ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 5
ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 5
વશિષ્ઠ ગુફા - આશ્રમ, નીરગઢ વોટર ફોલ
અધ્યાત્મ નગરી - યોગ નગરી ઋષિકેશમાં દેશ વિદેશથી લોકો યોગ શીખવાં, ધ્યાન કરવાં માટે આવતાં હોય છે જેમાંથી ઘણાં લોકો વશિષ્ઠ ગુફાની મુલાકાત કરે છે. કેટલાંક લોકો ખાસ ધ્યાન કરવાં માટે પણ અહીં આવતાં હોય છે. અમારી પણ વશિષ્ઠ ગુફાની મુલાકાત લઈ અને ત્યાં થોડીવાર ધ્યાન કરવાની ઈચ્છા હોવાથી ખાસ કાર્યક્રમ બનાવ્યો.
ઋષિકેશ થી બદ્રીનાથ રોડ પર લગભગ 25 km અંતરે આ આશ્રમ આવેલ છે. આશ્રમનું પ્રવેશદ્વાર મુખ્ય રસ્તા પર જ છે. અહીંથી બે રીતે નીચે ઉતરાય છે જેના માટે રેમ્પ અને પગથિયાં બંને સુવિધાઓ છે. લગભગ 800 મીટર નીચે ઉતરીએ એટલે સામે ગુફાનો માર્ગ અને બાજુમાં આશ્રમ દેખાય છે.
પૌરાણિક માન્યતા મુજબ બ્રહ્માના માનસ પુત્રો એટલે સપ્તર્ષિ જે પૈકીના એક એટલે વશિષ્ઠ. પોતાનાં બધાં જ પુત્રો અવસાન પામતાં વશિષ્ઠ ઋષિએ ગંગામાં કૂદી અને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો પણ માં ગંગાએ તેમને આત્મહત્યા કરતાં અટકાવ્યાં જેથી વશિષ્ઠ ઋષિએ ગંગાનાં તીરે ગુફામાં બેસી તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું.
1930માં સ્વામી પુરૂષોતમનંદજી દ્વારા આશ્રમ બનાવી અને આ ગુફાનું સંચાલન, જાળવણી કરવામાં આવે છે.
વશિષ્ઠ ગુફા લગભગ 30થી 40 ફૂટ જેટલી ઊંડી છે. અહીં શિવલિંગની પૂજા થાય છે. અમે પણ લગભગ 25 મિનિટ સુધી અહીં ધ્યાન કરવાનો અનુભવ અને
લ્હાવો લીધો જે ખરેખર અદભૂત હતો.
વશિષ્ઠ ગુફા ઉપરની તરફ છે જ્યારે અહીંથી ઉતરી અને ગંગા કિનારા તરફ જઈએ એટલે અરુંધતી ગુફા આવેલી છે. અરુંધતી ગુફામાં ગંગાનાં તટ પર અત્યંત મનોરમ્ય સ્થાન પર આવેલી છે. માં ગંગાનો ખૂબ સુંદર રેતાળ તટ એક અલગ જ પ્રકારની શાંતિની અનુભૂતિ કરાવતો હતો. એમ થાય કે, સવારથી સાંજ સુધી અહીં બેસી જ રહીએ.
આ ગુફાના દ્વાર પાસે બેસીએ એટલે સામે જ ખળખળ વહેતી ગંગા નજરે પડે. અહીં વિદેશી પર્યટકો ઘણાં જોવાં મળ્યાં. ગુફામાં બેસીને લગભગ કલાકો સુધી ધ્યાન કરવાવાળા એક વિદેશી મહિલા પણ મળ્યાં.
આ આશ્રમમાં બહારનાં લોકો માટે રહેવાની સુવિધા નથી પરંતુ જો અગાઉથી જાણ કરવામાં આવે તો ભોજનની વ્યવસ્થા થઈ જાય.
આ ચોક્કસ જોવાંલાયક અને માણવાલાયક સ્થાન પર પૂરતો સમય પસાર કર્યાં બાદ અમે નીર ગ્રહ વોટર ફોલનાં ટ્રેકિંગ માટે રવાના થયાં.
જે ઋષિકેશ પહોંચતાં પહેલાં પાંચ કિમી પહેલાં અને રોડની અંદર તરફ બીજા ચાર કિમી જઈએ એટલે આ કુદરતી સુંદર સ્થાન આવેલું છે જે વનવિભાગ હેઠળ આરક્ષિત છે.
ભારતીય પર્યટકો માટે 30 રૂ. અને વિદેશી પર્યટકો માટે 50 રૂ. પ્રવેશ ફી છે. નીરગઢ વોટર ફોલમાં ઉપરથી નીચે સુધી ત્રણ કુંડ આવેલાં છે. જેમાં સ્નાન કરી શકાય છે. જંગલની વચ્ચે આવેલી અને લગભગ ત્રણ કિમી જેટલી આ સીધાં ચઢાણની ટ્રેઈલ થોડી અઘરી પણ લાગી શકે તેનાં પર ટ્રેકિંગ કરવુ એ કુદરતની સાથે રહેવાનો અપૂર્વ લહાવો છે.
વચ્ચે વચ્ચે રસ્તો ઓળંગવા માટે બનાવેલાં પુલને કારણે ખૂબ સુંદર લાગે છે. જે લોકો છેક સુધી ન ચઢી શક્યાં તે પરત ફર્યાં. કુલ નવ માંથી અમે પાંચ લોકો છેક ઉપર સુધીનું ટ્રેકિંગ કર્યું.
આજનો દિવસ ખૂબ શાંતિદાયક, ઉત્સાહસભર અને આનંદ સાથે વ્યતિત થયો. સાંજે તો ફરી એ જ ઘાટ અને એ જ માં ગંગા એ જ સ્પંદનો....
અમારી યાત્રાનો છેલ્લો એક દિવસ બાકી હતો અને ખૂબ જ સુંદર સ્થળની મુલાકાત પણ બાકી હતી...
વધુ છેલ્લાં અને આવતાં અંકે...
Comments
Post a Comment