ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 4 રિવર રાફ્ટિંગ: સાહસ સાથે રોમાંચ

ઋષિકેશ ડાયરી : ચેપ્ટર 4

રિવર રાફટીંગ: સાહસ સાથે રોમાંચ

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા'ણ છે.
શૂન્ય પાલનપુરી

"તમને તરતાં બિલકુલ નથી આવડતું તો તમે રિવર રાફ્ટિંગ જરૂર કરી શકો".
આ વાક્ય અમારાં રાફ્ટિંગ ગાઇડનું હતું જે પહેલા તો બધાને હાસ્યાસ્પદ લાગ્યું પણ અંતે સમજાયું કે, જેને પાણીમાં તરતાં આવડે છે અને જેને બિલકુલ નથી આવડતું એ બધાં અહીં સરખાં છે.
રિવર રાફ્ટીંગ એટલે હવા ભરેલી રબરની ટ્યુબમાં છેવાડા પર બેલેન્સ રાખીને બેસી અને પેડલ ( હલેસાં ) દ્વારા પાણીનાં વહેતાં પ્રવાહ સાથે બોટને આગળ લઈ જવાની. આમાં કોઈ મશીન કે અન્ય કોઈ સાધનો હોતાં નથી. જેમ હંકારો તે બાજુ બોટ જાય. જો બેલેન્સ ખોરવાય તો બોટ ઊંધી પણ પડી જાય.

મને અગાઉનો પણ અનુભવ હતો એટલે હું બિલકુલ સજજ અને નચિંત હતી. અમારી ટીમનાં બીજા ત્રણ સદસ્યો પણ એકદમ તૈયાર હતાં. જેમને થોડો ઘણો ડર હતો એ બહુ ઝડપથી ખુશી અને આનંદમાં ફેરવાઈ ગયો.

આજનો દિવસ અમારો સાહસ ( એડવેન્ચર)નો દિવસ હતો. રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, ઝીપ લાઈનિંગ જેવાં અનેક સ્પોર્ટ્સ માટે ઋષિકેશથી દેવપ્રયાગ તરફ જતાં માર્ગમાં આવતું શિવપુરી ખૂબ વિખ્યાત અને લોકપ્રિય છે. રિવર ફ્રન્ટ પર સવારનું ધ્યાન, વોક વગેરે કર્યા બાદ નાસ્તો કરી અને અમે સાહસ યાત્રા માટે નીકળી પડ્યાં.
માથા પર રાફ્ટિંગ માટેની બોટ મૂકી અને તૈયાર થયેલાં ટેમ્પોમાં અમે બેસી ગયાં. અડધાં અંદર અને અડધા સાહસવીરો ખુલ્લા આકાશ નીચે. અહીં 8, 10, 12, 16, 18,અને 36 કિમી સુધીનું રિવર રાફ્ટિંગ કરાવતાં હોય છે. અમે ઉત્સાહી હોવાથી 18કીમીનું પસંદ કર્યું.
શિવપુરી પહોંચ્યા ત્યારે રાફ્ટિંગ બોટ અને ગાઈડ બંને તૈયાર હતાં. લાઇફ જેકેટ અને હેલ્મેટ પહેરાવ્યાં બાદ વારો હતો તાલીમનો. દસ મિનિટની તાલીમમાં રિવર રાફ્ટિંગની સંજ્ઞાઓ, સૂચનાઓ, ભય સ્થાન અને રેસ્ક્યુ (બચાવ) માટેની પદ્ધતિઓ સમજાવવામાં આવી. ગંભીર સૂચનોને કારણે અમારી ટીમના કેટલાક સદસ્યો થોડાં ટેન્શનમાં આવી ગયાં પણ ' ગંગા મૈયાની જય હો ' કરીને બોટમાં બેસી અને તૈયાર થઈ ગયાં.
થોડાં ડર અને સ્ટ્રેસ સાથે શરૂ થયેલી આ યાત્રા ક્યારે હર્ષોલ્લાસ અને કિલકારીઓમાં ફેરવાઈ ગઈ તેનો કોઈને ખ્યાલ પણ ન રહ્યો. રેપિડ(ઊછળતાં મોજા) વચ્ચે ફંગોળાઈ અને ઉપર નીચે થતી બોટ અમને ઠંડા પાણીનાં મોજાથી ભીંજવી નાખતી હતી. ફોરવર્ડ, બેકવર્ડ, સ્ટોપ, ફાસ્ટ જેવાં શબ્દો સાથે અમે પેડલને જોશભેર ચલાવી ધસમસતા પાણીમાં આગળ ફેંકાતા જતાં હતાં.

