ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા

ઉત્તર વાહિની (પંચકોશી પરિક્રમા) નર્મદા પરિક્રમા
    
   નર્મદે હર !!!!!!


માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા (પંચકોશી પરિક્રમા) (22km) એપ્રિલમાં પૂર્ણ કરી. બાળપણમાં 
શ્રી અમૃતલાલ વેગડનાં નર્મદા પરિક્રમા પ્રવાસનું વર્ણન વાંચ્યાં બાદ નર્મદા પરિક્રમા કરવાનાં વિચારો વર્ષોથી સતત ચાલ્યા કરે એમાં શ્રી ધ્રુવભટ્ટની તત્વમસિ એ આ ઝંખનાને બળવત્તર બનાવી. જેનાં પરિપાકરૂપે, જબલપુર, ભેડાઘાટ, ધુવાંધાર, અમરકંટક, હોશંગાબાદ, ઓમકારેશ્વર વગેરે સ્થળોનો જુદાં જુદાં સમયે પ્રવાસ કરી અને થોડો સંતોષ અનુભવેલો પણ નર્મદા મૈયાની પગપાળા 3500કિમીની પરિક્રમા કરવાની ઈચ્છા તો હજુ ધરબાયેલી જ છે. ક્યારે પૂરી થશે એ તો ખબર નથી પણ  ઉત્તરવાહીની પરિક્રમા કરવાનો લ્હાવો પણ અનેરો છે. નર્મદાના તીરે ચાલવાનો ,તેની સાથે અને આસપાસ હોવાનો આનંદ એક અલૌકિક અનુભૂતિ કરાવી ગયો. 

વહેલી પરોઢ પહેલાં ત્રણ વાગ્યે રામપુરા ઘાટથી (નર્મદા જિલ્લો તા.નાંદોદ) શરૂ કરેલી યાત્રા સાડા છ થતાં પૂર્ણ થઈ ગઈ. 

દિવસે પ્રખર તાપને કારણે પરિક્રમા મુશ્કેલ લાગે. જો કે લોકો તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે ચાલતાં જોવા મળે છે. મેં સમયની પસંદગી એ રીતે કરેલી કે, રાત્રીનાં ત્રણ વાગ્યે શરૂ કરીએ તો પ્હો ફાટતાં સુધી મોટાભાગનો રસ્તો કપાઈ ગયો હોય અને વહેલી સવારે માં નર્મદાના સામાં તીરે ચાલવાનો, એ મનોરમ્ય દ્ર્શ્યો જોવાનો, રોમાંચિત થવાનો મોકો મળે. 


આઠમની રાત્રિ હોવાથી બહુ પ્રકાશ પણ નહિ અને એકદમ અંધકાર પણ નહિ. આકાશ એકદમ ચોખ્ખું અને તારા મંડળ સ્પષ્ટ દેખાય. બંને બહેનો સાથે હોવાં છતાં બંને પોતપોતાનાં મૌનની મસ્તીમાં. અનેક લોકો આગળ પાછળ ચાલતાં હોય, કોઈ 'નર્મદે હર'ના  નારા લગાવતાં હોય, કોઈ  ધૂન બોલાવતાં જતાં હોય તો કોઈ જાણે ખાવાં પીવા મોજમસ્તી અને પર્યટન  માટે નીકળ્યાં હોય તેવું લાગે. જેવી જેની આસ્થા.  પરિક્રમાનો મોટાભાગનો રસ્તો ગામડાઓની વચ્ચેથી પસાર થાય છે.  નદીની બંને તરફ આવેલાં આશ્રમમાંથી કાંઠા પર જઈ શકાય. 
આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી એક માસ દરમિયાન થતી હોય છે. બાકીના સમયમાં કોઈને અંગત રીતે કરવી હોય તો તો કરી શકે પણ ત્યારે પરિક્રમાનો માહોલ ન મળે. અહીં થોડાં થોડાં અંતરે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ખાવા, પીવા અને વિસામાની વ્યવવસ્થાઓ કરવામાં આવેલી હતી અને આસ્તિકો ખૂબ જ ભાવપૂર્વક પરિક્રમાવાસીઓને પ્રસાદ લેવાં માટે આગ્રહ કરતાં હતાં.

