આદિ કૈલાશ દર્શન : અસ્તિત્વની અનુભૂતિ

આદિ કૈલાશ દર્શન : અસ્તિત્વની અનુભૂતિ

આદિ કૈલાશ - હર હર મહાદેવ

આદિ કૈલાશ નામ સાંભળતાં જ પંચ કૈલાશ પૈકીનાં કૈલાશ માન સરોવર, શ્રીખંડ કૈલાશ, કિન્નૌર કૈલાશ, મણી મહેશ  યાદ આવી જાય. ચાર ધામ, પંચ કેદાર, પંચ કૈલાશ, અમરનાથ વગેરે ભારતીય સંસ્કૃતિનાં તીર્થ સ્થાનો છે. હજારો લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આમાંથી કોઈને કોઈ યાત્રા કરી જીવનનું સાફલ્ય સમજે છે અને પોતાની જાતનું કંઇક કલ્યાણ કર્યાનો/ થયાંનો સંતોષ પણ 
અનુભવે છે. આ દરેક યાત્રા સ્થળમાં એક બાબત કોમન છે અને તે છે હિમાલય.
હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક તેમજ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ સાથે અતિ ઉચ્ચ કક્ષાનું આધ્યાત્મિક મહત્વ ધરાવતો આદિ કૈલાશ કે જે  શિવ કૈલાશ, છોટા કૈલાશ અને બાબા કૈલાશ તરીકે પણ ઓળખાય છે. જેનું નામ દરેકે સાંભળ્યું હશે પણ જવાનો અવસર ઘણાં ઓછાં લોકોને સાંપડ્યો હશે. 

જોલિંગકોગ કેમ્પ

હિમાલયનું અદમ્ય આકર્ષણ આ વર્ષે ફરી એકવાર (આ વર્ષે અરુણાચલ પ્રદેશનો પ્રવાસ પણ કરેલો) મને આદિ કૈલાશ (19,504 ફીટ ઊંચાઈ) અને ઓમ પર્વતનાં દર્શન માટે ખેંચી ગયું.  
આ પ્રવાસમાં હું અને મારી મિત્ર વિભા પટેલ બે જ મિત્રો આ જીવનભરની યાદી કહી શકાય તેવી યાત્રા માટે નીકળેલાં. આ પ્રવાસની  ખાસિયત એ હતી કે અમે કોઈ ટૂર ઓપરેટર સાથે નોહતાં ગયેલાં કે, નહોતું કોઈપણ જગ્યાએ એડવાન્સ બુકિંગ કરેલું. માત્ર રાજકોટથી ટ્રેનની(જવાની) ટિકિટ બુક કરી અને નીકળી પડેલાં. બસ એક જ વિચાર સાથે કે, જ્યાં મન થશે ત્યાં જશું, જ્યાં ગમશે ત્યાં રોકાઈશું. કુદરતનાં  સાનિધ્ય ને માણી અને પરત ફરીશું.
સામાન્યરીતે મારાં તમામ પ્રવાસ સ્વ આયોજિત જ હોય છે અને હવે આવું આયોજન એકદમ ફાવી પણ ગયું છે. જો કે આયોજન કરવાં માટે ખૂબ સમય અને શક્તિ પણ ખર્ચાય છે પણ જ્યારે તેનું વળતર આનંદ સ્વરૂપે મળે છે ત્યારે તેનો સંતોષ અલગ જ હોય છે.
 આ યાત્રા માટે ઉત્તમ સમય છે એપ્રિલ, મે, સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બર (અડધો)  આ સિવાયનો સમય અતિભારે વરસાદ અને બરફ વર્ષાને કારણે અનુકૂળ નથી. અમે ઓકટોબર પસંદ કરેલો.
છ ઓકટોબર થી અઢાર ઓક્ટોબર(2023)
બાર દિવસનાં પ્રવાસનું સ્થળ મુજબ આલેખન કરું તો વાચકોને પણ સારી રીતે રસપાન કરાવી શકાય.
આજે આદિ કૈલાશ યાત્રાની વિગતવાર તમામ વાત કરવી છે.
આદિ કૈલાશ જવાં માટે ઉતરાખંડનાં કુમાઉ વિસ્તાર તરીકે જાણીતાં એવાં છ જિલ્લા પૈકી પિથોરાગઢ પહોંચવા માટે રાજકોટથી હરિદ્વાર (અમારે હરિદ્વાર જવું હતું બાકી દિલ્હીથી સીધું પણ જઈ શકાય) અને ત્યાંથી કાઠગોદામ (રેલવે દ્વારા) પહોચ્યાં. ટેક્સી કરી અને  ફરતાં ફરતાં છઠ્ઠા દિવસે ધારચુલા પહોચ્યાં.(આ સ્થળોનાં પ્રવાસની વાત આગામી અંકમાં કરીશ)

