વિજ્ઞાનમય કોશ

મનુષ્ય જીવનનાં વિકાસનું રહસ્ય એટલે પંચ કોશ પૈકી અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ વિશે ગત અંકોમાં આપણે જોયું.
આજે આ વિકાસનો ચોથો તબક્કો એટલે વિજ્ઞાનમય કોશ વિશે સમજીએ.
ગુજરાતીમાં એક કહેવત છે કે, 

બારે બુદ્ધિ, સોળે સાન, વીસે વાન આવ્યાં તો આવ્યાં નહિતર ગયાં...
બાર વર્ષે બુદ્ધિ અને સોળ વર્ષે સાન એટલે કે સમજનો વિકાસ થાય છે મતલબ ત્યારે તે એકદમ ઉત્કૃષ્ટ સમય હોય છે.

 વ્યક્તિમાં વિજ્ઞાનમય કોશના વિકાસ (વિ એટલે વિશેષ જ્ઞાન) સાથે વિવેક જાગૃત થાય છે અને વિવેકની જાગૃતિ સાથે બુધ્ધિ સ્થિર થાય છે. જે ખૂબ જરૂરી છે. 
 જીવનનાં કોઇપણ તબક્કે મહત્વનાં નિર્ણયો લેવા માટે દરેક પરિપ્રેક્ષ્માં વિચારીને અભ્યાસ કરીને નિર્ણય લઈ શકે તે વ્યક્તિનો વિજ્ઞાનમય કોષ વિકસેલો છે તેમ માની શકાય.

આ કોશનાં વિકાસનો ઉત્કૃષ્ટ સમય 16 થી 20 વર્ષ છે. આજનાં અભ્યાસક્રમ અને જીવનપદ્ધતિની જરૂરિયાત મુજબ હરીફાઇને કારણે બાળક બુદ્ધિ અને સમજ કરતાં વધુ મહત્વ સ્મૃતિને (યાદશકિત) (ગોખણપટ્ટી) આપે છે. બાળકને અન્ય કોઈ સમજણ નથી હોતી પરંતુ સમયની માંગ તેને ગોખણીયું બનાવી દે છે કારણ તેને મેરીટની હરીફાઈમાં ટકી રહેવાનું છે.
હકીકત એ છે કે, સ્મૃતિ એ બુદ્ધિનો માપદંડ નથી. આજનું ગોખેલું આવતીકાલે ભુલાઈ જાય છે પણ જો બુદ્ધિનો વિકાસ થશે તો તે જીવનભર કામ લાગે છે.
ચાણક્યે કહ્યું છે કે, સોળ વર્ષે પુત્ર/પુત્રીને મિત્ર સમાન ગણાવા .
આ ઉંમરે ઘર અને શાળામાં એવાં સંસ્કારનું સિંચન થવું જોઈએ જેમાં બાળકનાં વર્તનમાં વિવેકનું સત્વ ઉમેરાય. જેને કારણે તે સારા સારનો વિવેક પારખી શકે, ગુણ ગ્રાહી બને, શુભ દ્રષ્ટા બને.
આ બધાં ગુણોને કારણે તેનામાં મૌલિકતા વધતી જાય છે. સર્જનશક્તિ ખીલે છે. પોતાની રીતે વિચારવાની કળા તેને જીવનના નવાં આયામ સુધી લઈ જાય છે.
નીરક્ષીરનો વિવેક તેને ક્રિટીકલ થીંકિંગ અને ક્રિએટિવ થીંકિંગ કરતાં શીખવે છે. જ્યારે પોતાની આસપાસ ઘણુંબધું ખરાબ હોય ત્યારે તેમાંથી સારું અને શું પસંદ કરવું તે વિજ્ઞાનમય કોશના વિકાસને કારણે તે નક્કી કરી શકે છે. સૂક્ષ્મ બુધ્ધિથી વિવેક જાગૃત થાય છે જેને કારણે બાળક વૈજ્ઞાનિક, ફિલોસોફર, વિચારક, તત્વજ્ઞ, પ્રયોગશીલ બની શકે છે.
ક્રિએટિવ થીંકિંગ માટે વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પદ્ધતીની જરૂર પડે છે. આપણી ગુરુ શિષ્ય પરંપરા આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ શિક્ષણપદ્ધતિ એવી છે જેમાં કટોકટીનાં સમયમાં એટલે કે, પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે વર્તન કરવું તેની તાલીમ પણ મળતી હોય છે.
કેળવણીથી આ બાબતો કેળવી શકાય છે.
ક્રોધ, શંકા, અભિમાન, કુપ મંડુક્તા, અંધશ્રધ્ધા વગેરે વિજ્ઞાનમય કોશના વિકાસમાં બાધક બને છે.

