ તો 5 કિમી બાદ ધોળાવીરા ગામ. ગામમાં પ્રવેશતાં જ પીળાં પત્થરોનું વિશાળકાય પ્રવેશદ્વાર આપણું સ્વાગત કરે છે, જે આપણને ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. ત્યાંથી ગામ પૂરું થાય ત્યાં સુધી બંને તરફની પીળા પત્થરની દીવાલો મનને રોમાંચિત કરી દે છે. ગામ પૂરું થતાં દોઢ કિમીમાં ધોળાવીરા ટુરિઝમ રિસોર્ટ આવે છે. જેનાં 300 મીટર બાદ ધોળાવીરા આર્કિયોલોજિકલ સાઈટ.
આ સાઈટ અને મ્યુઝિયમ બાદ 8 કિમી પર ફોસિલ પાર્ક અને સનસેટ પોઇન્ટ આવેલાં છે.
ફોસિલ પાર્ક એ 18 કરોડ વર્ષ પહેલાં વૃક્ષોને કોઈ પણ રીતે ઓક્સિજન ન મળતાં તેનું પથ્થરમાં રૂપાંતર થઈને અશ્મિ સ્વરૂપમાં ફેરવાઈ ગયું હશે. આજથી 19 કરોડથી 14 કરોડ વચ્ચેનો સમયગાળો એટલે જુરાસિક યુગ. આ સમયનું 30 ફૂટ લાંબુ અને 3 ફૂટના વ્યાસવાળું અને લાકડાંમાંથી પથ્થરમાં પરિવર્તિત થયેલાં વૃક્ષના અશ્મિ વર્ષ 2007 માં મળી આવ્યાં, જેની માહિતી વનવિભાગના એક કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. આવાં જ અશ્મિ રાજસ્થાનના જેસલમેરમાં પણ મળી આવ્યાં છે.
આ અશ્મિપાર્કને વનવિભાગ દ્વારા ખૂબ સુંદર રીતે વિકસાવવામાં આવ્યો છે. મારું માનો તો અહીં બે ત્રણ કલાક તો જરૂર પસાર કરવાં જોઈએ. સામે રણમાં ભરાયેલાં પાણી સ્વરૂપે દેખાતો શાંત દરિયો, સુંદર મજાનો વોક વે, બેસવાની વ્યવસ્થા, વોચ ટાવર અને નાનકડું તળાવ જેવું વોટર બોડી. ફોસિલ પાર્કમાં જતી વખતે જુરાસિક સમયના પ્રાણીઓના સ્કલ્પચર તમને આવકારે છે. અહીં શાંતિથી સમય પસાર કરી અને લગભગ 5 વાગ્યાની આસપાસ અહીંથી માત્ર એક કિલોમીટર દૂર ભંજીયા ડુંગરની આસપાસ વિશાળ રણના મેદાનમાં સંધ્યા ક્ષિતિજમાં ઓગળી જતી જોવાની અલભ્ય મજા છે.
અમે બપોરે મ્યુઝિયમ જોઈ અને તરત જ ફોસિલ પાર્ક ગયેલાં ત્યાં આરામથી સમય પસાર કરીને રિસોર્ટ પર આવી જમી અને સૂઈ ગયાં. સાંજે પાંચ વાગ્યે સનસેટ પોઇન્ટ પર જવા નીકળી પડ્યાં. શું અદ્ભુત નજારો.... પાણી ભરેલું દરિયા જેવું લાગતું મીઠાનું રણ વચ્ચે ઊભેલો ભંજીયો અટલ-અડગ.
ચારે બાજુ સેલ્ફીની ભરમાર લાગેલી હતી. લોકો રિલ્સ બનાવતાં હતાં અને આનંદ લૂંટતા હતાં. ખૂબ ઓછા પ્રવાસીઓ હોવાને કારણે બહુ મજા આવી. સૂર્યાસ્તની સાથે કિનારા પરના મંદિરની આરતીનો ઘંટારવ અજબ પ્રકારની શાંતિની અનુભૂતિ કરાવતો હતો. સ્વચ્છ આકાશને કારણે સૂર્યને ધરતીમાં સમાઈ જતો જોવાની મજા કંઇક ઓર જ હતી.અમે પણ આ યાદોને કેમેરામાં કાયમને માટે સમાવી લીધી અને રિસોર્ટ પર પરત ફર્યાં.
કડકડતી સવારે 5.30 ના શરૂ થયેલો અમારો દિવસ રાતે 9 કલાકે તો રજવાડી ભૂંગાની અંદર પૂરો પણ થઈ ગયો. બીજે દિવસે સૂર્યોદયનો નજારો જોવા "રોડ ટુ હેવન" ની ડ્રાઇવ પર જવાનું હતું.
સવારે 7 વાગ્યે તૈયાર થઈ અમે નીકળી પડ્યાં."રોડ ટુ હેવન" પરની નીરવ શાંતિ વચ્ચે સૂર્યોદયને મન ભરીને નિહાળ્યો. લગભગ 20 કિમી સુધીની ડ્રાઇવ એન્જોય કરી, ખૂબ ફોટોઝ ક્લિક કર્યાં. લગભગ 9 વાગ્યે રૂમ પર આવી, નાસ્તો કરીને 10 આસપાસ વાગે રાજકોટ પરત જવાં તૈયાર થઈ ગયાં.
