ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ (ભાગ:2)
અમી દોશી
તા.17 જાન્યુ.2023
રાજકોટ
ગતાંકથી ચાલુ...
આજના ટેકનોલોજીના યુગમાં આખું વિશ્વ આંગળીના ટેરવે છે ત્યારે કોઈ પણ માહિતીને લેખ સ્વરૂપે વાંચવામાં લોકોને બહુ ઉત્સુકતા કે જિજ્ઞાસા રહી નથી પરંતુ કેટલીક બાબતો અનુભવવાની હોય છે અને આ ઉંડાણપૂર્વકનો અનુભવ તેને જે તે સમયમાં અચૂક લઈ જાય છે.
પુરાતત્ત્વવિદ અનુસાર ધોળાવીરાનો ઇતિહાસ 5,000 હજાર વર્ષ જૂનો છે. જેને ઇજિપ્તના પીરામિડ કરતાં પણ જૂનો કહી શકાય. હજારો વર્ષ પહેલાં ખડીર દ્વીપની ફરતે દરિયો આવેલો હશે, જે પ્રાકૃતિક આપદાઓને પરિણામે કાળક્રમે રણમાં પલટાઈ ગયો હશે.
ઈ. સ. 1967-68માં પુરાતત્ત્વ વિભાગ દ્વારા અધિકૃત થયેલી આ સાઈટ લગભગ 20 વર્ષ સુધી વણસ્પર્શી રહી અને 1989થી ખોદકામ શરૂ થયું. લગભગ પંદર વર્ષ સુધી ચાલેલા ખોદકામ દરમિયાન મળેલી સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દીધું.
આપણે જાણીએ જ છીએ કે માનવ વસવાટ ત્યાં જ વિકસિત બને જ્યાં કાયમી વહેતી નદી હોય અથવા ચોમાસું નદીઓમાંથી વરસાદી પાણીનો પૂરતો સંગ્રહ થઇ શકતો હોય અથવા ઉદ્યોગો હોય.
જ્યારે આ વિસ્તાર સમુદ્રમાં હશે ત્યારે ખડીર એક બેટ સ્વરૂપે હશે અને ધોળાવીરા હશે એકદમ ધમધમતું બંદર, જે વિશ્વના દેશો સાથે જોડાયેલું હશે.
આજે પણ વરસાદના સમયે પાણી ભરાવાને કારણે ખડીર બેટ ભારતની ભૂમિથી અલગ થઈ જાય છે. તેની આસપાસ ભરાયેલું પાણી ગરમીમાં વરાળ બનીને ઉડી જાય છે અને બને છે વીસ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું વિશ્વનું મોટામાં મોટું મીઠાનું રણ.
દરિયા કિનારે વસેલું આ બંદર એટલું સમૃદ્ધ હશે જેને કારણે જ લોકો અહીં વસવાટ કરવા પ્રેરાયા હશે, પણ મુખ્ય સવાલ હશે મીઠાં પાણીનો. જો કે તેનો પણ આબાદ ઉપાય અહીં જોવા મળે છે.
ધોળાવીરાની સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ ઉડીને આંખે વળગે તેવી અદ્ભુત છે.
1) નગર રચના
2) જળ સંગ્રહ રચના
3)ટેકનોલોજીનો ઉપયોગ.
ચોરસ સ્વરૂપે વિસ્તરેલું અને 120 એકરમાં ફેલાયેલું અને રહસ્યમય નગરી તરીકે ઓળખાતું શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે, 'કોટડા ટિંબા'. ધોળાવીરાનો અર્થ થાય છે 'સફેદ કૂવો,', જ્યારે અંગ્રેજીમાં આ નામની સુંદર વ્યાખ્યા છે. Waterholes in a river with a white sand bed'.
ધોળાવીરા ત્રણ ભાગમાં વિભાજીત નગર છે. ઉચ્ચવર્ગનો વસવાટ (દુર્ગ-કિલ્લો સિટાડેલ), મધ્યમવર્ગનો વસવાટ (મિડલ ટાઉન) અને નીચલાવર્ગનો વસવાટ ( લોઅર ટાઉન). સમગ્ર નગરની સંરચનાનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે તેમને તે સમયે વાસ્તુશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. આજના યુગમાં પણ આદર્શ નગરરચના આવી જ હોય છે.