ધારચુલા એ ભારતનું ગામ છે જ્યારે નદીની સામેપાર પુલ પસાર કરીને નેપાળમાં આવેલું ગામ દાર્ચુલા તરીકે ઓળખાય છે. આદિકૈલાશ જવાં માટે ફીઝીક્લ ટેસ્ટ, પોલીસ ચકાસણી વગેરે જેવી પ્રક્રિયાઓ ધારચુલાની સરકારી કચેરીઓમાં કરાવી અને અમને ઇનર લાઈન પરમીટ આપવામાં આવી.
આ યાત્રા સરકારી સંસ્થા એવી કુમાઉ મંડળ વિકાસ નિગમ તેમજ અન્ય પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ થતી હોય છે જે યાત્રાળુઓને દિલ્હી/ કાઠગોદામ/ ધારચુલા જેવાં સ્ટેશનથી લઈ જતી હોય છે. ઘણાં લોકો પોતાનું ગ્રુપ નક્કી કરી અને પણ આ યાત્રા કરતાં હોય છે.

ધારચુલાથી આદિ કૈલાશ જવાં માટેનો મોટરેબલ રોડ 2019થી બની રહ્યો છે પણ ખૂબ કાચો હોવાથી અને અન્ય કારણોસર અહીં બોલેરો
 ( ફોર વ્હીલ ડ્રાઇવ) જેવાં વાહનો જ ચાલી શકે છે. 2019 પહેલાં આ યાત્રા પગપાળા થતી હતી. એક વાહનમાં ચાર વ્યક્તિઓ સામાન્યરીતે જતી હોય છે. અમે અમારી પર્સનલ ટેક્ષી(બોલેરો) કરી અને બપોરે એક વાગ્યે ધારચૂલાથી ગુંજી જવાં રવાના થયાં. એક કિલોમીટરમાં જ સમજાઈ ગયું કે આગળનો રસ્તો વાહનમાં કાપવાનો હોવાં છતાં ઘણો સમય માંગી લે તેવો હતો.
કુદરતની જેટલાં નજીક જઈએ તેટલી ભૌતિકતાઓ ધીમે ધીમે ઘટતી જાય છે. જો તેમાં ઓગળી જઈએ તો બધું આનંદદાયક અને સહેલું લાગે પણ જો ખટકે તો તકલીફો અંતહિન  લાગે.
ક્યાંક એકદમ સાંકડાં તો ક્યાંક ખૂબ ઉબડ ખાબડ રસ્તાઓ જે શરીરને પૂરું ઠમઠોરી નાખે પણ જો બારી બહાર નજર કરીએ તો, ઊંચા ઊંચા પહાડો કાપીને બનાવેલો ડેથ ઝોન જેવો  રસ્તો અને બીજી તરફ ઊંડી ખીણમાં રસ્તાને સમાંતર વહેતી કાલી નદી. કુદરતનું અપ્રતિમ સૌંદર્ય.
સંગમ
ધારચુલાથી માલ્પા, બુદી, છીયાલેખ, ગર્બિયાંગ, નેપલચું અને ત્યારબાદ ગુંજી પહોંચતા સાંજના સાડા છ વાગી ગયાં. એંશી કિલોમીટર પસાર કરતાં લગભગ  સાડા પાંચ કલાક લાગ્યાં.