 બે હાથ ફેલાવી અને જમવાનો એટલો આગ્રહ કરે એ આતિથ્યભાવથી ગદગદિત થઈ જવાય પણ અમારે તો કંઇ જ ખાવું નોહતું એટલે બસ ચૂપચાપ ચાલતાં રહ્યાં.

 નર્મદાનું વહેણ મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી અને અરબી સમુદ્ર (પૂર્વથી પશ્ચિમ) તરફ છે પણ નાંદોદ તાલુકાનાં રામપુરા ગામથી તિલકવાડા સુધી નર્મદાનો પ્રવાહ ઉત્તર તરફ વહેતો હોવાથી અહીં તે ઉત્તરવાહીની તરીકે ઓળખાય છે. 

લોકોની એવી આસ્થા છે કે, સાડા ત્રણ હજાર કિલોમીટરની સંપૂર્ણ પરિક્રમા જે લોકો કરી શકતાં નથી તેઓ ત્રણ વાર ઉત્તર વાહિની પરિક્રમા કરી અને સંપૂર્ણ પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત કરતાં હોય છે.

રામપુરાથી પરિક્રમા શરૂ કરી અને સીતારામ બાબા આશ્રમ સુધી ગ્રામ્ય રસ્તા પર અમે ચાલ્યાં. આ આશ્રમથી નર્મદા તટ પર ઉતરી અને તીરે તીરે લગભગ બે કિલોમીટર બાદ નદીને ઓળંગવાની હોય છે આ વર્ષે પ્રથમવાર ગામલોકો દ્વારા નદી પર કાચો પુલ (મજબૂત અને ડર ન લાગે તેવો) બાંધવામાં આવેલો હોવાથી લોકો લાઈનબંધ એકદમ શાંતિથી નદીને ઓળંગતા હતાં. 

પ્રશાસન દ્વારા ચોવીસ કલાકનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે બધું એકદમ શિસ્તબદ્ધ ચાલતું જોવા મળ્યું. એકસાથે પુલ પર  એક જ લાઈનમાં અને નિયત સંખ્યામાં લોકો ચાલી શકે જેથી કોઈ અફરાતફરીની સ્થિતિ જ ઉપસ્થિત ન થાય. પુલની પેલે પાર તિલકવાડા તરફ ઊંચી ટેકરી પર ખૂબ સુંદર મંદિર આવેલું છે. ગ્રામ્ય રસ્તાની બન્ને તરફ કેળનાં ખેતરો જાણે કેળના જંગલો. કેળ વચ્ચેથી ચાલતાં ચાલતાં પસાર થવું એ પણ એક લ્હાવો છે. ઠંડો પવન એકદમ શીતળતાનો  અહેસાસ કરાવે. કપિલેશ્વરથી નીચે ઉતર્યા ત્યારે વહેલી સવારનાં અજવાળામાં નદીને  જોઈને તો એમ થયું કે બે ઘડી અહીં બેસી જ જઇએ.  નર્મદાના પાણીમાં આઠમનો ચંદ્ર પ્રતિબિંબિત થતો જોઈ ત્યાં રોકાઈ જવાની ઈચ્છા થઈ ગઈ અને આશ્રમવાસીઓની મીઠી ઈર્ષ્યા પણ થઈ. 

એમ થયું કે બારેમાસ, તમામ ઋતુઓ, ચંદ્રની વિવિધ કળાઓને આ કિનારા પર બેસીને માણવાનો આનંદ કેવો હશે!!!