નગરની ફરતે વિશાળ દીવાલ હોવાના અવશેષો જોવા મળે છે. જેમણે આ નગરના ઉત્ખનનની પ્રક્રિયામાં પુરાતત્ત્વ ટીમ સાથે લગભગ 15 વર્ષ સુધી કાર્ય કર્યું, તે આ ગામના નિવાસી એવા જયમલ ભાઈ મકવાણા કહે છે, 'હું એક એક પથ્થરનો સાક્ષી છું. અહીંની કિલ્લાની પહોળી દીવાલોની બન્ને તરફ એક એક મીટરની પત્થરની દીવાલ છે. બાકી અંદરની તરફ કાચી માટીની ઈંટો ભરેલી છે અને કાચી માટીની ઈંટોની સભ્યતા પાકી માટીની ઈંટોની સભ્યતા કરતાં પણ જૂની છે. મતલબ ધોળાવીરાની સભ્યતા મોંહે જો ડેરો કરતાં પણ જૂની હોઇ શકે.'
નગરનો મુખ્ય રોડ નવ મીટર પહોળો, અંદરના રોડ પાંચ મીટર પહોળા અને ગલીઓમાં ઘરની વચ્ચે દોઢ મીટરનું અંતર જોવા મળે છે. નગરના ઘર ચોરસ આકારના, એક લાઈનમાં અને કાટખૂણે જોવાં મળે છે, જે કાળક્રમે અન્ય લોકો દ્વારા ગોળાકાર પણ બનાવેલા જોવાં મળે છે. નગરની ત્રણ તરફ દરવાજા જોવા મળે છે, જેમાં મુખ્ય દરવાજો ઉત્તર તરફ છે, જેના પર એક દસ ફૂટનું જીપ્સમના અક્ષરોથી લખેલું બોર્ડ જોવા મળે છે. તેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. પુરાતત્ત્વવિદો એવું માને છે કે તે મુખ્ય દરવાજા ઉપર લગાવવામાં આવતું નગરના નામનું ઓળખ ચિહ્ન હોઈ શકે.
કિલ્લાની ઉત્તરે ખૂબ જ મોટું મેદાન (47 મીટર પહોળું અને 283 મીટર લાંબું) જોવા મળે છે, જેનો ઉપયોગ સામૂહિક સમારંભ, ખેલ કે બજારના રૂપે કરવામાં આવતો હશે તેવું માનવામાં આવે છે. અહીં દસ હજાર લોકોને સમાવી શકે તેવું વિશાળ સ્ટેડિયમ પણ છે.
અહીં કોઈ પ્રકારના મંદિર કે દેવી-દેવતાની મૂર્તિ કે અવશેષો જોવા મળતાં નથી. જેથી એવું માનવાને કારણ છે કે તેઓ પ્રકૃતિની પૂજા કરતાં હશે.
મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર, દફનવિધિ, પારસીની જેમ અંતિમક્રિયા કે જળસમાધિ. આ ચાર વિધિ પૈકી અહીં ચોથી ક્રિયા થતી હોય તેમ માનવામાં આવે છે. કારણ, એક શબને બાદ કરતાં અહીં કોઈ શબ કે કંકાલ કે એના કોઈ અવશેષો મળી આવ્યા નથી.
ધોળાવીરાની ઉત્તરે મનહર નદી અને દક્ષિણે મનસર નામની ચોમાસુ નદીઓ આવેલી હતી. જેને કારણે મીઠાં પાણીનો સ્રોત આ નદીઓ મારફત માત્ર ચોમાસા પૂરતો જ ચાલુ રહેતો. જેથી ધોળાવીરાવાસીઓએ પાણીના સંગ્રહ માટે નગરની ફરતે વિશાળ જળાશયો બનાવેલાં.
નગરમાં પૂર્વ તરફથી પ્રવેશ કરીએ એટલે તરત જ ખૂબ મોટા જળાશયો જોવા મળે છે, જે નગરની ફરતે આવેલાં છે. એકબીજા સાથે જોડાયેલાં હોવાને કારણે નગરમાં અલગ-અલગ જગ્યાએ પાણી પહોંચાડી શકાય. પાણીનું ફિલ્ટરેશન થઈ શકે તેવી અદ્ભુત ઇજનેરી ટેકનીક આ નગરમાં જોવા મળે છે.
