કિચન ગાર્ડનની પાઠશાળા
ચોમાસું એટલે ઉનાળાની દાહક ગરમી પછીની હ્રદય મનને ભીંજવતી ઠંડક. કુદરત સોળે કળાએ ખીલે ત્યારે માનવ જ નહિ પશુ પક્ષીઓમાં એક આનંદનો ઉન્માદ જાગે છે.. ચોમાસું એટલે ઘણાં બધાં વૃક્ષોને વાવવાની ઈચ્છા જગાડતી ઋતુ. કહેવાય છે કે, તન મન તરબતર કરતી આ ઋતુમાં જે કંઈ વાવો એ તુર્તજ ઉગી નીકળે પછી તે છોડ હોય કે લાગણી. છોડ વાવવાની વાત આવે એટલે દરેક વ્યક્તિ એમ તો કહે જ કે, " મને પણ બહુ શોખ છે, મને પણ બહુ ગમે". હું પણ વાવું છું. ખરેખર છોડ વાવવાની અને પછી તેને સફળતાપૂર્વક ઉછેરવાની આવડતની એક કસોટી રાખવામાં આવે તો મોટાં ભાગના લોકો ફેઇલ થાય અથવા માંડ માંડ પાસ થાય. આવી જ એક પાઠશાળા આજે રોટરી કલબ ગ્રેટરમાં હતી અને ભણાવનાર શિક્ષક હતાં અમારાં મિત્ર પ્રવીણભાઈ પટેલ. દાયકાઓથી એગ્રો પ્રોડક્ટ્સનાં વ્યવસાય સાથે જોડાયેલાં પ્રવીણભાઈ એ આ વ્યવસાયમાં જ પોતાનું ઇકિગાઈ ( હવે તો બધાને આ શબ્દની ખબર જ હશે) તેમાં જ શોધી લીધું છે. ખેડૂતોને શીખવતાં શીખવતાં સમાજનાં દરેક લોકોને ઘર આંગણે શાકભાજી ઉગાડતા કરવાની નેમ સાથે તેમણે ટેલીગ્રામ ચેનલ, ફેસબુક પેજ (રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી) દ્વારા સોશિયલ મીડિયા શિક્ષણ ચાલુ કર્યું. પ્રચંડ પ્...