આગળ જતાં એકદમ પગદંડી જેવો રસ્તો કાંઠે કાંઠે ચાલ્યો જાય. પૂર્ણ ભરાયેલી નદીમાં વહેતાં ગોળ પથ્થરો છેક કિનારા સુધી ફેલાઈને પડ્યાં હોય પણ પાણી જ્યારે ઓસરે ત્યારે તે રેતીમાં  અર્ધદટાયેલાં ગોળ પથ્થરો પર ધ્યાન રાખીને ચાલવું પડે. પ્હો ફાટ્યો, ભોં ભાખળું થયું અને ખળ ખળ વહેતી નદીને અજવાળામાં જોતાં અહો....થઈ ગયું. સામે કિનારે મોટી મોટી કોતરો કુદરતે જાણે નિરાંતે કોતરકામ કર્યું હોય તેવી શિલ્પકૃતિઓ લાગે. થોડીવાર તો બેસી જ ગયાં, અનિમેષ નજરે કુદરતના અફાટ સૌંદર્યને નીરખતાં. 

સદનસીબે અમે યાત્રા કરી તે દિવસે મર્યાદિત યાત્રીઓ હોવાને કારણે વહેલી સવારનો રેવા તીરનો આનંદ શાંતિથી માણી શક્યાં. જ્યાં આ પરિક્રમા પૂર્ણ કરી અને સામા કાંઠે જવાય છે તે રેંગણ ગામે સલાહકારેશ્વર મહાદેવ તીર્થધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. વિશાળકાય નંદિની પ્રતિમા પરિક્રમાવાસીઓને આવકારે છે. 


આ સ્થળને પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવ્યું હોય તેમ લાગે. મહાદેવની વિવિધ હસ્તમુદ્રાઓ યાત્રિકોને સેલ્ફી લેવા માટે મજબૂર કરે તેવી છે.

લાઈનબંધ ગોઠવાયેલી રંગબેરંગી છત્રીઓ નીચે પ્રખર તાપમાં રાહત અને શાંતિ આપે. અહીંથી સામે આવેલાં રામપુરા ઘાટ પર જવાં માટે નાવ તૈયાર હોય. વીસ રૂપિયામાં સામે પાર લઈ જાય અંતર ખૂબ ઓછું પણ આનંદ અનેરો. 

સામે પાર ઘાટ પર ઉતરી લોકો નર્મદા સ્નાન કરે, પૂજા અર્ચના કરે ત્યારબાદ રામપુરા મંદિરમાં દર્શન કરી અને પરિક્રમા પૂર્ણ કરે અને ધન્યતા અનુભવે. અમે અહીં બેસી લીંબુ શરબત અને સેવમમરા(અહીં તમામ યાત્રિકો માટે વ્યવસ્થા હોય છે)  સાથે આ માહોલનો આનંદ માણ્યો. ફરી રામપુરા મંદિરમાં દર્શન કરી અને રાજપીપળા પરત ફર્યાં પણ આ વખતે માં રેવાની પરિક્રમાનો પરમ આનંદ મારી સાથે હતો અને મનમાં ગુંજતું હતું રેવા ફિલ્મનું કર્ણપ્રિય ગીત 
" માં રેવા રેવા તારું પાણી નિર્મળ, 
ખળ ખળ વહેતું જાય તારું પાણી નિર્મળ"

( માત્ર 22કિમીની પરિક્રમા હોવાથી કોઈપણ ઉંમરના કોઈપણ લોકો સરળતાથી કરી શકે છે.) (શિયાળામાં દિવસે પરિક્રમા કરવાનો પણ ખૂબ આનંદ આવે)

મારી દ્રષ્ટિએ આ લાભ જીવનમાં એકવાર અચૂક લેવાં જેવો ખરો..



નર્મદે હર!!!!!!

Comments

Popular posts from this blog

લીમડાનાં જ્યુસનું પરબ: અનોખો સેવાયજ્ઞ

ગીરની ગોદ: નેહ નિતરતી ભૂમિ

ઋષિકેશ ડાયરી: ચેપ્ટર 1