પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ માટેનું રણશિંગુ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીનું રાજ્યભરમાં રણશિંગુ ફૂંકાયું 

ચાણક્યએ કહ્યું છે કે, 
શિક્ષક કભી સાધારણ નહીં હોતાં,
પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં ખેલતે હૈ.

આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ
શ્રીસર્વપલ્લી રાધકૃષ્ણનજી, ડૉ શ્રી એપીજે અબ્દુલ કલામ સાહેબ હોય કે ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય શ્રીદેવવ્રતજી. શિક્ષક જ્યારે ક્રાંતિ આણવાંનું નક્કી કરે છે ત્યારે પરિણામ પ્રાપ્ત કરીને જ જંપે છે.

ગુજરાત રાજ્યનાં ઉધોગપતિઓ, સાધુ સંતો અને મહંતો, ખેડૂતો, ગોપાલકોને પ્રાકૃતિક કૃષિની અનિવાર્યતા સમજાવી અને દરેક લોકોને પોતાનાં ક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિને કઈ રીતે સામેલ કરવી તે બાબતે ત્રિદિવસીય બેઠકનું આયોજન રાજ્યપાલશ્રી દ્વારા રાજભવનમાં કરવામાં આવ્યું હતું.


    ઉધોગપતિઓ

ગુજરાત રાજ્યનું સૌભાગ્ય છે કે, આદરણીય આચાર્ય દેવવ્રતજી જેવાં પ્રકૃતિ પ્રેમી, આદર્શ શિક્ષક, સદાય લોકોની અને સમગ્ર પર્યાવરણની ચિંતા કરનારા રાજ્યપાલશ્રી મળ્યાં છે.

 હરિયાણાના કુરુક્ષેત્રમાં  આવેલાં ગુરુકુળમાં પાંત્રીસ વર્ષ સુધી મુખ્ય આચાર્ય તરીકે ગરિમાપૂર્ણ યોગદાન આપનારા આચાર્ય દેવવ્રતજીની નિયુક્તિ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કરવામાં આવી ત્યારે તેમણે પોતાનાં અનુભવો અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેનાં અનહદ લગાવને ક્રાંતિનું સ્વરૂપ આપી પોતાનાં કાર્યકાળ દરમિયાન હિમાચલ પ્રદેશને 95 ટકા પ્રાકૃતિક ખેતી કરતાં રાજ્યનું બિરુદ અપાવી દીધું.

હિમાચલ પ્રદેશનાં પાલમપુર મુકામે 

ગુજરાત રાજ્યનાં ઘણાં ખેડૂતોએ છેલ્લાં વીસ વર્ષથી પ્રાકૃતિક ખેતીની દિશા તરફ પ્રયાણ કર્યું છે, પરંતુ જ્યારે કોઈ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવી હોય ત્યારે સમગ્ર સમાજ એક જ દિશામાં, સખત, સતત અને એક સાથે પ્રયત્ન કરે તો જ નક્કર પરિણામ પ્રાપ્ત થાય તે અનિવાર્ય શરત છે. જેનાં માટે સર્વમાન્ય એક નેતૃત્વની જરૂર પડે છે. રાજ્યપાલશ્રી એ પોતાનાં કાર્યકાળની શરૂઆતથી જ આ ઝુંબેશ શરૂ કરેલી પણ કોરોનાને કારણે તેમાં થોડો અવરોધ આવી ગયેલો.

    
   લેખિકા મહામાહિમશ્રી સાથે

વિશ્વ વ્યાપી ગ્લોબલ વોર્મિંગને કારણે એક પછી એક કુદરતી આફતોનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું જ છે. કદાચ હવે પછીનું વિશ્વયુદ્ધ પાણી માટેનું હશે. રાજ્યપાલજી અનુસાર, “એક પેઢીએ જે પાણી નદીમાં જોયું તે બીજી પેઢી કૂવામાં, ત્રીજી પેઢી હેન્ડ પંપમાં, ચોથી પેઢી બોટલમાં અને હવે પછીની પેઢી કદાચ ઈન્જેકશનમાં જોઈ શકશે” કારણ ગ્લોબલ વોર્મિંગ માં 24 ટકા હિસ્સો કેમિકલ ખાતર અને જંતુનાશક દ્વારા નકામી થઈ ગયેલી જમીનનો છે.

જંતુનાશકની ભયાનક અસરો 


પર્યાવરણ, જમીન અને પાણીમાં થતી કેમિકલ અને જંતુનાશકની અસરનું ચક્ર


કેમિકલ ખાતર અને જંતુનાશક દવાઓનો કારણે અનાજમાં ઝેર આવે છે સાથે જમીનમાં પાણી સાથે ઝેર ઉતરે છે, જમીન ધોવાઇને નદી નાળાં મારફત પાણીમાં ઝેર ભળે છે. જે મનુષ્ય અને પ્રાણી પંખીના પેટમાં જાય છે. કાજુનો વધુ પાક મેળવવા માટે હેલિકોપ્ટર દ્વારા છાંટવામાં આવેલ એન્ડો સલ્ફાન નામનાં જંતુનાશકનો ભોગ બનેલું કેરળનું કસારગોડ હોય, પંજાબની કેન્સર ટ્રેન હોય કે વિધવાઓનાં આંસુઓનું મુક સાક્ષી એવું ગોટા રીંગણ માટે પ્રખ્યાત (કુખ્યાત) ગુજરાતનાં કેશોદનું અજાબ ગામ હોય, કેમિકલ ખાતર અને જંતુનાશક દવાઓએ ભૃણમાં અનુવાંશિક ખામીઓ પેદા કરી અને નવી પેઢીને તેની હેવાનિયતનો ભોગ બનાવ્યું છે. આજે દેખીતાં કોઈપણ કારણ વગર કેન્સરનો જે વિસ્ફોટ થયો છે તેમાં કેમિકલ ખાતર અને જંતુનાશકનો સિંહફાળો છે.