બોટ ઉંધી પડે તો શું થાય એવો થોડીવાર પહેલાનો ભય હવામાં ઓગળી ગયો હતો કારણ બધાને સેફ્ટી ફિચર્સ સમજાઈ ગયાં હતાં. અમારાં સાહસનું ક્ષેત્ર ધીમે ધીમે વિસ્તરતું જતું હતું.

જેમ મધદરિયે પાણીમાં ડૂબકીઓ મારે તેમ અમે મધનદીએ પાણીમાં ઉતરી અને ઠંડા પાણીમાં ડૂબકી પણ મારી અને પાણીમાં રહેવાની મોજ પણ કરી. નદીનો પ્રવાહ જ્યાં વધે અથવા ઊંચાઈ વધે તેમ મોજા બને અને એ મોજા પર બોટ ફંગોળાય એટલે જબરદસ્ત મજા આવે. રેપિડનાં અલગ અલગ નામ રાખવામાં આવેલાં. જેમાં ગોલ્ફ કોર્સ રેપિડ, ક્લબ હાઉસ રેપિડ વગેરે હતાં.
ગાઈડ ખૂબ મજાનો વ્યક્તિ હતો. અમને જોશ સાથે આનંદ પણ કરાવતો હતો. વચ્ચે મેગી પોઇન્ટ પર ઉતરી અને મેગી, ચા, નાસ્તાની મોજ માણી.

ફરી પાછાં પેડલ ચલાવવા લાગી ગયાં. અમારો એન્ડિંગ પોઇન્ટ જાનકી ઝૂલા પાસે હતો. છેલ્લા બે થી ત્રણ કિમી. એકદમ સપાટ અને સ્થિર નદી હોવાને કારણે ખૂબ હલેસાં મારવાના આવ્યાં. લક્ષ્મણ ઝુલા, જુદાં જુદાં મંદિરો અને સ્થાપત્યો જોતાં જોતાં અમારી રાફ્ટિંગ ટ્રીપ પૂરી થઈ ત્યારે આખી ટીમ ખુશખુશાલ હતી. 

કોઈપણ સાહસ શરૂ કરીએ ત્યારે થોડાં પ્રશ્નો, ભય, ચિંતા હોય છે પણ તે પૂર્ણ થયાં પછી જે સંતોષ અને ચોક્કસ પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે તે વ્યક્તિનાં સ્વત્વને વિકસાવે છે, વિસ્તારે છે જે જીવનનાં અન્ય અનેક પાસાંઓને ઉજાગર કરવામાં મદદરૂપ થાય છે.
એટલે તો કહેવાય છે કે, ' સાહસ હોય ત્યાં ભય ન હોય તેવું નથી, આ તો પ્રેરણા છે જે કહે છે, ભયથી આગળ વધો '.

 डर के आगे जीत है!

અમારી બીજી ટીમ કે જે, રિવર રાફ્ટિંગ કરી શકે તેમ નહોતી તે લોકો દેવપ્રયાગનાં દર્શન અર્થે ગયેલાં. દેવ પ્રયાગ એટલે અલકનંદા અને ભાગીરથી નદીનું સંગમસ્થાન. આ સંગમ પછી નદી ગંગાનાં નામથી ઓળખાય છે.

રાફ્ટિંગ બાદ ફ્રેશ થઈ અને થોડો આરામ કર્યા બાદ ત્રિવેણી ઘાટ જવાં માટે નીકળી પડ્યાં.
ત્રિવેણી ઘાટ

ત્રિવેણી ઘાટ ખૂબ સુંદર રીતે વિક્સાવેલો છે. ઘાટનાં પગથિયે બેસી અને ગંગા મૈયાને કોઈપણ વ્યક્તિ અર્ઘ્ય આપી શકે. અહીંનું બ્યુટીફિકેશન પણ મનમોહક છે. સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લેવામાં લગભગ કોઈ વ્યક્તિ બાકાત નહિ રહેતું હોય. ત્રિવેણી ઘાટની આરતી પણ અત્યંત સુંદર અને ભાવવિભોર કરી નાખે તેવી હોય છે. અહીં અનાદિ દેવ શંકર, કૃષ્ણ ભગવાનનાં સુંદર સ્ટેચ્યુ મૂકેલાં છે. ત્રિવેણી ઘાટની બહાર નીકળીએ એટલે ખૂબ મોટી બજાર છે. અહીં એકદમ વાજબી ભાવે ખરીદી કરી શકાય છે. રબડી જલેબીની લિજ્જત પણ અમે અહીં જ માણી.
આરતી બાદ થોડીવાર રોકાઈ અને અમે અમારાં મુકામ પર જવાં નીકળી ગયાં. 
 બીજા દિવસે સુંદર જગ્યાઓની મુલાકાત અને ટ્રેકિંગ પણ હતું.

વધુ આવતાં અંકે....




Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1