ધોળાવીરા અને ધોરડો(રણોત્સવ)ને જોડતો "રોડ ટુ હેવન" તરીકે ઓળખાતો રણની વચ્ચેનો આ રસ્તો 31 કિમી લાંબો છે. ત્યાર બાદ ગામડા શરૂ થઈ જાય છે. ટૂંકમાં ધોળાવીરાથી ધોરડો અરસપરસ જવા માટેનો રસ્તો 85 કિમી છે, જ્યાં અગાઉ 300 કિમી ફરીને ભુજથી જવાતું હતું.
'રોડ ટુ હેવન' ખરેખર તેના નામ જેવો જ છે. બંને તરફ રણ, રણ, રણ. સવારે જાઓ તો સનરાઈઝ અને સાંજે જાવ તો સનસેટ. મિત્રો આ સમયને ધ્યાનમાં રાખીને ડ્રાઇવ પર જજો. ખૂબ મજા આવશે.
રિસોર્ટથી એકદમ નજીક લગભગ 3 કિમી પર ડેઝર્ટ ફોરેસ્ટમાં ફૂલ મૂન પોઇન્ટ આવેલો છે. જ્યાં ચાંદની રાતે બેસવાની મજા કંઇક અનેરી છે. રસ્તાની બંને તરફ બાવળ, રસ્તા પર પથરાયેલી રેતી, આમતેમ દોડતા કુંજના ટોળાં અમારી ગાડીનો આવાજ સાંભળી અને ડિસ્ટર્બ થયાં એટલે ગાડી ઊભી રાખી આરામથી તેમને મજા કરતાં જોવાનો લહાવો લીધો. બસ પરત ફરવાનો સમય થઈ ગયો હતો એટલે ધીરે ધીરે જંગલની બહાર નીકળીને રાજકોટની વાટ પકડી લીધી.
આગલે દિવસે 9 વાગ્યાથી બીજે દિવસે 11 એટલે કે છવીસ કલાકમાં કંઈકેટલીયે સદીઓનો પ્રવાસ કરી લીધો. મન હજુ એ દુનિયાની આસપાસ ફરતું હતું. એમ કાંઈ થોડું ભૂલી શકે? આ તો મન હતું.
રસ્તામાં 140 આયરાણીઓએ જ્યાં કૃષ્ણ રાસમાં તલ્લીન થઈ અને પોતાના પ્રાણ ત્યાગી દીધેલાં, જેના પરથી ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું નિર્માણ થયું છે, તેવાં વ્રજવાણી ગામ અને ત્યાંના ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી. બહુ સુંદર જગ્યા છે.રણની વચ્ચે લીલીછમ, શિતળ છાયા આપતું વિશાળ સંકુલ.
ત્યાંથી નીકળીને રવેચી ગામમાં સુંદર મજાના તળાવના કિનારે આવેલાં રવેચી મંદિરના દર્શન કરી, રાજકોટની વાટ પકડી સાંજે સીધા રાજકોટ....
ઘરે તો પહોંચી ગયાં પણ યાદોની સાથે મનને તો હજુ ત્યાં જ છોડી આવ્યા હોય તેમ લાગે છે.
મિત્રો,મારી આંખે આપ બધાંએ પણ આ પ્રવાસ કર્યો, ઘણું બધું મારી આંખે નિહાળ્યું અને માણ્યું તે બદલ અને આપ સર્વે એ આપેલાં જબરદસ્ત પ્રતિભાવ બદલ નત મસ્તક છું.ફરી ક્યારેક ,ફરી કોઈ પ્રવાસે આવી જ રીતે સાથે મજા કરીશું.
અસ્તુ.
@અમી દોશી.
*તા. ક.*
ફેબ્રુઆરી 2023માં જી - 20 ની સમિટ અહીંયા યોજાવાની હોવાથી તમામ સરકારી કાર્યો યુધ્ધના ધોરણે ચાલે છે.તમારે જવું હોય તો 10 ફેબ્રુઆરી પછી જવું હિતાવહ છે. ત્યાં સુધી મ્યુઝિયમ રીનોવેશનનું કામ પણ પૂરું થઈ ગયું હશે.(16 જાન્યુ થી મ્યુઝિયમ બંધ કર્યું છે)"રોડ ટુ હેવન" પણ આખો બની ગયો હશે. તમામ રસ્તાઓ નવા બની ગયાં હશે.
બસ એક જ અનુરોધ છે કે, સૂર્યોદય, સૂર્યાસ્ત અને ડ્રાઇવ અને રણનો આનંદ લેવાનું ચૂકશો નહિ.
અદભુત ! વર્ણન ખૂબ સચોટ જાણે કે સ્વયં ધોળાવીરાની સફર કરતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે.
ReplyDeleteઆપના જેવાં વાચકોને કારણે પ્રેરણા મળતી રહે છે.
Delete