સબંધોનાં ગૂંગળાતાં શ્વાસ
સંબંધના ગૂંગળાતા શ્વાસ એકવીસમી સદીની પહેલી પચ્ચીસીની પૂર્ણતાના આરે ઉભેલા આપણે સહુ ભૌતિક સુખસુવિધાથી સજ્જ બની ગયા છીએ. માત્ર પાછલાં ચાલીસ પચાસ વર્ષમાં ભૌતિકતાની દ્વષ્ટિએ આપણે ઘણું બધું મેળવ્યું છે. કારણ કે, આજથી પચાસેક વર્ષ પહેલાં શ્રીમંતાઈની છડી પોકારતી મોટર કાર આજે સાવ સામાન્ય બની ગઈ છે અને તેમાં પણ એક જોઈએ અને બીજું ભૂલાય તેવાં મોડેલ મળે. ચાલીસ વર્ષ પહેલાં શહેરોમાં ઉચ્ચ હોદા પર નોકરી કરતી કે સારો વ્યવસાય કરતી વ્યક્તિ શાનથી સ્કુટરની સવારી કરતાં એ બાઇકે આજે શહેરો તો ઠીક ગામડામાં પણ સાયકલની જગ્યા લઇ લીધી છે. પોતાની માલિકીનાં ઘરમાં ટીવી , ફ્રીઝ, વોશિંગ મશીન, સ્કૂટર અને કાર હોય એટલી જીવનની તમામ જરૂરિયાતો પૂર્ણ થઈ ગણાતી એ બધું આજે આપણી પાસે છે. છતાં મનના એક ખૂણે એકલતા, અજંપો , અસુરક્ષિતતા મહેસૂસ થઇ રહી છે. જાણે કશુંક ખૂટતું હોય તેવો ભાસ થયા કરે છે, આખરે બધું મળવા છતાં શું ખૂટે છે ? એ જ સમજાતુ. વૈભવી જીવન જીવવાની હોડ અને દોટમાં જીવનનાં પ્રાણસમાં સંબંધોને કાં તો આપણે પાછળ છોડી દીધા છે અથવા એક બાજુ મૂકી દીધા છે અને પરિણામે એક ન સમજાય તેવો અજંપો મનમાં રહ્યા કરે છે. ...