કોઈપણ બાબત માટે વ્યક્તિ પોતાની જાતને ચાર પ્રશ્ન પૂછવાની આદત રાખે તો જીવનનાં ઘણાં પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે.
*હું જે કરું છું અથવા કરવાં જઈ રહી છું/ જઈ રહ્યો છું તે સાચું છે કે ખોટું ,યોગ્ય છે કે અયોગ્ય.
* હું આ શા માટે કરવા માગું છું એવો પ્રશ્ન પૂછવાથી ઉદ્દેશ સમજાઈ જાય છે.

*કઈ રીતે કરીશ તેનો જવાબ નહિ મળે તો એ કાર્ય નહિ થઈ શકે.

* ક્યારે કરવું જોઈએ એ પ્રશ્ન પોતાની જાતને પૂછવાથી અત્યારે સાચો સમય છે કે નહિ તે સમજાઈ જશે.
આ પ્રશ્ન વિવેક લાવે છે. જે જીવનભર દરેક ક્ષેત્રમાં સાચો નિર્ણય લેવામાં મદદ કરે છે. જેથી બાળકમાં/વ્યક્તિમાં તર્ક અને વિશ્લેષણ કરવાની શક્તિ ખીલે છે.
આજનાં યુગનાં બાળકોમાં
ડિપ્રેશન, મૂડ સ્વિંગ, આત્મઘાતી વલણ, વગર વિચાર્યું ભોજન( ખાઉંધરાપણું), ઓબેસિટી, અસલામતી, આભાસી દુનિયામાં જીવવું, અવિવેકી વર્તન, એકાકીપણું , લાગણીનો અભાવ વગેરે બહુ સામાન્યપણે જોવાં મળતાં લક્ષણો છે.

પંચકોશમાં ક્રમશ: કોશ વિકસે તો આગળના કોશ યોગ્ય પ્રમાણમાં વિકસી શકે છે. જેનું મુખ્ય કારણ અન્નમય કોશનો અયોગ્ય વિકાસ જેમાં અયોગ્ય આહાર વિહાર , પથ્યાપથ્યને કારણે અન્નમય કોશનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. ત્યારબાદ પ્રાણમય કોશનાં વિકાસ સમયે બાળકને અતિ આવશ્યક એવી પ્રાણ શક્તિનાં વિકાસ માટે જરૂરી એવાં સ્વાવલંબનનો અભ્યાસ તેમજ ચોક્કસ પ્રકારના વ્યાયામ કસરત રમતગમત વગેરેનાં અભાવને કારણે પ્રાણ શક્તિનું સંચરણ પણ યોગ્ય રીતે થતું નથી.
મનોમય કોષના વિકાસ સમયે જે મનોસ્થિતિનું નિર્માણ થાય છે તે સ્થિતિ અન્વયે બાળકને યોગ્ય વાતાવરણ ન મળવાને કારણે તેના આ કોશનો વિકાસ પણ જોઈએ તેવો થતો નથી.

ધ્યાનની ઈચ્છા થાય તેવી આદત પાડવાથી કે વાતાવરણનું સર્જન કરવાથી, કોઈપણ વાત/બાબત સાંભળવાની અને વિચારવાની ધીરજ અને રુચિ વધે તેવો વાર્તાલાપ અને ચર્ચાઓ, વૈચારિક અને આત્મિક બળ મળે તેવા પુસ્તકોનું વાંચન, વાદવિવાદ, પ્રયોગશીલ રહે તેવાં પ્રયોગો કરવાથી વિજ્ઞાનમયકોશ વિકાસ પામે છે
અને અહીંથી પોતાની જાતને ઓળખવાની શરૂઆત થાય છે.

સંપર્ક
અમી દોશી
9825971363






Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1