માલ્પા વર્ષોથી મગજમાં છપાયેલું નામ હતું કારણ દુ:સ્વપ્ન જેવી બનેલી ઘટના. 1998ની એ લેન્ડ સ્લાઇડ દુર્ઘટનામાં આશરે 250 સહિત 60 કૈલાશ માનસરોવરનાં  યાત્રીઓ મૃત્યુ પામ્યાં હતાં. વહેલી સવારે ત્રણ વાગ્યે  લેન્ડ સ્લાઇડને કારણે થયેલ આ દુર્ઘટનાએ યાત્રિકોના  આખા પંડાલને નેસ્તનાબૂદ કરી નાખ્યો. આજે પચીસ વર્ષ પછી પણ આ વાત મારાં માનસપટ પર કોતરાયેલી છે તો તેમનાં સ્વજનોની શું હાલત હશે. વિખ્યાત નૃત્યાંગના પ્રોતિમા બેદી પણ આ ગ્રુપમાં સામેલ હતાં.
મૃત્યુ સંપૂર્ણ કુદરત આધિન છે. જે ક્યાં કોને કઈ રીતે તેના નિર્મિત સ્થાને લઈ જાય એ નક્કી કરવામાં મનુષ્ય હજુ સુધી પામર જ રહ્યો છે. માલ્પા પછી બુદીનાં રેતીલા પહાડો ખરેખર ડરાવનારાં છે. તેની ભૌગોલિક રચના જ એવી છે કે, ક્યારે ઉપરથી ધસી પડશે તે નક્કી નહીં. આ વર્ણન કોઈ અતિશયોક્તિભર્યું કે ડરાવવા માટે નથી પણ જે વાસ્તવિકતા છે તે જ હું લખી રહી છું. અમે ગયાં તેનાં એક અઠવાડિયાં પહેલાં એક ગાડી પર લેન્ડ સ્લાઈડ થતાં દબાઈ જવાથી સાત (સ્થાનિક) વ્યક્તિનાં મૃત્યુ થયેલાં જેમાં ત્રણ બાળકો હતાં.

બુદી બાદ છીયાલેખમાં પરમીટ વેરીફીકેશન કરાવી આગળ વધ્યાં.
રસ્તા પર સતત ચઢાણ પણ નથી. વચ્ચે વચ્ચેનાં સર્પાકાર રસ્તાઓ અને બાજુમાં વહેતી નદી ઉપરથી જાણે એવું મનોરમ્ય દ્રશ્ય ખડું કરે કે, ઊભાં રહીને જોતાં જ  રહેવાનું મન  થયાં કરે.
 રસ્તો લાંબો હોવાથી જલ્દી પહોચવું પણ જરૂરી હતું છતાં ફોટોગ્રાફી કરતાં કરતાં અમે આગળ વધ્યાં. ગુંજીમાં કોઈપણ હોમસ્ટેમાં રહેવાનું વિચારેલું પણ આગલા દિવસે મોદી સાહેબ આદિ કૈલાશ આવેલાં હોવાથી  કુમાઉ મંડળ વિકાસ નિગમનાં કોઈ યાત્રીઓ ન હોવાથી અમને ત્યાં રહેવાની સગવડતાં મળી ગઈ. જે તે વિસ્તારમાં શ્રેષ્ઠ કહી શકાય તેવી હતી.
કે.એમ.વી.એન.કેમ્પ
લાકડાંના ઇગ્લુ જેવાં થ્રી લેયર આઠ બેડની ડોરમેટરી બહારનાં અતિ ઠંડા વાતાવરણની સામે એકદમ હૂંફાળી લાગતી હતી. આ વ્યવસ્થા એટલી આરામદાયક હતી કે, મુસાફરીનો થાક ક્યાં ઉતરી ગયો તે ખબર ન પડી. બીજે દિવસે ડ્રીમ ડેસ્ટીનેશન પર જવાની કલ્પનાનાં રોમાંચમાં ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ન પડી.
પહાડોમાં આપણી રાત પણ વહેલી પડે અને દિવસ પણ ખૂબ વહેલો જ ઉગે. અહીં નેટવર્ક ન મળે એટલે ન મોબાઈલની ચિંતા કે નહિ સોશિયલ મીડિયાની. બસ પોતાની જાત સાથે અને કુદરત સાથે જ જીવવાનું. જે હોય તે તમારી આસપાસની દુનિયા એ સિવાય બાકીનાં બધાં વિચારો. 
અહીં સ્વ સાથે જીવવાનો એટલો બધો સમય મળે કે, ધીમે ધીમે અંદર ઉત્તરતાં જતાં હોઈએ એવું લાગે.
સવારે 5 વાગ્યે જોલિંગકોંગ જવાં નીકળ્યાં ત્યારે દિવસ પણ કંઇક અમારી તરફેણનો હોય તેવું લાગતું હતું. ગુંજીથી જોલિંગકોંગ લગભગ 40 કિમી છે પણ પહોંચતા બે થી અઢી કલાક થઈ જાય. રસ્તાનું વર્ણન કરવાં માટે મારી આંખો, મન અને કલમ કદાચ સક્ષમ નથી એવું હું માનું છું. કુદરતનાં અતિ સુંદર સ્વરૂપને આંખોમાં, મન મસ્તિષ્કમાં, હર્દયમાં અને કેમેરામાં કેદ કરવામાં હું તલ્લીન થઈ ગઈ.

