અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર
નર્મદે હર વિશ્વની એકમાત્ર નદી જેની પરિક્રમા થાય છે તે છે માં નર્મદા, માં રેવા.... યુનેસ્કોની નોડલ એજન્સી દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો તે બદલ ખૂબ આનંદ , ગૌરવ અને ઉત્સાહની લાગણી અનુભવું છું... દેર આયે દુરસ્ત આયે મુજબ આ ગૌરવ માં નર્મદાનું નથી કારણ તેને ગૌરવાન્વિત થવાની જરૂર નથી પણ દરેક ભારતીય માટે ગૌરવની પળ જરૂર છે.. 3600 કિમી જેટલાં લાંબા પથ પર જળ જમીન, જંગલ ,પહાડના રસ્તે બાલ સ્વરૂપથી અફાટ સમુદ્ર સ્વરૂપે વિસ્તરિત માં નર્મદા પોતાની સાથે માત્ર જળ નહીં પરંતુ હજારો વર્ષ જૂની સંસ્કૃતિને ધારણ કરીને વહી રહી છે. પુરાતનકાલીન સાંસ્કૃતિક ધરોહરોનો વારસો તેનાં સાંનિધ્યમાં સચવાઈ રહ્યો છે જે સહસ્ત્રધારા , મહેશ્વર, અમરકંટક, માંડુમાં ઇતિહાસ સ્વરૂપે હોય કે પછી શૂળપાણી, બડવાહ, બડેલ કે જયંતી માતાના જંગલ સ્વરૂપે. જેનાં દર્શન માત્રથી જીવનની સાર્થકતા અનુભૂત અને ફળીભૂત થાય છે તે માં નર્મદાજીનાં સાંનિધ્યમાં મારી જાતને ચાર માસ સુધી અનુભવવા બદલ ધન્યતા, કૃતજ્ઞતા અને ચીર આનંદ અનુભવું છું....