જૂનાગઢ: લીલી પરિક્રમાની લીલી સંવેદનાઓ...
જૂનાગઢ: લીલી પરિક્રમાની લીલી સંવેદનાઓ... પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ સમયના કોઇ પણ થરે હું મળીશ જ હતો હું સુદર્શન સરોવર છલોછલ હવે કુંડ દામોદરે હું મળીશ જ કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો સુસવતા પવનના સ્તરે હું મળીશ જ શિખર પર ચટકતી હશે ચાખડી ને ધરીને કમંડળ કરે હું મળીશ જ મને ગોતવામાં જ ખોવાયો છું આ પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ -રાજેન્દ્ર શુક્લ ગુજરાતી સાહિત્યનાં મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સમયાતીત ગઝલ એટલે ‘ હું મળીશ જ’ (અહીં આખી ગઝલમાંથી કેટલાંક અંશ મૂક્યાં છે) જેમાં કવિ પોતે ગિરનાર બની અને ગિરનારની હાજરીને સમયનાં દરેક કાળખંડ સાથે જોડી હૃદયનાં ઊંડાણમાંથી ઠલવાતી અડીખમ લાગણીઓ સાથે ભાવકનાં હૃદય સુધીની સફર કરે છે. જૂનાગઢ સાથેનો મારો (લેખિકાનો) નાતો ભૌતિક રીતે બાળપણથી અત્યાર સુધીનો સતત કોઈને કોઈ સ્વરૂપે રહ્યો છે પણ આંતરિક જોડાણ કંઇક અનોખું હોય તેવું ઉંમરના દરેક પડાવમાં જુદીજુદી રીતે લાગ્યું જ છે. ગિરનારનો ઈતિહાસ તેનું કારણ હોઈ શકે, લાખો વર્ષ જૂની ભૂમિનાં પ્રતાપે થતું કુદરતી આકર્ષણ હોઇ શકે. ખબર નથી શા માટે ...