જોલિંગકોંગથી 14 કિમી પહેલાં બરફથી ઢંકાયેલો બ્રહ્મ પર્વત જોવાં મળે છે. જે લગભગ છેક સુધી રસ્તાનાં વળાંકો પરથી જોવાં મળે છે. હિમાલય યુગોથી અડીખમ ઉભો છે. માનવજાતના કેટલાંય અસ્તિત્વ તેણે સાક્ષીભાવે નિહાળ્યાં છે જેથી ઊર્જા, તરંગો વગેરેનાં સ્પંદનો કંઇક અલગ જ અહેસાસ કરાવે છે જે બીજે ક્યાંય નથી અનુભવાતાં.
જોલિંગકોંગ એટલે ભારતીય સેનાનો બેઝ કેમ્પ. અહીં કે.એમ.વી.એન.(કુમાઉ મંડલ વિકાસ નિગમ)નો પણ કેમ્પ છે. વાહનમાંથી ઉતરતાં જ પવિત્ર આદિ કૈલાશજીનાં દર્શન થયાં. અમારે તો ઉપર જવું હતું શિવ પાર્વતી મંદિર અને પાર્વતી તાલ સુધી. ટ્રેકિંગ શરૂ કરી દીધું. અહીંની ઊંચાઈ પંદર હજાર ફૂટની છે. ચાર કિલોમીટર જેટલું ટ્રેકિંગ કરીએ એટલે શિવ પાર્વતી મંદિર અને પાર્વતી તાલનાં દર્શન થાય. ત્યાંથી ઉપર જઈએ એટલે ભીમની ખેતી અને આગળ ગૌરી કુંડના દર્શન થાય. આશરે વીસ હજાર સાતસો ફૂટની ઊંચાઈ પર આદિ કૈલાશ (પર્વતની ટોચ ) છે. જ્યારે શિવ પાર્વતી મંદિર , પાર્વતી સરોવર 19,504 ફૂટની ઊંચાઈ પર આવેલાં છે.
પાર્વતી સરોવર
ચાર કિલોમીટર બહુ લાંબુ અંતર નથી પણ જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ ઓક્સિજનની કમી ને કારણે  નાનું એવું અંતર પણ ઘણું લાગે છે. ક્યારેક કોઈ કોઈ લોકોને શ્વાસ લેવામાં  તકલીફ પણ પડતી હોય છે. 
અહીં ઊંચાઈ વિશે વાત કરવી એટલાં માટે મહત્વની છે કે, અમુક ઊંચાઈ પછી અતિ વિષમ તાપમાન, હવામાન અને ઓકસીજનનાં અભાવને  કારણે વનસ્પતિઓ પણ જીવી શકતી નથી. આવાં  વાતાવરણમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પૂરી કસોટી થાય છે માટે પૂરતી તૈયારી અને સારાં સ્વાસ્થ્ય સાથે પ્રવાસનું આયોજન કરવામાં આવે તો ખૂબ સુંદર લાભ મળી શકે છે. ( અમુક લોકો અધમૂવા થઈને પણ યાત્રા કરી તો લે છે પણ દેખીતી રીતે તેમાં કોઈ આનંદ કે સંતોષ હોતો નથી.)
અમે જોલિંગકોંગ પહોંચ્યા ત્યારે આદિ કૈલાશની ટોચ વાદળોથી ઢંકાયેલી હતી પણ ઉપર પહોચ્યાં ત્યારે જાણે દર્શન આપવા માટે વાદળો પણ હટી ગયાં અને કૈલાશ નાં ખૂબ સુંદર દર્શન થયાં. પાર્વતી તાલમાં કૈલાશ અને તેની આસપાસનાં પહાડોનું પ્રતિબિંબ એટલું અદ્ભુત જણાતું હતું કે તે અનુભૂતિનું વર્ણન શક્ય જ  નથી. 