આટલાં બધાં જળાશયો હોવાને કારણે એવું ચોક્કસપણે માની શકાય કે અહીંના લોકો પાસે પાણી માટે માત્ર વરસાદી પાણીનો જ આધાર રહ્યો હશે , જેને તેઓ સંગ્રહ કરી અને વપરાશ કરી રહ્યાં હતાં. વરસાદ પણ અનિયમિત પડતો હશે.
જ્યારે દુષ્કાળ પડતો હશે ત્યારે લાંબો સમય સુધી પાણીની મુશ્કેલી સહેવી ન પડે તે માટે રસ્તા પરનું પાણી હોય કે કિલ્લાની દિવાલ પરનું, પાણીનું એક એક ટીપું જાળવવાની અકલ્પ્ય વ્યવસ્થા અહીં જોઈ શકાય છે.
લગભગ 1,500 વર્ષ સુધી આ નગરરચના ખૂબ સુંદર રીતે જળવાયેલી રહી. તેનું મુખ્ય કારણ અહીંની વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે વરસાદી પાણીનું સંગ્રહ કરવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા હશે.
અહીંની જમીન એકદમ પથરાળ હોવા છતાં એ પથ્થરોને કાપીને ત્યારના લોકોએ આ જળાશયોનું નિર્માણ કર્યું છે. નગરની ફરતે 16 જેટલાં જળાશયો જોવા મળે છે. જેમાં લગભગ અઢી લાખ ઘનમીટર પાણીનો સંગ્રહ થઈ શકતો હતો.
નગરની ફરતે બનેલાં આ જળાશયો અને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અદ્ભુત ટેકનોલોજી એવું પોકારી પોકારીને કહે છે, 'જળ એ જ જીવન છે '.પાણીના છેલ્લા બિંદુનો પણ વ્યવસ્થિત સંગ્રહ કરો તો જ માનવજીવન શકય છે. આજના જમાનામાં પણ આ બાબત એટલી જ પ્રસ્તુત છે. જો આપણે પાણીનું મહત્ત્વ સમજીએ તો....
વરસાદના સમયે મનહર નદીના પાણીમાંથી નહેર દ્વારા જળાશયોને ભરવામાં આવતાં. જળાશયો એકબીજાં સાથે જોડાયેલાં હોવાથી કુદરતી રીતે જ પાણીનું ફિલ્ટરેશન થતું અને આ પાણી કિલ્લાની અંદર આવેલા કૂવા અને વાવમાં જમા થતું જ્યાંથી લોકો તેનો ઉપયોગ કરી શકતાં. ભારે વરસાદના સમયે વધારાના પાણીના નિકાલ માટે પણ સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થાની રચના કરવામાં આવી હતી. અહીંના જળાશય મોહેંજો ડેરોના સ્નાનગર કરતા ત્રણ ગણા મોટા જોવાં મળે છે.
અહીંના લોકો વરસાદી પાણીમાંથી ખેતી કરતા હશે અને ખેતીની ઉપજને હજારો કિલોમીટર દૂર મેસોપોટેમિયા સુધી દરિયાઈ માર્ગે પહોંચાડતાતાં હોવાના પણ પ્રમાણ મળી આવ્યા છે. ધોળાવીરામાં જોવા મળતા મણકા મેસોપોટેમીમિયામાં પણ જોવા મળ્યા છે, જે બંને સ્થળો વચ્ચેના વેપારનું પ્રમાણ કહી શકાય.
ધોળાવીરાના ઉત્ખનનમાંથી માટીના વાસણો, મૂર્તિ, મણકા, પ્રાણીઓની આકૃતિઓના, સોના, ચાંદી અને છીપના આભૂષણો અને મહોર પર છપાયેલાં બળદ, ગેંડા અને અન્ય જાનવરોનાં ચિહ્નો પણ જોવા મળે છે. અહીંથી તાંબા અને કાંસામાંથી બનેલા હથિયારો અને વાસણો પ્રાપ્ત થયેલ છે, જેમાંથી ઘણી વસ્તુઓ અહીંના મ્યુઝિયમમાં જોવા મળે છે.
હાલ ધોળાવીરામાં આતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે.
ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ.સ. પૂર્વે 1800માં આ નગરનો વિનાશ થયો હશે, જેનું કારણ ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે.