જંતુનાશકની વારસાગત અસરો 

1960 માં શરૂ થયેલી હરિતક્રાંતિ બાદ આજે કેમિકલયુક્ત ખાતર અને જંતુનાશકને કારણે 60 વર્ષે ધીમે ધીમે આપણે દયનીય, દારુણ અને અત્યંત વિકટ સ્થિતિમાં આવી ગયાં છીએ. કથળેલા સામાજિક સ્વસ્થ્યને કારણે ધીમે ધીમે લોકો જાગી રહ્યાં છે પણ જાગૃતિના આ સમગ્ર ચક્રને પૂરું કરવામાં ઘણી કડીઓ ખૂટે છે જેને જોડવાનું કામ આદરણીય   રાજ્યપાલશ્રીએ આત્મા પ્રોજેકટ અને આ કિસાન સંઘના પાયાનાં પત્થર  એવાં શ્રીપ્રફુલભાઈ સેંજલિયા અને અન્ય અનેક નામી અનામી કાર્યકર્તાઓનાં સંકલનથી શરૂ કર્યું છે.

ખેડૂત અનેક મુશ્કેલીઓનો સામનો કરી અને પ્રાકૃતિક ખેતી કરે પણ જ્યારે તેને યોગ્ય ભાવે ખરીદનાર કદરદાન નથી મળતો ત્યારે તે નિરાશ થઈ અને પાછો પડી જાય છે. રાજ્યપાલશ્રી એ ગુજરાતભરનાં ઉધોગપતિઓને આવાં ખેડૂતોને પ્રોત્સાહન આપી તેમની ઉપજ ખરીદવાનો આગ્રહ અને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો અણગમો, અણસમજ, સુઝનો અભાવ, ખોટી અફવાઓ ને કારણે મોટા ભાગનાં ખેડૂતો તેનાથી હજુ જોજનો દૂર છે ત્યારે સમાજનાં આ મોટાંભાગનાં ખેડૂત વર્ગને સમજાવવાની, પ્રેરણા આપવાની જવાબદારી સંતો, મહંતો અને કથાકારને સોંપતા આદરણીય રાજ્યપાલશ્રી કહે છે કે, “ સંતો જ્યારે પોતાનાં અનુયાયીઓને પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા સમજાવી અને તે તરફ વળવા પ્રેરણા આપશે ત્યારે સમાજનો મોટાં ભાગનો ખેડૂતવર્ગ એક આસ્થા સાથે આ ક્રાંતિમાં જોડાશે જેનું પરિણામ અકલ્પનીય આવશે.”


    સંતો મહંતો


અસાધ્ય બીમારીઓ અને કથળતાં સામાજિક, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કેમિકલયુક્ત ખાતર અને જંતુનાશક દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અનિવાર્ય છે આપણી દેશી કુળની ગાય.
ભારતદેશમાં જેને માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે તેવી દેશી કુળની ગાયોનાં ગુણથી લગભગ સમાજનો મોટો વર્ગ પરિચિત છે પણ માત્ર પરિચયથી ક્રાંતિ ન મળી શકે. તેનું પાલન પણ એટલું જ જરૂરી છે.

સમગ્ર રાજ્યભરમાંથી એકત્ર થયેલ ગોપાલકોને પોતાનાં જીવનનાં અનુભવોનું વર્ણન કરી અને ઉચ્ચ ઓલાદની દેશી ગાયોનું સંવર્ધન કરવા માટે રાજ્યપાલશ્રી એ આહલેક જગાવી હતી. ગાયોનું સંવર્ધન, ગોબર અને ગૌમૂત્રમાંથી ઉચ્ચ કક્ષાનું અને જેનાં એક ગ્રામમાં કરોડો સૂક્ષ્મ જીવાણુઓ વાસ કરે છે તે અમૂલ્ય ખાતર બનાવી અને દરેક ખેડૂતને લભ્ય કરાવવાં માટે પ્રોત્સાહિત કરેલ.
પ્રાકૃતિક ખેતી માટેની આ ક્રાંતિ જો જનજનમાં વ્યાપ્ત થઈ જાય તો દેશનાં સિક્કિમ અને હિમાચલની જેમ આપણું ગુજરાત પણ પ્રાકૃતિક કૃષિ આધારિત રાજ્ય બની જાય જે વર્તમાન અને આવનારી પેઢી માટે સંજીવની સમાન સાબિત થશે.

ગોપાલકો સાથેનો વાર્તાલાપ

ક્રાંતિ થાય ત્યારે તેમાં સારાં લોકો સાથે લેભાગુ તત્વો પણ પોતાનો સ્વાર્થ સાધવા તત્પર બની જાય છે પણ આવાં લોકોની ચિંતા કર્યા વિના બાકીનાં લોકો પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યા કરે તો પરિણામ અચૂક મળે છે.
 
ગમે તેટલી પ્રગતિ કરીએ, મબલખ પૈસા કમાઈએ, ધન દોલત અને એશ આરામમાં આળોટીએ પણ માનવ પોતે સ્વસ્થ નહિ હોય તો બધું નકામું છે.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।






Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1