સ્વાંતઃ સુખાય :પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર
સ્વાંતઃ સુખાય : પ્રકૃતિ અને પ્રકૃતિપ્રેમી મિત્રોના સાનિધ્યમાં એક સુંદર સવાર આજનાં અતિ ઝડપી અને વ્યસ્ત જીવનમાં દરેક મનુષ્ય માટે સૌથી મહત્વની અને જરૂરી બાબત એટલે મનની શાંતિ. ભૌતિક વસ્તુઓ અમુક ક્ષણ કે કલાકો માટે કદાચ આનંદ આપી શકે પણ પરમ શાંતિની અનુભૂતિ માટે તો પ્રકૃતિનાં શરણે જ જવું પડે છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહેવા માટે લોકો અવનવી પ્રવૃતિઓ કરતાં હોય છે જેમાં જંગલોમાં ફરવું, કુદરતી સ્થળોમાં રહેવા જવું, લુપ્ત થતી જતી વનસ્પતિઓને શોધવી અને તેનું સંવર્ધન કરવું, બીજ એકત્ર કરવાં, બીજારોપણ કરવું, બીજને યોગ્ય જગ્યાએ પહોચાડવા, લુપ્તપ્રાય વનસ્પતિઓને ઉછેરવા માટેનો પ્રયાસ કરવો વગેરે જેવાં અનેક કાર્યોનો સમાવેશ થાય છે. આપણને જે કાર્ય કરવું ગમતું હોય તે પ્રકારનાં લોકો સાથે કુદરત મેળાપ કરાવી જ આપે છે. આવું એક સુંદર સંસ્થાન એટલે વન વગડો ગ્રુપ. આ ગ્રુપનાં મિત્રો દ્વારા વર્ષોથી કુદરત અને કુદરતી સંપદા એવાં વૃક્ષો, બીજના જતન અને સંવર્ધનનું કાર્ય એકદમ સમર્પિત અને અપેક્ષારહિત અવિરતપણે ચાલ્યાં જ કરે છે. આવાં મિત્રોના સથવારે બીજ વિતરણ અને વૃક્ષારોપણ કરવાનો મને અવસર મળ્યો. વૃક્ષારોપણને પોતાના જીવનનું મિશન બન...