કાર્બન ડેટિંગ ટેકનોલોજીને આધારે જાણી શકાયું છે કે આ નગર સાત વખત વસી અને સાત વખત લુપ્ત થયું હશે. દરેક સંસ્કૃતિની પોતાની આગવી શૈલી, સમજણ, આવડત, કળા અને સમય અનુસાર ફેરફાર થતાં ગયાં અને સમય સાથે દફન થતાં ગયાં.
સમય સાથે આ નગર લુપ્ત થઈ ગયું. તેની સાથે તેમની ટેકનીક, કળા, લિપિ, ઇજનેરી આવડત, બધું જ લુપ્ત થઈ ગયું.
બધા જ પ્રશ્નોના જવાબ આ સંસ્કૃતિ સાથે જ દફન થઈ ગયા, જેનો આજ સુધી કોઈ જવાબ મળી શક્યો નથી.
આજથી 5,000 વર્ષ પહેલાં સમુદ્ર કિનારે લગભગ 120 એકરમાં વસેલું કોઈ સુંદર મહાનગર હોય, જ્યાંથી સમુદ્રી માર્ગે દૂરસુદૂર વ્યાપાર કરવામાં આવતો હશે. અહીં જોવાં મળતાં પત્થરના ખૂબ જ સુંદર સ્થાપત્યો, ભવ્ય પ્રવેશદ્વાર, સ્તંભ,પોલિશ કરેલાં વિવિધ આકારના પત્થરો આ જોઈને એમ થાય કે આ કારીગરી મશીન વગર શક્ય નથી.
જ્યમલ મકવાણા કહે છે, "અહીઁથી ચાર કિલોમીટર દૂર ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે તેમાં એક મોટું કારખાનું મળી આવેલું, જેમાં મોટામોટા પત્થરો, થાંભલાઓ મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે ત્યાં મોટું કારખાનું હશે, જેમાં પત્થરોનું કટિંગ, પોલિશિંગ, મણકા બનાવવા, વગેરે કામ થતાં હશે."
મારા અંગત રસ અને શોખને કારણે એક દિવસમાં બે વખત આ સાઇટની મુલાકાત લીધી ત્યારે પાંચ હજાર વર્ષો પહેલાંની ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ અને મન-હૃદય પર કાયમી છાપ છોડી ગઈ. પણ સાથે જ મનમાં કેટલાંક પ્રશ્નો ઉદભવ્યા જેના જવાબ નથી મળ્યા.
*આજ સુધી આ સંસ્કૃતિની ભાષા ઉકેલી શકાઈ નથી અને તેમનો અંત કેવી રીતે આવ્યો, તે પણ કોઈ જાણતું નથી.
* આટલાં વર્ષો જૂની સંસ્કૃતિના લોકોનો ખોરાક મુખ્યત્વે શિકાર આધારિત રહેતો હોય તેને લગતાં કોઈ અવશેષ જોવાં મળ્યાં નથી. મ્યુઝિયમમાં ન હોય અને અન્ય કોઈ મ્યુઝિયમમાં હોય તેમ બની શકે??
* જે સંસ્કૃતિમાં મહોર કે ચલણ પર જે નિશાનીઓ હોય તે તેમના માટે સૌથી મહત્ત્વની વસ્તુ,વ્યક્તિ કે બાબત હોય??
અહીં બળદ, ગેંડા અને અન્ય જાનવરોના ચિહ્ન મહોર પર જોવાં મળે છે. મતલબ, તેઓ ખેતી પણ કરતાં હોય અને અહીં જંગલમાં ગેંડા જેવાં જાનવર હોય જેની પૂજા કરતાં હોય અથવા ખોરાક તરીકે ઉપયોગ હોય??
પ્રશ્નો ઘણા છે. ઉત્તર એક પણ નથી. છતાં જે જોવા મળ્યું, તે હ્રદયસ્પર્શી, અદ્ભુત, નોસ્ટાલ્જીક હતું.
હવે પછીના અંકમાં ધોળાવીરામાં આવેલાં અન્ય જોવાલાયક સ્થળો,ત્યાં પહોંચવાની,રહેવાની વ્યવસ્થા વિશે વાત કરી અને સીરીઝ પૂર્ણ કરીશ.
ક્રમશઃ
Comments
Post a Comment