પ્રાકૃતિક જીવન : આજની અનિવાર્યતા
પ્રાકૃતિક જીવન : આજની અનિવાર્યતા
આજના યુગના ઘણાં ટ્રેન્ડી બનેલા શબ્દો પૈકીનો એકદમ હોટ ફેવરિટ શબ્દ એટલે “ઓર્ગેનિક”.
શાક ભાજી, અનાજ, કઠોળ, દહીં, દૂધ તો સમજ્યા પણ હવે તો કપડાં અને બીજી રોજ બ રોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ઓર્ગેનિક વાપરવાનો જાણે કે વંટોળ શરૂ થયો છે. જેમાં ઓર્ગેનિક શબ્દને વટાવી ખાનારો વર્ગ તેનાથી પણ બમણી ઝડપે ઊભો થતો જોવા મળે છે.
ઓર્ગેનિકની બાબતમાં ઘણાં લે ભાગુઓ ‘’વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે.”કારણ કે આજે ઓર્ગેનિકનાં નામે બધું જ ફટાફટ વેચાય પણ છે. તેનું કારણ એ છે કે, ઓર્ગેનિક એ આજના મનુષ્યની મજબૂરી બની ગઈ છે એ તેના માટે હવે અસ્તિત્વનો પ્રશ્ન બની ગયું છે.
આજે તાજા જન્મેલા બાળકથી માંડીને સો વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિને કોઈપણ સમયે, શરીરનાં કોઈપણ અવયવમાં, કોઈપણ પ્રકારનાં રોગ, કોઈ દેખીતા કારણો સિવાય થવાં લાગ્યા છે. આજે કેન્સર જેવાં જીવલેણ અને વંધ્યત્વ જેવાં સમાજને ખતમ કરનારાં રોગ ઉપરાંત હૃદયરોગ, લકવો, કિડની, લિવર, બીપી, ડાયાબિટીસ, સાંધા અને સ્નાયુનાં રોગ ઉપરાંત અનેક પ્રકારનાં માનસિક તેમજ મનોદૈહિક રોગોનો સમાવેશ થાય છે, જેનો ભોગ બનતાં લોકોની સંખ્યા કૂદકેને ભૂસકે વધતી જાય છે. બાળકોમાં અગાઉ ન જોયા હોય તેવાં રોગોએ માથું ઉચક્યું છે.
દેશ આઝાદ થયો પછી 1960માં હરિતક્રાંતિનાં પગલે ખેતી પદ્ધતિમાં ખૂબ મોટાં ફેરફારો આવ્યાં. મોટાં મોટાં સાધનોની થયેલી શોધને કારણે જમીનને ખોદવી એકદમ સહેલી થઈ ગઈ. ઉત્પાદન વધારવા માટે બીજને જીનેટિકલી મોડીફાઈડ કરવામાં આવ્યાં. ધીરે ધીરે મબલખ પાક થવાં લાગ્યો અને આપણે અનાજની બાબતમાં સ્વાવલંબી તો બન્યાં પરંતુ સાથે સાથે આપણી ખેતી ખૂબ મોટાં પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા પર આધારિત બની ગઈ. પ્રમાણમાં સહેલી, વધુ ઉત્પાદન આપનારી આ પધ્ધતિએ આજે ત્રેપન વર્ષ બાદ જે ભયાનક રોગોની ભેટ આપી છે તેને કારણે આપણું નિકંદન કાઢનારી સાબિત થઈ છે.
સમગ્ર સમાજ પર આ વિકરાળ પંજાએ પોતાની પકડને મજબૂત બનાવી દીધી છે. શું ખાવું અને શું ન ખાવું તે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ભરપૂર અનાજ, કઠોળ, શાકભાજી, ફળ સ્વરૂપે આપણે બધાં ધીમે ધીમે ઝેર આરોગી રહ્યાં છીએ. એ ઓછું હોય તેમ ખાવા પીવાની મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ ભયજનકરીતે વધી રહ્યું છે. તમારી પાસે ગમે તેટલાં પૈસા હોય આ બજારમાં સૌ સરખાં જ છે કારણ, તેનાં સાતત્યની ચકાસણી માટેનાં હજુસુધી કોઈ માપદંડ નથી જેનાં આધારે તેની ખરાઇ થઈ શકે.
આજે ઘણાં લોકોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરનાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરે ખરીદવા છે પણ કેટલાંક લેભાગુ ખેડૂતોને (જેને કારણે અન્ય ભરોસાપાત્ર ખેડૂતો પણ વગોવાય છે) કારણે લોકો તમામ ખેડૂતો પર વિશ્વાસ પણ નથી કરી શકતાં.
