સંવેદના સ્પર્શની...! જાદુ કી જપ્પી
સંવેદના સ્પર્શની...! જાદુ કી જપ્પી બાળકનો જન્મ થાય ત્યારે માતા બાળકને હાથમાં લઈ તેને થપથપાવે ત્યારે બાળક જીવનના પ્રથમ સ્પર્શની અનુભૂતિ સ્વરૂપે રડીને પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. અસ્તિત્વના અહેસાસની મથામણ જન્મથી લઈને મૃત્યુ બાદ જમણાં પગના અંગુઠામાં મુખાગ્નિ આપવામાં આવે છે ત્યાં સુધી રહે છે. ક્યારેક પ્રેમ સ્વરૂપે, ક્યારેક મૌન લાગણી સ્વરૂપે, ક્યારેક ગુસ્સા સ્વરૂપે પણ, સ્પર્શ વિના સૃષ્ટિ પરના જીવનું જીવન શક્ય નથી. કોરોનાએ સમગ્ર વિશ્વને સ્પર્શની દુનિયાથી બે વર્ષ માટે અળગા કરી દીધા હતાં પણ, જીવન જીવવા માટે સ્પર્શની ભાષા અનિવાર્ય છે. સ્પર્શ એ જીવની જીવાદોરી છે. જીવવા માટે હવા પાણી અને ખોરાક જેટલો જ જરૂરી સ્પર્શ છે. સ્પર્શને કોઈપણ શબ્દોથી કે પરિભાષાથી વર્ણવી ન શકાય તેવી અદભૂત સંવેદના છે. સ્પર્શથી હતાશા અને તાણ જ દૂર થાય તેવું નથી. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, દીર્ઘાયુ બક્ષે છે. સ્પર્શને કારણે મગજની બાયો કેમેસ્ટ્રી બદલાઈ જાય છે માનસિક શાંતિનો અનુભવ થાય છે મન અને શરીર શક્તિથી ભરપૂર હોય તેવો અહેસાસ થાય છે. પ્રથમ સ્પર્શ જીવનની ખૂબ જ અગ...