પાંચ પાંડવ
આ સિવાય ડાબી તરફ પાંચ પાંડવ પર્વત જોઈને એમ જ લાગે કે, પાંચ યોગીઓ એક બીજાની પાછળ જઈ રહ્યાં છે. મંદિરની સામે વિશાળ પર્વત પર પાર્વતી મુકુટ નામની પર્વતોની હારમાળા જોવાં મળે છે. 
પાર્વતી મુકુટ
જોયા બાદ મુકુટ હોય તેવું ચોક્કસ લાગે જ. અહીં બેસીને ધ્યાન કર્યું જેની અસર પણ કઈક ઓર જ હતી.  અદ્ભુત પવિત્ર વાતાવરણમાં   તન, મન અને સમગ્ર અસ્તિત્વ જાણે એકાકાર થઈ જતું હોય તેવી અનુભૂતિ થતી હતી. કુલ દસ બાર યાત્રિકો અને બે ભારતીય સેનાનીઓ.
 ( એક આશ્ચર્યજનક બાબત એ બની કે, આ બે સેનાનીઓ પૈકી એક ગીર સોમનાથ જિલ્લાનાં તાલાલા તાલુકાનાં ગુંદરણ ગામનાં વતની એવા નરેન્દ્ર પરમાર મળી ગયાં) આપણે જ્યાં ચાર વર્ષ નોકરી કરી હોય ત્યાંની વતની એવા સેનાનીને મળીને પણ ખૂબ આનંદ થયો.) 
નરેન્દ્રભાઇ પરમાર (ભારતીય સેના)
આટલાં લોકોને બાદ કરતાં અહીં કોઈ નહોતું. અહીં આવનાર યાત્રિકોનાં ભાવ પણ અલગ અલગ હોય છે. કોઈને પ્રવાસ અને  ટ્રેકિંગ કરી અહીં  પહોચવું સાહસભર્યું  લાગે તો કોઈ માટે જન્મારો સુધારવાની યાત્રા. સહુ પોતાનાં મનોભાવ પ્રમાણે અહીં મસ્ત હતાં.
લગભગ બે  કલાક ખૂબ આરામથી રોકાયાં ,દર્શન કર્યાં, ધ્યાન કર્યું અને કુદરતનાં અપ્રતિમ સૌદર્યને માણ્યા બાદ અમો પરત ફરવા રવાના થયાં. વળતાં બીજા માર્ગેથી ભીમની ખેતી અને આગળ જઈએ તો ગૌરીકુંડ નાં  પણ દર્શન થાય છે.
પાછા આવવાની ઈચ્છા જ ન થાય તેવી આ અલૌકિક જગ્યાએથી ધીમે ધીમે નીચે ઉતરી અને જોલીગકોંગ કેમ્પમાં ભોજન કર્યું. થોડું રોકવાની ઈચ્છા હતી પણ વાતાવરણમાં અચાનક એકદમ પલટો આવ્યો. ફરી વાદળો છવાઈ ગયાં, કાતિલ ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો. અમે ઝડપથી નીકળી જવાનું નક્કી કર્યું.
પહાડોમાં વાતાવરણ ક્યારે પલટાઈ જાય તે નક્કી કરવું અશક્ય છે. જતાં વખત કરતાં વળતાં તદન અલગ જ સ્થિતિ હતી. કુતી (ગામ) ( કુંતીના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે) પહોંચતા સુધીમાં તો બરફ વર્ષા શરૂ થઈ ગઈ. અમે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે ગુંજી પાછાં આવી ગયાં. ખૂબ થાક અને વરસાદને કારણે લગભગ આઠ વાગ્યે તો સૂઈ ગયાં બીજે દિવસે ઓમ પર્વત જવાનું હતું.

વધુ આવતાં અંકે...

Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1