આ સમસ્યાથી બચવા નાછૂટકે ઓર્ગેનિક ખોરાક તરફ સમગ્ર સમાજ વતે ઓછે અંશે વળવા લાગ્યો છે. ઓર્ગેનિક(પ્રાકૃતિક) ખોરાક એ ખૂબ જ આવશ્યક છે પરંતુ શું માત્ર ઓર્ગેનિક ખોરાક એ સ્વસ્થ જીવન જીવવા પર્યાપ્ત છે ? કદાચ નહિ. કારણ કે, " ઓર્ગેનિક ખોરાક એટલે જંતુનાશક અને રાસાયણિક ખાતરો વગરનો ખોરાક." આજે જ્યારે આપણી ખેતી લાયક 95% જમીન જંતુનાશક અને રાસાયણિક ખાતરયુક્ત બની ગઈ છે તો ઓર્ગેનિક ખોરાક સમાજના કેટલાં ટકા વર્ગ મળી શકે? સમાજનાં બાકીનાં વર્ગનું શું?
સમાજના તમામ લોકોને ઓર્ગેનિક ખોરાક ત્યારે જ મળી શકે જ્યારે આપણે પ્રાકૃતિક જીવન પદ્ધતિ અપનાવીએ.
પ્રાકૃતિક જીવન એ માત્ર શુધ્ધ ખોરાકથી નથી મળતું તેનાં માટે હવા, પાણી અને જમીન બધું શુધ્ધ હોય એટલે કે, પ્રકૃતિનાં નિયમ મુજબ જીવન જીવીએ ત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક જીવન કહી શકાય.
આપણાં પૂર્વજોને ઓર્ગેનિક ખોરાકની જરૂર જ નહોતી કારણ કે ત્યારે બધું જ કુદરતી રીતે જ ઓર્ગેનિક હતું કારણ કે જમીન, જવા, પાણી બધું જ શુદ્ધ હતું.
આપણાં પૂર્વજોનું જીવન મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત હતું. પશુ પાલનથી દૂધ, દહીં, ઘી, માખણ, છાશ, જીવનજરૂરી એવું બળતણ (છાણાં) અને જમીનમાંથી ઋતુ તેમજ આબોહવા અનુસાર અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ મળી રહેતાં જેનું અરસપરસ પ્રદાન કરી અને લોકો જીવનનિર્વાહ ચલાવતાં.
ત્યારનું જીવન અત્યંત સાદું હતું. ખેડૂતો વર્ષમાં એકવાર પાક લેતાં જેમાં ધાન્ય પાક( જુવાર, બાજરી, ચોખા ) કઠોળ( મગ, મઠ, ચણા, અડદ વગેરે) તલ ઉપરાંત શેરડીનું વાવેતર કરવામાં આવતું આ તમામ પાક જેને ‘રામમોલ’ કહેતાં અને આ બધા આકાશી ખેતી એટલે કે વરસાદ આધારિત હતાં. તે ઉપરાંત જવ, કોદરી, સામો, કુટકી જેવાં મિલેટ કુદરતી રીતે જમીનમાં ઉગતા જેનો આપણાં પૂર્વજો ખોરાક તરીકે ઉપયોગ કરતાં. મિલેટ તેમના જીવનનો મુખ્ય ખોરાક હતો.
બાકીનું વર્ષ જમીન ખાલી રહેતી. આ અનાજ કઠોળની આખાં વર્ષ માટે જાળવણી કરવામાં આવતી. ખૂબ મર્યાદિત વસ્તુઓ સાથે જીવન જીવાતું. જરૂરિયાતો ખૂબ પ્રાથમિક હોવાને કારણે લાલચનું પ્રમાણ લગભગ નહિવત્ હતું અને જીવન એકદમ શાંતિમય હતું. આપણી ભૂમિ પર જંગલોનું પ્રમાણ પણ ખૂબ સારું એવું હતું. આકાશી ખેતીને કારણે જમીનનાં તત્વોનું શોષણ ક્યારેય નહોતું થતું જમીન કુદરતી રીતે જ ખનીજ તત્વોથી ભરપૂર રહેતી જેને કારણે રાસાયણિક ખાતર નાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહોતો. એટલે જે કંઈ ઉત્પાદન થતું તે કુદરતી જ ઓર્ગેનિક હતું.
મિલેટનું ખોરાકમાં મહત્વ સમજીને વર્ષ 2023ને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું જેને કારણે લોકોનો ઝુકાવ અને રસ ધીમે ધીમે આ ધાન્યો તરફ પણ વધ્યો છે.
પરંતુ મૂળ પ્રશ્ન છે શુદ્ધ ખોરાક, હવા અને પાણીનો. જ્યાં સુધી આ ત્રણેય શુદ્ધ નહિ હોય ત્યાં સુધી સ્વસ્થ જીવન શક્ય નથી. કારણ કે આપણાં દેશમાં જે પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ થાય છે જેનાથી જમીન મારફત પાણી તો ઝેરી થઈ જ રહ્યાં છે ઉપરાંત તેનાથી હવામાં પણ જબરજસ્ત પ્રદૂષણ ફેલાય રહ્યું છે. જો માત્ર રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવે તો જમીન, પાણી અને હવાના પ્રદૂષણમાં લગભગ 60% થી 70 % ટકા જેટલું પ્રદુષણ આપોઆપ દૂર થઈ જશે.
અહીં આપણાં મન સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આજના સમયમાં પ્રાકૃતિક જીવન કેવી રીતે જીવવુ ? એના માટે શું કરવું ? શું ખાવું શું ન ખાવું ? વગેરે પરંતુ આ તમામ પ્રશ્નો એક સાવ સરળ ઉપાય એક સાદા સૂત્રમાં છે, અને તે છે “ જ્યારે, જ્યાં, જે કુદરતી રીતે થાય તે ખવાય અને ઉપયોગમાં લેવાય” આટલામાં બધું જ આવી જાય છે.
પ્રાકૃતિક જીવનને ટૂંકમાં સમજીએ તો,
1) ફ્રોઝન ફૂડ, પેકેજ ફૂડ, બારમાસી ફૂડને બદલે તમામ પ્રકારનાં અનાજ , કઠોળ , શાકભાજી, ફળ
ઋતુ મુજબ જ ખાવા જોઈએ.
2) શક્ય હોય તો શાકભાજી, ફળને ફળિયામાં/ અગાશીમાં વાવવાં. જો તે શક્ય ન હોય તો જંતુનાશક રવા વગર પકવતાં ખેડૂત પાસેથી ખરીદવામાં આવે તો ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે.
3) નિયમિતતા પ્રાકૃતિક જીવનનું અભિન્ન અંગ છે. શરીરની સરકાડિયન રિધમ મુજબ વહેલાં ઉઠવા અને સૂવાને કારણે અનેક રોગોથી બચી શકાય છે. રાત્રે જાગવાને કારણે પ્રકાશથી મેલાટોનિન ડિસ્ટર્બ થાય છે જેને કારણે અનિંદ્રા, હતાશા, ચિંતા જેવાં રોગ શરીર પર કબજો જમાવવાનું શરૂ કરે છે. રાત્રે જાગવાથી ભૂખ લાગે છે અને રાત્રી ભોજન થાય છે જે અનેક રોગોને આમંત્રણ આપે છે.
4) ખોરાક જેટલું જ મહત્વ શ્રમ અને નિદ્રાનું છે. શ્રમનાં અભાવને કારણે ધીરે ધીરે શરીરનાં અવયવો કામ કરવાનું બંધ કરી દે છે જે સારવારથી પણ પરત મેળવી શકાતાં નથી.
5) બહારનું ખાવાનું બંધ કરીએ અથવા ઓછું કરીએ. ઘરે રાંધેલો, ગરમ તાજો ખોરાક લઈએ. જંક ફૂડ તો સદંતર બંધ કરીએ. વિરૂધ્ધ આહાર ન લઈએ. વધુ પડતું તીખું તળેલું ન જમીએ.
6) જાહેરાતોથી આકર્ષવા ને બદલે ગુણવતાની ચકાસણી કર્યાં સિવાય ખાવા પીવાની વસ્તુઓનો ઉપયોગ ન કરીએ.
7) કડવી વાસ્તવિકતા છે કે, અપૂરતાં ભોજન કરતાં વધુ પડતાં ભોજનને કારણે થતાં મૃત્યુનો આંક વધુ મોટો છે. શાસ્ત્રોનું માનીએ તો ભૂખ કરતાં થોડું ઓછું જમીએ એટલે કે, યોગ્ય માત્રામાં ભોજન લઈએ તે ઉતમ આદત છે.
પ્રકૃતિને તેના પ્રાકૃતિક સ્વરૂપમાં લાવવા દરેક પોતાનો સહયોગ આપીએ અને પ્રાકૃતિક જીવન જીવીએ તો સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી બની શકે.
Comments
Post a Comment